MONEY9: બેન્કો પાસેથી લોન લેવાની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. લોન લેવા માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. લોન મોંઘી થવા છતાં લોકોએ દોટ મૂકી છે. મે મહિનાથી અત્યાર સુધીમાં રિઝર્વ બેન્કે ચાવીરૂપ વ્યાજના દર 1.40 ટકા વધારી દીધા છે અને તેની અસર-તળે, તમામ બેન્કોએ ઈન્ટરેસ્ટ રેટ વધારીને વિવિધ પ્રકારની લોન મોંઘી કરી દીધી છે. હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન સહિતની રિટેલ લોન મોંઘી થઈ ગઈ છે. અરે…! ઉદ્યોગો અને સરકારને મળતી લોન પણ મોંઘી થઈ ગઈ છે.
લોન માર્કેટમાં તેજી લોન મોંઘી હોવા છતાં આ માર્કેટમાં તો તેજીનું તોફાન છે અને ઘણા મહિનાથી બેન્કોનો ક્રેડિટ ગ્રોથ બે આંકડામાં નોંધાઈ રહ્યો છે. 9 સપ્ટેમ્બર 2022 સુધીના સતત 3 પખવાડિયામાં ક્રેડિટ ગ્રોથ 15 ટકા નોંધાયો છે જ્યારે 9 સપ્ટેમ્બરે પૂરા થયેલા પખવાડિયામાં તો ક્રેડિટમાં 16 ટકાના દરે વૃદ્ધિ થઈ છે. લોનની માંગ વધવાનું એક કારણ ગયા વર્ષની નીચી બેઝ ઈફેક્ટ પણ છે. ગયા વર્ષે કોરોનાની અસર હતી, એટલે લોનની માંગમાં ખાસ વૃદ્ધિ થઈ નહોતી, પરંતુ ચાલુ વર્ષે કોરોના કોરાણે મૂકાઈ ગયો છે અને અર્થતંત્ર રિકવરીના રસ્તે આગળ વધી રહ્યું છે. આ રિકવરીને કારણે લોનની માંગ વધી છે.
સર્વિસ સેક્ટરમાં મહત્તમ માંગ જે સેક્ટર્સ પર કોરોનાની મહત્તમ અસર પડી હતી, તેવા સેક્ટર્સમાંથી જ લોનની મેક્સિમમ ડિમાન્ડ છે. જેમ કે, જુલાઈના અંત સુધીમાં સર્વિસ સેક્ટરમાં લોનની માંગ 16 ટકા પ્લસ રહી હતી જ્યારે પર્સનલ લોન માટે પણ 18 ટકા પ્લસ ગ્રોથ નોંધાયો હતો. સમગ્ર ચિત્ર જોઈએ તો, નાના અને મધ્યમ કદનાં ઉદ્યોગોમાં લોનની વધુ માંગ છે જ્યારે મોટા ઉદ્યોગોમાં લોનની ડિમાન્ડ એટલી બધી નથી. અરે…! મોટા ઉદ્યોગોનાં કેટલાક સેક્ટરમાં તો લોનની માંગ વધવાની જગ્યાએ ઘટી રહી છે.
આ સેક્ટરમાં લોનની માંગ ઘટી જેમ કે, પોર્ટ સેક્ટરમાં જુલાઈના અંત સુધીમાં લોનની માંગ લગભગ 30 ટકા ઓછી રહી છે. પેટ્રો-કેમિકલ ઉદ્યોગમાં 12 ટકા ઘટાડો થયો છે, રેલવેમાં 10 ટકા જ્યારે કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં લોનની માંગ 3 ટકા ઘટી છે. શુગર સેક્ટરમાં પણ લોનની ઓછી માંગ નોંધાઈ છે. આમ, લોનની માંગનું બેલેન્સ બરાબર નથી. અમુક સેક્ટરમાં માંગ વધી રહી છે, તો અમુક સેક્ટરમાં માંગ ઘટી રહી છે. જોકે, ઓવરઓલ પિક્ચર જોઈએ તો, લોનની માંગ ગયા વર્ષ કરતાં વધુ છે. લોકો વધુ વ્યાજ ચૂકવવા પણ તૈયાર છે અને મોંઘી લોન લેતાં પણ અચકાતા નથી.
તહેવારોમાં લોનની માંગ વધશે ફેસ્ટિવ સીઝન ચાલુ થઈ ગઈ છે, એટલે લોનની માંગમાં હજુ પણ તીવ્ર વધારો થવાની શક્યતા છે. પરિસ્થિતિ જે રીતે વળાંક લઈ રહી છે તેને જોતાં રિઝર્વ બેન્ક સામે પડકાર ઊભો થયો છે. ફુગાવાને અંકુશમાં રાખવા માટે RBI વ્યાજના દરમાં સતત વધારો કરી રહી છે, જેથી લોકો ખર્ચ કરવાનું ઘટાડે, પરંતુ લોકો તો, મોંઘીદાટ લોન લઈને પણ ખર્ચ કરી રહ્યાં છે. લોન આપી-આપીને બેન્કોની લિક્વિડિટી પણ ઘટી ગઈ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, નીતિ-ઘડવૈયાઓએ સપ્ટેમ્બરના અંતે મળી રહેલી પૉલિસી મીટિંગમાં યોગ્ય નિર્ણય લેવાનો રહેશે અને આ નિર્ણય પર સૌની નજર છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો