મહિલા સમ્માન સેવિંગ્સ સ્કીમમાં રોકાણ ડબલ ‘મહિલા સમ્માન સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ’ હિટ સાબિત થઈ છે. મહિલાઓ માટેની આ ખાસ બચત યોજનાની જાહેરાત બજેટમાં થઈ હતી અને ત્યારથી તેમાં રોકાણ સતત વધ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં તો રોકાણ ડબલ થઈ ગયું છે. એપ્રિલ અને મે મહિનામાં તેમાં 3,666 કરોડનું રોકાણ થયું હતું. ત્યારબાદ એપ્રિલથી 10 જુલાઈ સુધીમાં મહિલાઓએ 6,750 કરોડ રૂપિયા રોકી દીધા છે. આ સ્કીમમાં 11 લાખ 80 હજાર ખાતા ખુલ્યા છે. અગાઉ આ સ્કીમમાં માત્ર ટપાલ વિભાગ મારફતે રોકાણ થઈ શકતું હતું પરંતુ હવે સરકારી બેન્કો દ્વારા પણ રોકાણ થાય છે અને ટૂંક સમયમાં ઓનલાઈન સુવિધા પણ શરૂ થવાની ધારણા છે. આ સ્કીમમાં વાર્ષિક 7.5 ટકા વ્યાજ મળે છે અને તેની ગણતરી ત્રિમાસિક ધોરણે થાય છે. તમે ઓછામાં ઓછું 1,000 રૂપિયા અને મહત્તમ 2 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ સ્કીમની મુદત બે વર્ષની છે.
સીનિયર સીટિઝન સ્કીમમાં રોકાણ 176% વધ્યું વરિષ્ઠ નાગરિકોએ તેમની ખાસ બચત યોજનામાં જબરજસ્ત રોકાણ કર્યું છે. આ યોજનાનું નામ છે – સીનિયર સીટિઝન સેવિંગ્સ સ્કીમ. જેને SCSS પણ કહે છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં આ સ્કીમમાં સાડા છ લાખથી પણ વધુ ખાતા ખુલ્યા છે અને 55 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. ગયા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં આ સ્કીમમાં 19,925 કરોડનું રોકાણ થયું હતું અને 2.96 લાખ ખાતા ખુલ્યા હતા. એટલે કે, વાર્ષિક ધોરણે રોકાણ 176 ટકા વધી ગયું છે. તો શા માટે સીનિયર સીટિઝનમાં આ સ્કીમનું આકર્ષણ વધ્યું છે? કારણ કે, આ સ્કીમમાં રોકાણની વાર્ષિક મર્યાદા 15 લાખથી વધારીને 30 લાખ કરવામાં આવી છે. આ ફેરફારની જાહેરાત બજેટમાં થઈ હતી. ઓછામાં પૂરું આ સરકારી સ્કીમમાં 8.2 ટકા વ્યાજ મળે છે.., તેની સામે સરકારી બેન્કોમાં ઓછું વ્યાજ મળે છે.
ભાવ કાબુમાં લેવા સરકાર ટામેટાંનો સપ્લાય વધારશે ટામેટાંની મોંઘવારીને કાબૂમાં લેવા સરકાર હરકતમાં આવી છે. જે વિસ્તારોમાં ટામેટાંની વધારે ખપત થાય છે ત્યાં સપ્લાય વધારવા માટે સરકારે તેની એજન્સીઓને કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાંથી ટામેટાં ખરીદવાની સૂચના આપી છે. સરકારે નાફેડ અને NCCFને સૂચના આપી છે કે, આ ત્રણેય રાજ્યોનાં માર્કેટયાર્ડ્સમાંથી ટામેટાંની ખરીદી કરવામાં આવે અને છૂટક વેચાણ કેન્દ્રો પર ઓછા ભાવે વિતરણ કરવામાં આવે. સરકારી આંકડા અનુસાર, છેલ્લાં 1 મહિનામાં ટામેટાંનો ભાવ 326.13 ટકા વધી ગયો છે. 11મી જુલાઈએ 1 કિલો ટામેટાંની ઓલ-ઈન્ડિયા એવરેજ રિટેલ પ્રાઈસ 108.92 રૂપિયા હતી.
કેનેરા રોબેકોએ લૉન્ચ કરી મલ્ટિ-કેપ સ્કીમ કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડે મલ્ટિ-કેપ સ્કીમ લૉન્ચ કરી છે. તેમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ છે. આ એક ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ છે. તમે જે પૈસા રોકશો તેને લાર્જકેપ, મિડકેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં રોકવામાં આવશે. મિનિમમ 5,000 રૂપિયાનું ઉચ્ચક રોકાણ કરી શકો છો જ્યારે મિનિમમ 1,000 રૂપિયાની SIP કરી શકો છો. આ સ્કીમનું રિસ્કોમીટર વેરી હાઈ છે, એટલે કે તેમાં ખૂબ વધારે જોખમ છે. જો તમે રોકાણ શરૂ કર્યાંના 1 વર્ષની અંદર યુનિટ વેચશો તો 1 ટકા એક્ઝિટ લોડ લાગશે પરંતુ વર્ષ બાદ વેચશો તો એક પણ રૂપિયાનો એક્ઝિટ લોડ નહીં ચૂકવવો પડે. તમામ કેટેગરીનાં સ્ટોક્સમાં રોકાણ કરવા માટે મલ્ટિ-કેપ સ્કીમ એક સારો વિકલ્પ છે. અન્ય એક ફંડ હાઉસ કોટક મહિન્દ્રા AMCએ પણ કોટક ક્વાન્ટ ફંડ લૉન્ચ કર્યું છે. તેનો NFO 26 જુલાઈએ બંધ થશે. જો તમે એક આક્રમક રોકાણકાર હોવ અને વધારે જોખમ લેવા તૈયાર હોવ તો જ ક્વાન્ટ ફંડ વિશે વિચારવું જોઈએ. રોકાણ કરતાં પહેલાં આર્થિક સલાહકાર સાથે ચર્ચા કરો અને આર્થિક સલાહકાર સેબીમાં રજિસ્ટર્ડ છે કે નહીં તેની પણ ખરાઈ કરી લેજો.
ઉત્કર્ષ સ્મૉલ ફાયનાન્સ બેન્કનો IPO ખુલ્યો ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેન્કનો 500 કરોડ રૂપિયાનો IPO ખુલી ગયો છે. તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ છે. કંપની એક શેર 23થી 25 રૂપિયામાં ઓફર કરી રહી છે. ગ્રે માર્કેટમાં શેર દીઠ 14 રૂપિયા પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. IPO ખુલ્યાના બે કલાકમાં જ સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. પહેલા દિવસે રિટેલ રોકાણકારોની કેટેગરી સાડા ત્રણ ગણી ભરાઈ ગઈ હતી.
TCS Q1 Result: નફો અને આવક વધ્યા દેશની સૌથી મોટી સૉફ્ટવેર કંપની TCSએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. ટાટા ગ્રૂપની આ કંપનીનો નફો 15 ટકા વધીને 11,392 કરોડ રૂપિયા થયો છે જ્યારે આવક 13 ટકા વધીને 59,162 કરોડ રૂપિયા થઈ છે. કંપનીએ શેર દીઠ 9 રૂપિયા વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. 12 જુલાઈએ રિઝલ્ટના દિવસે TCSનો શેર 0.35 ટકા માઈસમાં રહીને 3,261એ બંધ રહ્યો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો