ભારત બનશે 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી
નાણામંત્રી નિર્મલા સીતારમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં ભારત 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને 2047 સુધીમાં ભારત 30 ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે વિકસિત અર્થતંત્ર બની જશે. હાલમાં ભારતની અર્થવ્યવસ્થા 3.4 ટ્રિલિયન ડોલરની છે અને અમેરિકા, ચીન, જાપાન અને જર્મની પછી પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
2024માં પણ જશે નોકરીઓ
બે વર્ષ પહેલાં ઝડપી થયેલી વૈશ્વિક છટણીની રફતાર 2024માં પણ ધીમી થવાના કોઈ સંકેતો દેખાતાં નથી. અત્યારે પણ દુનિયાભરની કંપનીઓ મોટા પાયે તેમના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી છે. હવે આ યાદીમાં એક નામ ઉમેરાવા જઈ રહ્યું છે. વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક એવા જેફ બેઝોસની કંપની Amazonએ થોડા સમય પહેલા લાઈવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ચલાવતી ફર્મ ટ્વિચને હસ્તગત કરી હતી. હવે એવા અહેવાલો છે કે ટ્વિચમાં મોટાપાયે છટણી થવાની છે. બ્લૂમબર્ગના અહેવાલમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ટ્વિચ તેના લગભગ 35 ટકા કર્મચારીઓને છૂટા કરી શકે છે. જો કે કંપની દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.
માત્ર 1799માં હવાઇ મુસાફરી
હવાઇ મુસાફરો માટે સારા સમાચાર છે કારણ કે એર ઇન્ડિયા એક્સપ્રેસે સ્પેશ્યલ પ્રમોશનલ કેમ્પેઇન લોન્ચ કર્યું છે. આ અભિયાનનું નામ ‘ટાઈમ ટુ ટ્રાવેલ’ છે. તેના દ્વારા માત્ર 1799 રૂપિયામાં દેશના ઘણા ભાગોમાં ટ્રાવેલ કરવાની તક મળી રહી છે. એરલાઇન્સની આ ઓફર 11 જાન્યુઆરી 2024 થી 11 જાન્યુઆરી 2025 સુધી એટલે કે એક વર્ષ માટે માન્ય રહેશે. આમાં મુસાફરોને માત્ર 1799 રૂપિયામાં બેંગલુરુ-ચેન્નઈ, દિલ્હી-જયપુર, બેંગલુરુ-કોચી, દિલ્હી-ગ્વાલિયર અને કોલકાતા-બાગડોગરા માટે સસ્તામાં મુસાફરી કરવાની તક મળી રહી છે.
ઇવીના વેચાણમાં 50 ટકાનો વધારો
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે. 2023માં 15.30 લાખ ઈવીનું વેચાણ થયું હતું, જે 2022 કરતાં 49.25 ટકા વધુ છે. 2022માં 10.25 લાખ ઈવીનું વેચાણ થયું હતું, પરંતુ આ સમયગાળા દરમિયાન ઈલેક્ટ્રિક કારનું વેચાણ 115 ટકા વધીને 82,000ની ઉપર થઈ ગયું હતું. ઓટો ડીલર્સ ઓર્ગેનાઈઝેશન FADAના જણાવ્યા અનુસાર, 2023માં 82,105 ઈલેક્ટ્રિક કાર વેચાઈ હતી. આ 2022 માં વેચાયેલી 38,240 ઈ-કારની સરખામણીએ બમણાથી વધુ એટલે કે 114.71 ટકા છે. ગયા મહિને, દેશમાં કુલ કાર વેચાણમાં ઇલેક્ટ્રિક કારનો હિસ્સો વધીને 2.5 ટકા થયો, જે ડિસેમ્બર 2022માં 1.3 ટકા હતો.
6000 કિ.મી. ઇ-હાઇવે બનશે
પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા માટે સરકાર ગોલ્ડન ક્વાડ્રિલેટરલ પર 6000 કિમી લાંબો ઇલેક્ટ્રિક વ્હીકલ-રેડી હાઇવે બનાવવાની યોજના બનાવી રહી છે. ઇન્ટરસિટી પબ્લિક ટ્રાન્સપોર્ટના ઇલેક્ટ્રિફિકેશનથી વાહન ઉત્સર્જન ઘટાડવામાં પણ મદદ મળશે. ઈ-મોબિલિટીને અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા અને દેશભરમાં ઈ-બસના સંચાલનમાં વધારો કરવા આગામી સાત વર્ષમાં 6000 કિલોમીટર લાંબા ઈ-હાઈવે વિકસાવવામાં આવશે. આ હાઈવે ગ્રીન એનર્જીવાળા ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સંચાલિત હશે. નવા ઈ-હાઈવેથી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ મળશે. આનાથી વધુ લોકોને તેમના ડેઇલી ટ્રાન્સપોર્ટ માટે ઈલેક્ટ્રિક કાર ખરીદવા માટે પ્રોત્સાહિત થશે.
ડુંગળીનું ઉત્પાદન ઘટશે
આ વર્ષે રવિ ડુંગળીના વાવેતરમાં 10 થી 15 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં ડુંગળીના કુલ ઉત્પાદનમાં રવિ પાકનો હિસ્સો 70 ટકા છે. રવિ ડુંગળીની શેલ્ફ લાઇફ લગભગ 5 થી 7 મહિના હોય છે. માર્ચથી સપ્ટેમ્બર સુધી બજારમાં રવિ ડુંગળીનું વેચાણ થાય છે. તેથી રવિ ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો થવાના સમાચાર સરકાર માટે ચિંતામાં વધારો કરી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે મોટા ડુંગળી ઉત્પાદક રાજ્યોમાં ઉત્પાદન 20 ટકા ઘટવાથી માર્ચ-એપ્રિલમાં ફૂડ ઇન્ફ્લેશન ફરી એકવાર ઉચ્ચ સ્તરે પહોંચી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો