Money9: મોદી સરકાર સામાન્ય લોકોને વધુ એક મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. સરકારે સસ્તા દરે ‘ઇન્ડક્શન’ સ્ટવ અને ‘ઇન્ડક્શન પ્રેશર કૂકર’ આપવાનું આયોજન કર્યું છે. આ કામ સરકારી કંપની એનર્જી એફિશિયન્સી સર્વિસ લિમિટેડ (EESL) દ્વારા કરવામાં આવશે. માહિતી અનુસાર, EESL ટૂંક સમયમાં જ પર્યાવરણ અનૂકુળ રીતે ખાવાનું બનાવવાનો રાષ્ટ્રીય કાર્યક્રમ (નેશનલ પ્રોગ્રામ ઓન ક્લીન કુકિંગ) શરૂ કરશે. આ અંતર્ગત ગ્રાહકોને ‘ઇન્ડક્શન’ સ્ટવ અને ‘ઇન્ડક્શન પ્રેશર કૂકર’ ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. નોંધનીય છે કે હજુ પણ દેશના ઘણા એવા વિસ્તારો છે જ્યાં વીજળી પહોંચી ગઈ હોવા છતાં એલપીજી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. આ કાર્યક્રમ મુખ્યત્વે આવા વિસ્તારોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી રહ્યો છે.
બજાર કરતા આટલી ઓછી હશે કિંમત
સૂત્રોએ જણાવ્યું હતું કે, “EESL હવે ઇકો-ફ્રેન્ડલી રસોઈ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં વીજળીથી ચાલતા ‘ઇન્ડક્શન’ સ્ટવ અને ‘ઇન્ડક્શન પ્રેશર કૂકર’ ગ્રાહકોને સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ હેઠળ ઇન્ડક્શન સ્ટવ અને ઇન્ડક્શન પ્રેશર કૂકર વર્તમાન બજાર કિંમત કરતાં 20 થી 30 ટકા સસ્તું મળી શકે છે. આ અંગે રાજ્યો સાથે પણ ચર્ચા થઈ છે.
વીજ વપરાશ ઘટાડવા માટે ઘણી પહેલ કરવામાં આવી
EESL ઊર્જા કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા અને વીજ વપરાશ ઘટાડવા માટે વિવિધ કાર્યક્રમો કરે છે. તેમાં પોષાય તેવા દરે LEDs પ્રદાન કરવા માટેનો UJALA પ્રોગ્રામ, સ્માર્ટ મીટર પ્રોગ્રામ, ઇમારતોને ઉર્જા કાર્યક્ષમ બનાવવાનો કાર્યક્રમ સામેલ છે. EESL અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ યોજનાઓએ વાર્ષિક 52 અબજ યુનિટ વીજળીના વપરાશને ઘટાડવામાં મદદ કરી છે. આ સાથે, તેણે વાર્ષિક 11,200 મેગાવોટ વીજળીની માંગ ઘટાડવામાં અને 4.55 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો