MONEY9: એક સમયે Rummy, Candy Crush અને Temple Run જેવી મોબાઈલ ગેમ્સ દબદબો હતો, પરંતુ હવે ઑનલાઈન ગેમ્સનું આકર્ષણ જામ્યું છે. ઑનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી સામે જુગાર રમાડવાના આરોપો તો ઘણા સમયથી થઈ રહ્યાં છે અને હવે ટેક્સ-ચોરીના આરોપોએ પણ આ ઉદ્યોગના માથે કલંક લગાડ્યું છે. ટેક્સ-ચોરીના આરોપોને પગલે ઘણા રાજ્યોએ તો, ગેમિંગ કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની માંગણી પણ કરી છે.
આ રાજ્યોએ કરી પ્રતિબંધની માંગ તામિલનાડુ સરકારે તો ઑનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવા માટે ઠરાવ પણ પસાર કરી દીધો છે અને જો રાજ્યપાલ મંજૂરીની મહોર મારશે તો પ્રતિબંધ લાગુ પણ થઈ જશે. તામિલનાડુ ઉપરાંત તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટકે પણ ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધની માંગણી કરી છે. ટેક્સ-ચોરીના આરોપો થયા પછી તો રાજ્યોની આ માંગણીએ વધુ જોર પકડ્યું છે. બેંગાલુરુની કંપની ગેમ્સક્રાફ્ટ ટેકનોલોજી પર 21 હજાર કરોડ રૂપિયાની ટેક્સ-ચોરીનો આરોપ છે અને GST ઈન્ટેલિજન્સ તરફથી કંપનીને નોટિસ પણ ફટકારવામાં આવી છે.
ગેમિંગ બિઝનેસ છેલ્લાં કેટલાક વર્ષોમાં ઑનલાઈન ગેમિંગ બિઝનેસમાં જબરજસ્ત તેજી જોવા મળી છે, કંપનીઓ અઢળક કમાણી કરી રહી છે. ગેમિંગ કંપનીઓની જાહેરાતો જોઈને ખ્યાલ લગાવી શકાય કે, તેઓ કેટલો બધો બિઝનેસ કરતી હશે. ગેમિંગ કંપનીઓનો ભરપૂર પૈસા રળી રહી છે, એટલે જ તો, આ કંપનીઓએ મોંઘેરા ફિલ્મસ્ટાર્સ અને ક્રિકેટર્સને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે.
ભારતીય ગેમિંગ ઈન્ડસ્ટ્રી સિકોઈયા અને બોસ્ટન કન્સલ્ટન્સી ગ્રૂપના એક રિપોર્ટ અનુસાર, ભારતીય ગેમિંગ ઈન્ડસ્ટ્રીની કુલ આવક 1.8 અબજ ડૉલર છે અને 2025 સુધીમાં તે વધીને 5 અબજ ડૉલર થવાની અપેક્ષા છે. અમેરિકા અને ચીનની તુલનાએ ભારતમાં આ ઉદ્યોગનો વૃદ્ધિદર ઘણો વધારે છે. ગેમિંગ ઈન્ડસ્ટ્રીએ વૃદ્ધિના મોરચે તો, ઓટીટી અને સોશિયલ મીડિયાને પણ પાછળ છોડી દીધા છે. ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં 2010માં માત્ર 25 કંપની હતી, જેની સંખ્યા 2020માં 275ને પાર થઈ ગઈ હતી. મહત્તમ લોકો સ્માર્ટફોન વાપરતા થયા હોવાથી અને ઈન્ટરનેટનો વ્યાપ વધવાથી ડિજિટલ ગેમિંગમાં મોબાઈલ ગેમિંગનું બજાર તેજીમય વધી રહ્યું છે. ડિજિટલ ગેમિંગના 86 ટકા હિસ્સા પર મોબાઈલ પર રમાતી ગેમ્સનો કબજો છે.
લાખો ડાઉનલોડ્સ ગૂગલ પ્લે સ્ટોર પર સૌથી વધુ ડાઉનલોડ થતી મોબાઈલ એપ્સમાં પણ મહત્તમ એપ્સ ઓનલાઈન ગેમિંગ કંપનીઓની છે. ભારતમાં PubG પર સરકારે પ્રતિબંધ મૂક્યો તેની પહેલાં આ ગેમ રમનારા લોકોની સંખ્યા લગભગ પાંચ કરોડ હતી. ગૂગલ પ્લે સ્ટોર પરથી લૂડો કિંગ અને MPL જેવી ગેમ્સ અને પ્લેટફોર્મને 10 કરોડથી પણ વધુ વખત ડાઉનલોડ કરવામાં આવ્યા છે. ઓનલાઈન ગેમિંગ રમાડતી કંપનીઓ સામે ઘણા સમયથી જુગાર રમાડવાના અને ગેમિંગની આદત લગાડવાના આરોપો થતા આવ્યા છે. ઘણી વખત તો કંપનીઓની જાહેરાતોને લઈને વિવાદ થયો છે અને ફરિયાદો પણ થઈ છે. હવે, ટેક્સ ચોરીના આરોપ થવાથી ગેમિંગ ઉદ્યોગનું સંપૂર્ણ બિઝનેસ મોડેલ જ શંકાના ઘેરામાં આવી ગયું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો