Money9 Gujarati:
ફાર્માસ્યુટિકલ કંપની મેનકાઈન્ડ ફાર્માનો શેર 2 જૂન-શુક્રવારના BSE પર 8 ટકા વધીને રૂ. 1,509ની નવી ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. ગયા મહિને શેરબજારમાં પ્રવેશનાર આ શેરમાં 12 મે-2023ના રોજ રૂ.1,439ની ઊંચી સપાટી બની હતી, પણ હવે તેણે 1,500ની સપાટી વટાવી દીધી છે. મેનકાઈન્ડ ફાર્મા તેની મેનફોર્સ બ્રાન્ડ ઓફ કોન્ડોમ અને પ્રેગા ન્યૂઝ પ્રેગ્નેન્સી ટેસ્ટ કીટ માટે લોકપ્રિય છે.
મેનકાઇન્ડ ફાર્માએ 9 મે, 2023ના રોજ શેરબજારમાં પ્રવેશ કર્યો હતો. કંપનીએ IPOમાં રૂ. 1,080ના ભાવે શેર આપ્યા હતા. 2 જૂન-શુક્રવારે તેનો ભાવ રૂ.1,467એ બંધ રહ્યો હતો, એટલે કે, IPOના ઇશ્યૂ ભાવની સામે તેમાં 40 ટકા વળતર મળ્યું છે. શુક્રવારે શેર 8 ટકા વધ્યો હતો અને ટ્રેડિંગ વોલ્યુમ ચાર ગણાથી પણ વધુ ઉછળી ગયું હતું અને NSE તથા BSE પર 1.3 મિલિયનથી પણ વધારે શેરોમાં સોદા પડ્યા હતા.
શેર 3 દિવસમાં 11% વધ્યોઃ
છેલ્લાં 3 દિવસમાં મેનકાઈન્ડ ફાર્માનો શેર 11 ટકા વધ્યો છે, કારણ કે કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. કોન્સોલિડેટેડ ધોરણે કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT – કર ચૂકવ્યા બાદનો નફો) 52 ટકા વધીને રૂ.294 કરોડ થયો છે. વેચાણમાં વૃદ્ધિના જોરે કંપનીના નફાને વેગ મળ્યો છે. માર્ચ-2023 ક્વાર્ટરમાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 18.9 ટકા વધીને રૂ.2,053 કરોડ થઈ છે, જે માર્ચ-2022 ક્વાર્ટરમાં રૂ.1,726 કરોડ હતી. શેરબજારમાં લિસ્ટિંગ બાદ, કંપનીએ પ્રથમવાર ત્રિમાસિક પરિણામો જાહેર કર્યાં હતા.
અપેક્ષા કરતાં સારા પરિણામઃ
મેનકાઈન્ડ ફાર્માએ જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2022-23માં ભારતનાં ફાર્મા માર્કેટની તુલનાએ કંપનીના બિઝનેસનું પ્રદર્શન ચડિયાતું રહ્યું છે. ખાસ તો, ક્રોનિક સેગમેન્ટ્સ (chronic segments)ને કારણે કંપનીને ફાયદો થયો છે અને ડોમેસ્ટિક બિઝનેસમાં તેનો હિસ્સો વધીને 34 ટકા થયો છે, જે નાણાકીય વર્ષ 2021-22માં 33 ટકા હતો. કંપનીના કન્ઝ્યુમર હેલ્થકેર બિઝનેસમાં પણ બે અંકમાં વૃદ્ધિ જળવાઈ રહી છે. કંપનીની લોકપ્રિય બ્રાન્ડ્સે પોતપોતાની કેટેગરીમાં પ્રભુત્વ જમાવી રાખ્યું છે. કંપની હવે ગ્રામ્ય બજારોમાં વેચાણ વધારવા માંગે છે.
IPOમાં કરાવી હતી કમાણીઃ
મેનકાઈન્ડ ફાર્માએ તેના IPOમાં પૈસા લગાવનારા રોકાણકારોને સારું વળતર આપ્યું છે. નવમી મે-મંગળવારના રોજ મેનકાઈન્ડ ફાર્માનો શેર લિસ્ટ થયો હતો. કંપનીએ 1,080ના ભાવે શેર ઈશ્યૂ કર્યા હતા, જેની સામે તેનું લિસ્ટિંગ 1,300 રૂપિયાના ભાવે થયું હતું. દિવસ દરમિયાન મેનકાઈન્ડ ફાર્માનો શેર 1,430ના હાઈ લેવલે પહોંચી ગયો હતો અને દિવસના અંતે રૂ.1,424.05ના સ્તરે બંધ રહ્યો હતો. આમ, લિસ્ટિંગના દિવસે, શેર દીઠ 350 રૂપિયાનો ફાયદો થયો છે અને 33 ટકા રિટર્ન છૂટ્યું છે.
સંબંધિત ખબરઃ કોન્ડોમ બનાવતી કંપનીએ કમાણી કરાવીઃ 2023નો પહેલો ધમાકેદાર IPO: પહેલાં દિવસે જ વેલ્યુએશન 7 અબજ ડૉલરને વટાવી ગયું
બ્રોકર્સનો મતઃ
એનાલિસ્ટ્સ જણાવે છે કે, મેનકાઈન્ડ ફાર્માએ અપેક્ષા કરતાં સારું પ્રદર્શન કર્યું છે. શક્યતા છે કે, કંપની નાણાકીય વર્ષ 2025-26 સુધી બે અંકમાં વૃદ્ધિનું મોમેન્ટમ જાળવી રાખશે અને સમગ્ર ઉદ્યોગની સરખામણીએ ચડિયાતું પ્રદર્શન કરતી રહેશે. BNP Paribas Indiaના એનાલિસ્ટ્સ નોંધે છે કે, “ક્રોનિક પ્રોડક્ટ્સના જોરે કંપની ડોમેસ્ટિક માર્કેટમાં આઉટપર્ફોર્મન્સ કરતી રહેશે. નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં તેની આવક 12.6 ટકા, EBITDA 18.5 ટકા અને PAT 21.9 ટકાનો CAGR (વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દર) હાંસલ કરે તેવી અપેક્ષા છે. અમે Buy રેટિંગ જાળવી રાખીએ છીએ અને ટાર્ગેટ ભાવ અગાઉના રૂ.1,500થી વધારીને રૂ.1,520 કરીએ છીએ.”
ટાર્ગેટ પ્રાઈસઃ
Antique Stock Brokingએ મેનકાઈન્ડ ફાર્મા માટે બાય રેટિંગ જાળવી રાખ્યું છે, પરંતુ ટાર્ગેટ પ્રાઈસ રૂ1,584થી ઘટાડીને રૂ.1,539 કરી છે. તેણે કંપનીનું વેલ્યુએશન 30 times FY25 earnings per share (EPS)ના આધારે કર્યું છે. આ બ્રોકરેજે નોંધ્યું છે કે, “માર્ચ-2023 ક્વાર્ટરમાં કંપનીના ગ્રોસ માર્જિન 67.2 ટકા થયા છે, જે ત્રિમાસિક ધોરણે 0.40 ટકા ઘટાડો દર્શાવે છે. EBITDA માર્જિનમાં પણ 0.60 ટકા ઘટાડો થયો છે. જોકે, કંપનીએ EBITDA માર્જિનમાં 24-26 ટકાની રેન્જમાં નોંધપાત્ર સુધારાના સંકેત આપ્યા છે. કંપની 2024-25 સુધીમાં 25 ટકા EBITDA માર્જિન અને 13 ટકા EPS CAGR નોંધાવે તેવી ધારણા છે.” હરીફો સાથે સરખામણીએ કરીએ તો, મેનકાઈન્ડ ફાર્મા મેટ્રો શહેરોમાં અને પ્રથમ શ્રેણીનાં શહેરોમાં ઓછી હાજરી ધરાવે છે. તેની આવકમાં આ સેગમેન્ટનો હિસ્સો 53 ટકા છે, જ્યારે સમગ્ર ફાર્મા ઉદ્યોગમાં આ હિસ્સો 63 ટકા છે. નાણાકીય વર્ષ 2022-23માં ભારતીય ફાર્મા ઉદ્યોગે મેટ્રોમાં અને ટિયર-1 શહેરોમાં 9 ટકા વૃદ્ધિ કરી હતી જેની સામે મેનકાઈન્ડ ફાર્માનો ગ્રોથ 11 ટકા રહ્યો હતો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માત્ર સમાચાર પૂરતી મર્યાદિત છે, તેને રોકાણની સલાહ તરીકે ગણતરીમાં લેવી નહીં. આ ખબર લખનાર વ્યક્તિ પાસે તેના શેર નથી. રોકાણ કરવા માટે રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની સલાહ લેવી.)
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો