Money9 Gujarati:
શેરબજારમાં બુધવારે 500 પોઈન્ટ્સનો ઘટાડો થવા છતાં IT હાર્ડવેર કંપનીઓના સ્ટોક્સમાં તેજી જોવા મળી હતી. આ સ્ટોક્સ રોકાણકારોના હોટ ફેવરિટ બન્યા છે. 17 મે-બુધવારે આ કંપનીઓના શેર્સની ભારે ડિમાન્ડ જોવા મળી. ભરપૂર લેવાલીના પગલે, ECS બિઝટેક અને લેબલક્રાફ્ટ ટેક જેવી કંપનીના સ્ટોક્સમાં 20 ટકાની અપર સર્કિટ વાગી જ્યારે HCL ઈન્ફોસિસ્ટમ્સનો શેર 5 ટકાની અપર સર્કિટને ટચ થઈ ગયો. દેશમાં આઈટી હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ માટે સરકારે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપી હોવાથી, તેમનું આકર્ષણ વધ્યું છે. આ સ્કીમથી આઈટી હાર્ડવેર કંપનીઓના શેરમાં સારું વળતર મળશે, તેવી અપેક્ષા સાથે રોકાણકારોએ ધૂમ ખરીદી કરી છે.
સરકારની જાહેરાત બાદ, ડી-લિન્ક ઈન્ડિયા, અંબર એન્ટરપ્રાઈઝિસ, વિનટ્રોન ઈન્ફો, VXL ઈન્સ્ટ્રુમેન્ટ્સ અને કમ્પ્યુએજ ઈન્ફો જેવા શેર્સ રોકેટ ગતિએ ભાગ્યા હતા. BSE પર અંબર એન્ટરપ્રાઈઝિસનો શેર 15.81 ટકા વધીને રૂ.2,177.90એ બંધ રહ્યો હતો. D-Link ઈન્ડિયાનો શેર 4.32 ટકા, ટીવીએસ ઈલેક્ટ્રિકનો શેર 3.19 ટકા, એજીએસ ટ્રાન્સેક્ટનો શેર 1.32 ટકા, વિન્ટ્રોન ઈન્ફોનો શેર 4.9 ટકા, VXL ઈન્સ્ટ્રુમેન્ટ્સનો શેર 4.8 ટકા વધ્યો હતો.
Production Linked Incentive Scheme (PLI) for IT Hardware has been approved by Cabinet today: Union Minister Ashwini Vaishnaw pic.twitter.com/eOE70Ulneo
— ANI (@ANI) May 17, 2023
બુધવારે કેબિનેટની બેઠક બાદ IT મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે, સરકારે IT હાર્ડવેર માટે રૂ. 17,000 કરોડની PLI સ્કીમના બીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે. સરકારે દેશમાં વિવિધ ક્ષેત્રો માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરી છે. આમાં, ભારતમાં ઉત્પાદક કંપનીઓ તેમના ઉત્પાદનના આધારે સરકાર તરફથી લાભ મેળવે છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે, સરકાર IT હાર્ડવેર માટે PLI સ્કીમ હેઠળ 17,000 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરશે. આ રકમ આગામી 6 વર્ષમાં ખર્ચવામાં આવશે. આનાથી દેશમાં લગભગ 75,000 લોકોને પ્રત્યક્ષ રોજગાર અને લગભગ 2 લાખ લોકોને પરોક્ષ રોજગાર મળશે. આ સાથે તેમણે જણાવ્યું કે સરકારની આ યોજનાનો લાભ લેપટોપ, ટેબલેટ, ઓલ ઈન વન પર્સનલ કોમ્પ્યુટર, સર્વર અને અન્ય નાના આઈટી હાર્ડવેર ઉપકરણો બનાવતી કંપનીઓને મળશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે દેશમાં દર વર્ષે લેપટોપ, ટેબલેટ અને પર્સનલ કોમ્પ્યુટરનું ઉત્પાદન વધશે અને આ રીતે 3.35 લાખ કરોડ રૂપિયાના ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે. સાથે જ આ માટે કુલ રૂ. 2,430 કરોડનું રોકાણ પણ આવશે. સરકારે એપ્રિલ 2020માં PLI સ્કીમ શરૂ કરી હતી. જ્યારે IT હાર્ડવેર માટે PLI સ્કીમ ફેબ્રુઆરી 2021માં લોન્ચ કરવામાં આવી હતી. આ માટે સરકારે 7,350 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. આ પછી હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ સરકારને ફાળવણી વધારવાની વિનંતી કરી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો