MONEY9: ગયા મહિને દૂધ મોંઘું થયું હતું અને હવે તહેવારોમાં દૂધમાંથી બનતી મીઠાઈ મોંઘી થવાની છે. એક બાજુ દૂધાળા પશુઓમાં બીમારી ફેલાઈ હોવાથી દૂધના ઉત્પાદન પર અસર પડી છે તો બીજી બાજુ, ઘાસચારો મોંઘો થવાથી દૂધ સસ્તું થવાની જગ્યાએ મોંઘું થવાની શક્યતા વધી છે. ભારતનાં જે રાજ્યોમાં દૂધનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ત્યાંના દૂધાળા પશુઓમાં લમ્પી સ્કિન બીમારી ફેલાઈ હોવાથી દૂધના ઉત્પાદન પર અસર પડી છે. પહેલાં આ બીમારીએ ગુજરાત અને રાજસ્થાનને પ્રભાવિત કર્યા અને હવે મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્રમાં તેનો પ્રકોપ વધી રહ્યો છે. ઉત્તર પ્રદેશ સિવાય આ ચારેય રાજ્યોમાં દૂધનું મહત્તમ ઉત્પાદન થાય છે.
લમ્પી વાઈરસે આ રાજ્યોનાં હજારો પશુઓનો ભોગ લીધો છે. એકલા રાજસ્થાનમાં 10 હજારથી વધુ પશુનાં મોત થયા છે જ્યારે ગુજરાતમાં 5 હજારથી પણ વધુ પશુઓ મોતને ભેટ્યાં છે.
દૂધાળાં પશુઓને જ્યારે લમ્પી સ્કિન બીમારી થાય છે ત્યારે તેમની દૂધ આપવાની ક્ષમતા લગભગ 60 ટકા ઘટી જાય છે અને આ બીમારી મટી જાય તોપણ, દૂધ આપવાની મૂળ ક્ષમતા હાંસલ કરવામાં ઘણા દિવસો લાગે છે.
આ કારણસર, દૂધના ઉત્પાદન પર અસર પડી છે અને દૂધનું ઉત્પાદન ઘટવાને કારણે, ડેરીઓને રોજે રોજ મળતો દૂધનો સપ્લાય ઓછો થઈ ગયો છે. ઘણા ક્ષેત્રોમાં દૂધનું કલેક્શન 3 થી 5 ટકા સુધી ઘટ્યું છે.
જોકે, દૂધના કલેક્શનમાં ઘટાડાનું એક કારણ, કોરોના પછી થાળે પડેલી સ્થિતિ પણ છે. ગયા વર્ષે તો કોરોનાને કારણે માત્ર સંગઠિત સેક્ટરને જ મહત્તમ દૂધનો સપ્લાય થતો હતો, પરંતુ આ વર્ષે સ્થિતિ સામાન્ય થઈ હોવાથી અસંગઠિત સેક્ટરમાં પણ દૂધનો સપ્લાય વધ્યો છે.
હવે, વાત કરીએ પશુઓના ઘાસ-ચારાની તો, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે તેના ખર્ચમાં 15 થી 17 ટકાનો વધારો થયો છે. એટલે પશુપાલકોએ દૂધનું ઉત્પાદન કરવા માટે હવે વધારે ખર્ચ કરવો પડે છે. ઘાસચારો જેટલો મોંઘો થયો છે, તે પ્રમાણે દૂધના ભાવ વધ્યા નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દૂધ માર્કેટના નિષ્ણાતો પણ કહી રહ્યાં છે કે, આગામી દિવસોમાં દૂધના ભાવ ઘટવાની કોઈ શક્યતા નથી…
ભારતની સૌથી મોટી ડેરી અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીનું કહેવું છે કે, દૂધ ઉત્પાદનનો ખર્ચ અને બજારમાં માંગની સ્થિતિનું મૂલ્યાંકન કરીએ તો, આગામી દિવસોમાં દૂધના ભાવ વધવાની શક્યતા નથી, પરંતુ ઘટવાની પણ શક્યતા નથી….
દૂધ કંપનીઓએ વધતાં ખર્ચનું કારણ આપીને ગયા મહિને જ ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો અને હવે લમ્પી સ્કિન બીમારીને કારણે દૂધનો સપ્લાય ઘટ્યો હોવાથી કિંમતમાં ફરી વધારો થવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો