Money9: રવિ ખેતીની સીઝન પીક પર છે અને જે પાકોના બજાર ભાવ સરકારના ટેકાના ભાવથી ઉપર ચાલી રહ્યા છે, ખેડૂતો પણ તેના વાવેતરને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. આ જ કારણ છે કે અત્યાર સુધી થયેલું રવિ વાવેતર ગયા વર્ષની સરખામણીમાં 7 ટકા જેટલું વધારે છે. એટલું જ નહીં ઘઉં અને સરસવના વાવેતરમાં જોરદાર તેજી જોવા મળી છે.
ઘઉંનું વાવેતર વધ્યું
કૃષિ મંત્રાલયના આંકડાઓ પર નજર કરીએ તો 18 નવેમ્બર સુધી દેશભરમાં ઘઉં અને સરસવના વાવેતર વિસ્તારમાં લગભગ 15 ટકા જેટલો ઉછાળો આવ્યો છે.. રવિ ડાંગર, મકાઈ અને જવનું વાવેતર પણ ગયા વર્ષની સરખામણીએ વધ્યું છે. જોકે કઠોળના વાવેતરમાં થોડો ઘટાડો જરૂર થયો છે. પરંતુ ઘઉં અને સરસવના કારણે કુલ રવિ વાવેતર ગયા વર્ષની સરખામણીએ ઘણું વધારે છે. મોટાભાગે એવા પાકોનું વાવેતર વધ્યું છે જેની બજાર કિંમત સરકાર દ્વારા નિર્ધારિત ટેકાના ભાવ કરતા વધારે છે.
ઘઉંને જ જોઇ લો… માર્કેટ યાર્ડમાં ખેતપેદાશના ભાવ 2500 રૂપિયાની ઉપર ચાલી રહ્યા છે જ્યારે ટેકાના ભાવ રૂપિયા 2125 છે. માર્કેટ યાર્ડમાં સરસવનો ભાવ પણ 6000 રૂપિયા છે. જ્યારે ટેકાનો ભાવ રૂપિયા 5450 છે… ચણાની ખેતી થોડીક પાછળ રહી ગઇ છે. અને તેનો બજાર ભાવ પણ સરકારે નક્કી કરેલી MSP કરતા ઓછો છે.
ઘઉં-ચોખાની કિંમતોમાં વધારો
છેલ્લી ખરીફ અને રવિ સીઝનમાં દેશમાં ચોખા અને ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે જેના કારણે સરકારી ગોડાઉનોમાં અનાજનો સ્ટોક પણ ઘણા વર્ષોની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે અને તેના કારણે પણ ઘઉં અને ચોખાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. જે ખેડૂતોને તેની ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે. 1લી નવેમ્બર સુધી સેન્ટ્રલ પૂલમાં ઘઉં અને ચોખાનો સ્ટોક 376 લાખ ટન નોંધાયો છે. જે 6 વર્ષમાં નવેમ્બરની શરૂઆતનો સૌથી ઓછો સ્ટોક છે. અને તેમાં પણ ઘઉંનો સ્ટોક 14 વર્ષના સૌથી નીચલા સ્તરે છે.
આ વર્ષે રવિ વાવેતર વધારવામાં હવામાનનો પણ સાથ મળ્યો છે. ચોમાસાની સીઝનમાં દેશમાં સામાન્ય કરતાં 6 ટકા વધુ વરસાદ થયો છે, જેના કારણે જમીનમાં ખેતી કરવાલાયક ભેજ પૂરતા પ્રમાણમાં છે અને ચોમાસાની સીઝન પસાર થઇ ગયા બાદ અત્યાર સુધી સામાન્ય કરતાં 29 ટકા વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે નદી-તળાવો પાણીથી ભરેલા છે. અને આ અનુકૂળ હવામાનને કારણે રવિ વાવેતર વધી રહ્યું છે. જો હવામાન આગામી દિવસોમાં પણ સાનુકૂળ રહેશે તો આ વખતે રવિ ખેતીનો નવો રેકોર્ડ બની શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો