MONEY9: અમદાવાદના હાર્દિક પટેલને સેકન્ડ-હેન્ડ કારના ડીલર્સ રોજ પાંચથી છ વખત કોલ કરે છે. તેમને સારી ઑફર પણ આપવામાં આવે છે. પરંતુ હાર્દિકભાઈ અત્યારે કાર વેચવા માંગતા નથી. આટલા બધા કોલ આવવાનું કારણ છે, સેકન્ડ હેન્ડ કાર માર્કેટમાં આવેલી તેજી. અમદાવાદથી લઈને ગાઝિયાબાદના હજારો લોકોને સારા ભાવે કાર વેચવા માટે ઑફર્સ મળી રહી છે.
નવી કાર મોંઘી નવી ગાડીઓના ભાવ વધી ગયા હોવાથી ઘણા લોકો સેકન્ડ હેન્ડ કાર માર્કેટ તરફ વળ્યાં છે. આથી, નવી કારના વેચાણમાં એટલી તેજી નથી, જેટલી ડિમાન્ડ સેકન્ડ હેન્ડ કારની છે. માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કુલ 31 લાખ નવી કાર વેચાઈ હતી જ્યારે સેકન્ડ હેન્ડ કાર માર્કેટમાં 44 લાખ કારનું વેચાણ થયું હતું. ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીના લોકોનું કહેવું છે કે, આગામી સમયમાં પણ સેન્કડ હેન્ડ કાર માર્કેટમાં તેજીનો આ ટ્રેન્ડ જળવાઈ રહેશે.
જૂની કારનું માર્કેટ વધશે અંદાજ છે કે, નાણાકીય વર્ષ 2026 સુધીમાં 80 લાખ સેકન્ડ હેન્ડ કારનું વેચાણ થશે જ્યારે 43 લાખ નવી કાર વેચાશે. એટલે કે, પાંચ વર્ષ પછી જેટલી નવી કાર વેચાશે, તેના કરતાં ડબલ સેકન્ડ-હેન્ડ કાર વેચાવાની શક્યતા છે. સેકન્ડ-હેન્ડ કાર માર્કેટમાં ભરપૂર તક હોવાની શક્યતાને પગલે ઘણા સ્ટાર્ટઅપ્સે પણ આ માર્કેટમાં પ્રવેશ કર્યો છે. અંદાજ છે કે, નાણાકીય વર્ષ 2021-22માં સેકન્ડ હેન્ડ કાર માર્કેટનું કદ 23 અબજ ડૉલરે પહોંચી ગયું હતું અને આગામી પાંચ વર્ષમાં આ માર્કેટ વાર્ષિક 19.5 ટકાના દરે વધવાની ધારણા છે.
ઓર્ગેનાઈઝ્ડ ડીલર્સ અત્યારે તો સેકન્ડ-હેન્ડ કાર માર્કેટમાં જે સોદા થાય છે, તે મોટા ભાગે અસંગઠિત ડીલર્સ મારફથે અથવા તો મિત્રો, સગા-સંબંધીઓ કે પછી કોઈ વિશ્વાસપત્ર વ્યક્તિ દ્વારા થાય છે. આ માર્કેટમાં સંગઠિત ડીલર્સનો હિસ્સો માત્ર 20 ટકા છે, પરંતુ આગામી પાંચ વર્ષમાં તે વધીને 45 ટકાએ પહોંચી જવાનો અંદાજ છે. ઓર્ગેનાઈઝ્ડ ડીલર્સ તરફથી કાર બાયર્સને વૉરન્ટી આપવામાં આવે છે, તો કાર સેલર્સને સારો ભાવ આપવામાં આવે છે, એટલે તેમનો બજારહિસ્સો વધવાની શક્યતા છે.
બધાને થઈ રહ્યો છે ફાયદો આજથી એક દાયકા પહેલાં યુઝ્ડ કાર માટે જે કિંમત મળતી હતી, તેની તુલનાએ અત્યારે સરેરાશ 40 ટકા વધુ કિંમત મળે છે. સેકન્ડ હેન્ડ કાર માર્કેટમાં સોદો થાય એટલે બાયર અને સેલર તો ખુશ થાય છે, પરંતુ સાથે સાથે વચેટિયાને પણ નફાનો સ્વાદ ચાખવા મળે છે, એટલે આ માર્કેટ હજુ ઘણું મોટું થવાની ભરપૂર શક્યતા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો