Money9 Gujarati:
ITCનો શેર સતત દોડી રહ્યો છે. રોજેરોજ તેમાં નવી હાઈ બની રહી છે. કંપનીનું માર્કેટ કેપ 5.5 ટ્રિલિયન રૂપિયાને પાર થઈ ગયું છે. કોલકાતા સ્થિત આ કંપનીનો શેર 30 મે-મંગળવારના રોજ એક્સ-ડિવિડન્ડ થવાનો છે. સિગારેટથી લઈને હોટેલ કારોબારમાં ફેલાયેલી કોલકાતાની આ કંપનીએ રોકાણકારોને ચાલુ વર્ષે 35 ટકા વળતર આપ્યું છે. ITCના કાઉન્ટરમાં તેજીવાળાએ તરખાટ મચાવ્યો છે. છેલ્લાં 6 ટ્રેડિંગ સેશનથી તેમાં વણધારી તેજી જળવાઈ છે. FMCG ક્ષેત્રે ITC અગ્રણી કંપની તરીકે નામના ધરાવે છે.
ડિવિડન્ડમાં કર્યો વધારો ITCએ થોડાં દિવસો અગાઉ માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં ત્યારે શેર દીઠ રૂ.6.75નું ફાઈનલ ડિવિડન્ડ અને રૂ. રૂ.2.75નું સ્પેશિયલ ડિવિડન્ડ જાહેર કર્યું હતું. કંપનીના બોર્ડે અગાઉ 3 ફેબ્રુઆરીએ શેર દીઠ રૂ.6 વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું હતું. આમ, ITCના શેરધારકોને નાણાકીય વર્ષ 2022-23 માટે શેર દીઠ કુલ રૂ.15.50 ડિવિડન્ડ મળશે. વચગાળાનું ડિવિડન્ડ માર્ચ-2023માં ચૂકવાઈ ગયું હતું. કંપની આ તમામ ડિવિડન્ડ પેટે કુલ રૂ.19,255.02 કરોડની ચૂકવણી કરશે.
દર વર્ષે વધાર્યું ડિવિડન્ડ અગાઉ નાણાકીય વર્ષ 2021-22 માટે ITCએ શેર દીઠ રૂ.11.50 (કુલ રૂ.6,469.48 કરોડ) જ્યારે નાણાકીય વર્ષ 2022-21 માટે શેર દીઠ રૂ.10.75 (કુલ રૂ.6,152.68 કરોડ) ડિવિડન્ડ આપ્યું હતું. વર્ષ 2021-22 માટે ડિવિડન્ડ યીલ્ડ 4.59 ટકા જ્યારે 2020-21 માટે 4.92 ટકા હતી. ITCએ NSEને પાઠવેલા નિવેદનમાં જણાવ્યું છે કે, મે મહિનામાં જાહેર થયેલું ડિવિડન્ડ 14 ઓગસ્ટ અને 17 ઓગસ્ટની વચ્ચે ચૂકવવામાં આવશે.
30 મે રેકોર્ડ ડેટ કંપનીએ 30 મે રેકોર્ડ ડેટ નક્કી કરી છે, એટલે કે 30 મેના રોજ તે એક્સ-ડિવિડન્ડ થશે. રેકોર્ડ ડેટ અથવા એક દિવસ અગાઉની તારીખે કંપનીઓના શેર્સ એક્સ-ડિવિડન્ડ ટ્રેડ થાય છે. જ્યારે કોઈ ચોક્કસ તારીખે કંપની એક્સ-ડિવિડન્ડ થાય ત્યારે તેના શેરની કિંમતમાં આગામી ડિવિડન્ડ પેમેન્ટની વેલ્યુ જોવા મળતી નથી.
માર્ચ-2023 ક્વાર્ટરના પરિણામ ITCએ મે મહિનાના પ્રારંભે માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં હતા. કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન પ્રોફિટમાં 21.37 ટકા વૃદ્ધિ નોંધાવી છે. કંપનીનો પ્રોફિટ રૂ.5,086.90 કરોડ થયો છે, જે માર્ચ-22 ક્વાર્ટરમાં રૂ.4,190.96 કરોડ હતો. ITCની આવક 6.14 ટકા વધીને રૂ.17,224 કરોડ થઈ છે, જે ગયા વર્ષના માર્ચ ક્વાર્ટરમાં રૂ.16,226.63 કરોડ હતી.
ITCના શેર માટે ટાર્ગેટ ભાવ ITCના શેર માટે JM Financial તરફથી રૂ.475નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ બ્રોકરેજ હાઉસ જણાવે છે કે, કાયદેસરના સિગારેટ ઉદ્યોગ માટે નીતિવિષયક માહોલ સાનુકૂળ હોવાથી ITCના શેરને ટેકો મળ્યો છે. Motilal Oswal Securitiesએ ITC માટે રૂ.485નો ટાર્ગેટ ભાવ આપ્યો છે જ્યારે Elara Securitiesએ 473નો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે. Kotak Institutional Equitiesએ રૂ.450નો ટાર્ગેટ આપ્યો છે. ITCનો શેર 29-મે, સોમવારે 1.21 ટકા વધીને રૂ.448.95એ બંધ રહ્યો હતો. આજે ITCના શેરમાં રૂ.451.80ની 52-સપ્તાહની ટોચ બની હતી. શેરમાં સતત તેજીને કારણે કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.5.58 લાખ કરોડ થઈ ગયું છે. છેલ્લાં એક વર્ષમાં આ શેરમાં 67 ટકા વળતર મળ્યું છે જ્યારે 2023માં અત્યાર સુધીમાં તે 35 ટકા વધ્યો છે. છેલ્લાં પાંચ સેશનમાં ITCનો શેર 6 ટકાથી પણ વધુ ઉપર ગયો છે.
રોકાણકારે શું કરવું?
એનાલિસ્ટ્સ કહે છે કે, આવતા 2થી 3 સપ્તાહમાં રૂ.460નો સંભવિત ટાર્ગેટ ધ્યાનમાં રાખીને શોર્ટ-ટર્મ ટ્રેડર્સે વ્યૂહરચના બનાવવી જોઈએ. છેલ્લાં 5 મહિનાથી ITCના શેરમાં માસિક ધોરણે હાયર લો બની છે અને લાંબા સમયથી તેણે અપટ્રેન્ડ જાળવી રાખ્યો છે. તેના ચાર્ટ સ્ટ્રક્ચરને જોતાં લાગે છે કે, શેર રૂ.460 ઝોન તરફ નવી રેકોર્ડ હાઈ બનાવી શકે છે. ક્લોઝિંગ ધોરણે રૂ.420થી નીચેનો સ્ટોપ લોસ રાખવો જરૂરી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માત્ર સમાચાર પૂરતી મર્યાદિત છે, તેને રોકાણની સલાહ તરીકે ગણતરીમાં લેવી નહીં. આ ખબર લખનાર વ્યક્તિ પાસે તેના શેર નથી. રોકાણ કરવા માટે રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની સલાહ લેવી.)
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો