Money9: આજે, 1 જૂનના રોજ જાહેર થયેલા ડેટા દર્શાવે છે કે ભારતનો મે મહિનાનો S&P ગ્લોબલ પર્ચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) એપ્રિલના 57.2 થી વધીને મે મહિનામાં 31 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. મે મહિનામાં ભારતનો મેન્યુફેક્ચરિંગ PMI 58.7 ના સ્તરે રહ્યો છે. આ ડેટા દર્શાવે છે કે મે મહિનામાં પણ ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરની પ્રવૃતિઓમાં વિસ્તરણ યથાવત રહ્યું છે. આજે આવેલા આ આંકડાઓ એ પણ દર્શાવે છે કે ભારતનું ઉત્પાદન સતત 22મા મહિને 50થી ઉપર રહ્યું છે.
મહત્વનું છે કે મેન્યુફેક્ચરિંગ PMIનું 50થી ઉપરનું રીડિંગ મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિમાં વિસ્તરણ સૂચવે છે. જ્યારે 50ની નીચેનું રીડિંગ ઉત્પાદન પ્રવૃત્તિમાં સંકોચન દર્શાવે છે.
જાન્યુઆરી 2021 પછી ફેક્ટરી ઓર્ડર્સ સૌથી ઝડપી ગતિએ વધ્યા
S&P ગ્લોબલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મે મહિનામાં ભારતના મેન્યુફેક્ચરિંગ PMIએ પ્રોત્સાહક વૃદ્ધિ દર્શાવી હતી. આ મેન્યુફેક્ચરિંગ સેક્ટર સકારાત્મક ચિત્ર રજૂ કરે છે. જાન્યુઆરી 2021 બાદથી કારખાના ઓર્ડર સૌથી ઝડપી ગતિએ વધી રહ્યા છે. વેચાણમાં થયેલા વધારાએ ઉત્પાદન, રોજગાર અને ખરીદીની માત્રામાં મજબૂત વૃદ્ધિનો માર્ગ પણ મોકળો કર્યો છે. મે મહિનામાં સપ્લાય ચેઈનની સ્થિતિમાં વધુ સુધારો જોવા મળ્યો છે. આ સાથે કંપનીઓએ ઇનપુટ ઇન્વેન્ટરીમાં રેકોર્ડ સ્ટોરેજ કર્યો છે.
નવા ઓર્ડર વોલ્યુમમાં મજબૂત વૃદ્ધિ
S&P ગ્લોબલે કહ્યું છે કે મે મહિનામાં નવા ઓર્ડરના વોલ્યુમમાં મોટો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીઓની નિકાસમાં છેલ્લા 6 મહિનામાં સૌથી ઝડપી વિસ્તરણ નોંધાયું છે. વધતા નવા ઓર્ડર અને બજારની અનુકૂળ સ્થિતિ વચ્ચે ઉત્પાદકોએ ઉત્પાદન વધાર્યું છે. S&P ગ્લોબલે વધુમાં જણાવ્યું હતું કે મે મહિનામાં ઉત્પાદનમાં વૃદ્ધિનો દર 28 મહિનામાં સૌથી ઝડપી હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો