MG મોટર ઈન્ડિયાએ ગુજરાતના હાલોલમાં વધુ એક પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કર્યા બાદ અન્ય કંપનીએ પણ આવી જાહેરાત કરી છે. જય ભારત મારુતિ લિમિટેડે ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. ગુરુવારે આ જાહેરાત બાદ, જય ભારત મારુતિનો સેર 4.23 ટકા વધીને રૂ.173.80એ બંધ રહ્યો હતો.
જય ભારત મારુતિએ જણાવ્યું છે કે, તે ગુજરાતમાં અને હરિયાણામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રૂ.300 કરોડથી રૂ.350 કરોડનું રોકાણ કરશે. આ બંને રાજ્યમાં તેની મુખ્ય કસ્ટમર મારુતિ સુઝુકીના પ્લાન્ટ છે અને મારુતિની જરૂરિયાતને પહોંચી વળવા માટે તે આ રોકાણ કરશે. જય ભારત મારુતિ આ રોકાણ તબક્કાવાર કરશે. હરિયાણામાં સોનીપત ખાતે પ્લાન્ટ શરૂ કરવામાં આવશે જ્યારે ગુજરાતમાં SMG સપ્લાયર્સ પાર્ક ખાતે પ્લાન્ટ સ્થાપવામાં આવશે. કંપની ગુજરાતના આ પ્લાન્ટમાં એસેમ્બલી ફેસિલિટી પણ સ્થાપશે.
JBM ગ્રૂપ અને મારુતિ સુઝુકી ઈન્ડિયા વચ્ચે થયેલા સંયુક્ત સાહસનું નામ જય ભારત મારુતિ લિમિટેડ છે. જય ભારત મારુતિ લિમિટેડ મારુતિ સુઝુકી માટે ચેસિસ અને સસ્પેન્શન સિસ્ટમ, એક્ઝોસ્ટ સિસ્ટમ્સ, વેલ્ડેડ એસેમ્બલી, ટૂલ્સ અને ડાઈ જેવા મુખ્ય ઓટો સિસ્ટમનું મેન્યુફેક્ચરિંગ કરે છે.