MONEY9: ભારતી એરટેલની પ્રમોટર ભારતી ટેલીકોમ, સિંગાપુરની કંપની સિંગટેલનો 3.33 ટકા હિસ્સો 12 હજાર 895 કરોડ રૂપિયામાં ખરીદશે. ભારતી ટેલીકોમે 25 ઓગસ્ટના રોજ એક નિવેદનમા જણાવ્યું કે આ અધિગ્રહણ 90 દિવસમાં પૂર્ણ થશે. ભારતી એરટેલે રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે આ સોદાથી એરટેલમાં સિંગટેલનો 10 ટકા અને ભારતીનો હિસ્સો 6 ટકા થશે.
અદાણી ગ્રુપે ડીબી પાવર લિમિટેડને ખરીદવાની જાહેરાત કરતાં અદાણી પાવરનો શેર 22 ઓગસ્ટે ઓલ ટાઇમ હાઇ પર પહોચીં ગયો. અદાણી ગ્રુપે ડીબી પાવરને 7 હજાર 17 કરોડ રૂપિયામાં ખરીદવાની જાહેરાત કરી છે. મહત્વનુ છે કે 19 ઓગસ્ટના રોજ અદાણી ગ્રુપની અદાણી પાવર લિમિટેડે દૈનિક ભાસ્કર ગ્રુપની ડીબી પાવર લિમિટેડની થર્મલ પાવર એસેટ્સ ખરીદવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને પગલે અદાણી પાવર 3.83 ટકાની તેજી સાથે 429.65 રૂપિયાની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો હતો.
આ સપ્તાહે રિલાયન્સ કેપિટલના 3400 કરોડ રૂપિયાના બોન્ડ ધરાવતી એલઆઇસીએ ફરીએકવાર તેના હોલ્ડિંગને વેચવાના પ્રયત્નો કર્યા હતા. રિલાયન્સ કેપિટલ અત્યારે નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઇ રહી છે. આ પ્રક્રિયા માટે એલઆઇસીના એડવાઇઝર આઇડીબીઆઇ કેપિટલ માર્કેટે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની એઆરસીને 5 સપ્ટેમ્બર સુધી બીડ ભરવા કહ્યું છે. રિલાયન્સ કેપિટલનું ડેટ વેચવાનો એલઆઇસીનો આ ત્રીજો પ્રયત્ન છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સેબી વિરુદ્ધ કોર્ટનો અનાદર કરવાની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. આરઆઇએલે આ અરજી બે દાયકા જુના એક શેર ફાળવણીના કેસના અનુસંધાને દાખલ કરી છે. જેમાં કોર્ટે સેબીને કેટલાક દસ્તાવેજો રિલાયન્સને સોંપવા હુકમ કર્યો હતો પરંતુ સેબીએ દસ્તાવેજ ન સોંપીને, જાણી જોઇને કોર્ટના હુકમનો અનાદર કર્યો હોવાનું રિલાયન્સનું કહેવું છે. રિલાયન્સે 22 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને અરજી આપીને ચીફ જસ્ટીસ એન.વી.રમન્ના સમક્ષ આ કેસની અરજન્ટ સુનાવણી હાથ ધરવા વિનંતી કરી હતું. મહત્વનું છે કે 5 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે રિલાયન્સની તરફેણમાં ચુકાદો આપતાં સેબીને તમામ દસ્તાવેજો આરઆઇએલને સોંપવા કહ્યું હતુ. સેબી આ કેસમા એટર્ની જનરલનો અભિપ્રાય લઇને સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પીટીશન ફાઇલ કરી શકે છે.
આ સપ્તાહે આ લો કોસ્ટ એરલાઇન્સ માટે સારા અને ખરાબ એમ બે જાતના સમાચાર છે. ગુડ ન્યૂઝ એ છે કે સ્પાઇસ જેટના સૌથી મોટા શેર હોલ્ડર અને કંપનીના ચેરમેન અજય સિંહએ કહ્યું છે કે સ્પાઇસ જેટ સ્ટેક સેલ સહિત જુદાજુદા સાધનો દ્વારા 2000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત, સ્પાઇસ જેટે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ હેઠળ 280 કરોડ રૂપિયાની લોન મેળવવા માટે પણ અરજી કરી છે. હવે ખરાબ સમાચાર પણ જાણી લઇએ..તો DGCAએ સ્પાઇસ જેટના એક પાઇલોટને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યો છે. મે મહિનામાં સ્પાઇસજેટની મુંબઇથી દુર્ગાપુરની ફ્લાઇટમાં હંગામાના પગલે કેટલાક મુસાફરોને ઇજાઓ થઇ હતી. જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
જનરલ મોટર્સના ભારતના તાલેગાંવ ખાતેના પ્લાન્ટને ખરીદવામાં અનેક કંપનીઓ રસ ધરાવી રહી છે. તેમાં હવે મોટર ઇન્ડિયાનો ઉમેરો થયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાની એક ટીમે GMના પ્લાન્ટની મુલાકાત લઇને ડીલની શક્યતાઓ ચકાસી હતી. જો કે GM અને હ્યુન્ડાઇએ આવી કોઇ પ્રગતિ થઇ હોવાની વાતને સમર્થન આપ્યું નથી. મહત્વનું છે કે જાન્યુઆરી 2022માં GM એ તેના તાલેગાંવ પ્લાન્ટને બંધ કરવાની જાહેરાત કરી હતી.
અમદાવાદની ટોરેન્ટ ફાર્માસ્યૂટિકલ ચેન્નઇની સ્કીનકેર પ્રોડક્ટ બનાવતી કંપની ક્યૂરેશિયો હેલ્થકેરને હસ્તગત કરશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ડીલ 2100 કરોડ રૂપિયામાં થશે. ક્યૂરેશિયો કંપનીના પ્રમોટર્સ જી.કે. રામાણી અને મેનેજમેન્ટ પણ આ કંપનીમાંથી વિદાય લેશે. રિપોર્ટ અનુસાર ટોરેન્ટ સિવાય ઓરોબિન્દો, ડો.રેડ્ડીઝ, જેબી કેમિકલ્સ, બાયોકોન અને ઝાયડસ જેવી અન્ય કેટલીક ફાર્મા સ્યૂટિકલ્સ કંપનીઓ પણ ક્યૂરેશિયોને ખરીદવાની રેસમાં હતી.
પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્મા બીજા 5 વર્ષ માટે કંપનીના એમડી અને સીઇઓ તરીકે કાર્યરત રહેશે. ચાલુ સપ્તાહે મળેલી કંપનીની પ્રથમ એજીએમમાં પેટીએમના શેર હોલ્ડર્સે શર્માની નિમણૂકને મંજૂરી આપી હતી. શર્માની તરફેણમાં 94 ટકા મત પડ્યા હતા. આ ઉપરાંત, શેરહોલ્ડર્સે મધૂર દેવરાને પ્રેસિડેન્ટ અને ગ્રુફ સીએફઓ તરીકે નિમણૂકની તરફેણમાં પ્રસ્તાવ પાસ કર્યો હતો.
અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઘટવાનું નામ જ નથી લઇ રહી. આવકવેરા વિભાગે અનિલ અંબાણીને નોટિસ મોકલી છે. આ નોટિસ બ્લેક મની લો હેઠળ કથિત રીતે 420 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીના મામલે મોકલવામાં આવી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના જણાવ્યા અનુસાર આ ટેક્સ સ્વિટ્ઝરલેન્ડના બે બેંક ખાતામાં રાખવામાં આવેલા 814 કરોડ રૂપિયાથી વધુની બિનહિસાબી રકમ સાથે જોડાયેલો છે. આવકવેરા વિભાગનો આરોપ છે કે અનિલ અંબાણીએ જાણીજોઇને ટેક્સ નથી ચૂકવ્યો. આરોપ અનુસાર અંબાણીએ બેંક ખાતા અને નાણાકીય હિતોની વિગતો અધિકારીઓથી છુપાવી છે. વિભાગે આરોપો પર અનિલ અંબાણીનો 31 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવા માંગ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો