સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ લોનના હપ્તા ભૂલી જનારાઓ પાસેથી વસૂલાતની મીઠી પદ્ધતિ અપનાવી છે. બેંકે કહ્યું છે કે તે માસિક EMI ચૂકવવામાં ડિફોલ્ટ કરનારા સંભવિત લોનધારકોને ચોકલેટનું એક પેકેટ મોકલશે. જેથી તેઓને યાદ અપાવી શકાય કે તેઓએ કેટલો હપ્તો ભરવાનો બાકી છે.. જૂન 2023ના ત્રિમાસિક ગાળામાં SBIની કુલ રિટેલ લોન 16.46 ટકાથી વધુ વધીને રૂ. 12.04 લાખ કરોડ થઈ છે. બેંકની કુલ લોન 13.9 ટકા વધીને 33.03 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. એસબીઆઈના એમડી અશ્વિની કુમાર તિવારીએ જણાવ્યું કે ફિનટેકના પ્રતિનિધિઓ એવા ગ્રાહકોની મુલાકાત લેશે જેમના હપ્તા ચૂકી જવાની શક્યતાઓ છે.
આ લોકોને 5 ટકાની સસ્તી લોન
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરકાર વિશ્વકર્મા યોજના હેઠળ પરંપરાગત કારીગરોને આપવામાં આવતી લોન પર આઠ ટકા સુધીની વ્યાજ સબસિડી આપશે. પીએમ વિશ્વકર્મા યોજનાના લોકાર્પણ પ્રસંગે, નાણામંત્રીએ જણાવ્યું હતું કે સરકારે આ યોજના માટે 2023-24ના બજેટમાં પહેલેથી જ 13 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે… આ યોજના અંતર્ગત કારીગરોને 5 ટકાના સસ્તા દરે લોન આપવામાં આવશે. ખાસ વાત એ છે કે આ લોન કોઈપણ જાતની જામીનગીરી વિના આપવામાં આવશે. આ યોજના હેઠળ 18 પરંપરાગત કારીગરો જેવા કે સુથાર, સુવર્ણકાર, લુહાર, કડિયા, પથ્થરની મૂર્તિ બનાવનારા, વાળંદ અને હોડી બનાવનારા વગેરેને લાભ મળશે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર આ યોજના હેઠળ કારીગરોને 3 લાખ રૂપિયા સુધીની લોન આપશે.
દેશ સમક્ષ આ છે મોટો પડકાર
RBIના ભૂતપૂર્વ ગવર્નર સી રંગરાજને કહ્યું છે કે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવું એ ગર્વની વાત છે, પરંતુ માથાદીઠ આવકમાં પણ વધારો થવો જરૂરી છે. માથાદીઠ આવકના સંદર્ભમાં આપણે હજુ પણ સંતોષકારક સ્થિતિમાં નથી, આ મામલે સ્ટોરી કંઇક અલગ છે. સી રંગરાજને કહ્યું કે આ માત્ર એટલું જ અંતર દર્શાવે છે કે જે આપણે કાપવાનું છે, આપણી પાસે માથાદીઠ આવકના વર્તમાન સ્તરને જોતાં ઝડપથી વૃદ્ધિ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે ગણતરી અનુસાર જો દેશ આગામી બે દાયકા અને તેથી વધુ સમય માટે સાત ટકાનો સતત વિકાસ દર હાંસલ કરે છે તો તેનાથી અર્થતંત્રના સ્તરમાં નોંધપાત્ર પરિવર્તન આવશે અને ભારત લગભગ વિકસિત અર્થવ્યવસ્થાનો દરજ્જો પ્રાપ્ત કરી શકે છે.
બમ્પર એડવાન્સ ટેક્સ કલેક્શન
ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત રીતે વિકાસ કરી રહી છે..જેનો સંકેત એડવાન્સ ટેક્સ કલેક્શનના પ્રારંભિક આંકડા પરથી મળી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર 15 દરમિયાન જમા થયેલા એડવાન્સ ટેક્સમાં વાર્ષિક ધોરણે 20 ટકાનો વધારો થવાનો અંદાજ છે…. અત્યાર સુધીમાં સરકારને એડવાન્સ ટેક્સ સ્વરૂપે 3.54 લાખ કરોડ રૂપિયા મળ્યા છે. . નિષ્ણાતોનો અંદાજ છે કે આ આંકડો હજુ વધી શકે છે… કારણ કે એડવાન્સ ટેક્સ જમા કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર હતી…. બેંકો હાલમાં છેલ્લી તારીખ સુધી જમા કરાયેલા ટેક્સની ગણતરી કરી રહી છે. આવી સ્થિતિમાં તેમાં વધુ વૃદ્ધિ થવાની સંભાવના છે. સૂત્રોનું કહેવું છે કે સરકાર આગામી સપ્તાહે એડવાન્સ ટેક્સ કલેક્શન અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે.
ભારતમાં iPhone 15નો ગાંડો ક્રેઝ
Apple iPhone 15 નો ક્રેઝ ભારતમાં તેની ટોચ પર છે. આ સીરીઝના ફોનનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. ટ્રેન્ડ દર્શાવે છે કે દેશમાં Apple iPhone 15ની ભારે માંગ છે. કેટલાક મોડલ્સનું બુકિંગ તો એટલું વધારે છે કે ફોન હાથમાં લેવા માટે રાહ જોવી પડી શકે છે… Apple iPhone 15 ભારતમાં 22 સપ્ટેમ્બરે લોન્ચ થશે. તે પહેલા જ ભારતમાં તેના બમ્પર બુકિંગની શક્યતા છે… તે શુક્રવારથી શરૂ થઈ ગયું છે…
સાયબર સિક્યોરિટી પર સમિતિ
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે IRDAI એ સાયબર સિક્યોરિટી પર એક સ્થાયી સમિતિની રચના કરી છે જે વર્તમાન અથવા ઇમર્જિંગ ટેક્નોલોજીમાં રહેલા જોખમોની નિયમિત સમીક્ષા કરશે. આ એપ્રિલમાં ઇન્ફોર્મેશન એન્ડ સાયબર સિક્યુરિટી ગાઇડલાઇન્સ બહાર પડ્યા બાદ રચિત સમિતિ, ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી પર સાયબર સુરક્ષાની સ્થિતિને મજબૂત કરવા માટે માળખામાં યોગ્ય ફેરફારો પણ સૂચવશે.
Published September 18, 2023, 15:52 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો