સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે… બે દિવસ પહેલા સોમવારે જ સોનું 69487ની રેકોર્ડ સપાટીએ પહોંચ્યું હતું… આજે ફરી સોનાએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે… સોનું પ્રતિ 10 ગ્રામ 70 હજારને પાર કરી ગયું છે. એમસીએક્સ પર સોનું 70379 રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ સપાટીએ પહોંચ્યું છે.. આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો, કોમેક્સ પર સોનું 2308.80 ડોલરની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયું છે… નિષ્ણાતોના મતે, સોનામાં આ ઉછાળાનું એક કારણ ભારતમાં સોનાની આયાતમાં ઘટાડો છે… બીજું, આંતરરાષ્ટ્રીય સ્તરે મંદીની શક્યતા દેખાઇ રહી છે… તેના કારણે સોનાના ભાવને ટેકો મળી રહ્યો છે… પરંતુ જે રીતે સોનું મોંઘુ થઈ રહ્યું છે, ભવિષ્યમાં તેની માંગ ઘટી શકે છે.
સરકારે હેલ્થ અને એનર્જી ડ્રિંકના નામે વેચાતા જ્યુસ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. સરકારે ઈ-કોમર્સ વેબસાઈટને કડક સૂચના આપી છે કે તેઓ હેલ્થ અને એનર્જી ડ્રિંક્સના નામે તમામ પ્રકારના જ્યુસનું વેચાણ ન કરે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે FSSAI એ તમામ ઈ-કોમર્સ કંપનીઓને કહ્યું કે તેઓ તેમની વેબસાઈટ પર વેચાતી ફૂડ પ્રોડક્ટ્સનું યોગ્ય રીતે સેગમેન્ટ કરે. FSSAIએ કહ્યું છે કે પ્રોડક્ટના યોગ્ય સેગમેન્ટમાં ન હોવાને કારણે ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની પતંજલિની ભ્રામક જાહેરાતો પર કડકાઇ દાખવી હતી, ત્યાર બાદ પતંજલિએ માફી માંગવી પડી હતી. કોર્ટે આ મામલે આયુષ મંત્રાલય પાસે જવાબ પણ માંગ્યો છે.
તમે હવે નાણાકીય વર્ષ 2023-24 અને એસેસમેન્ટ યર 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકો છો. આવકવેરા વિભાગે 1 એપ્રિલ, 2024 થી ITR ફાઇલ કરવા માટે ITR-1, ITR-2, ITR-4 ફોર્મ્સ ઇનેબલ કરી દીધા છે…એસેસમેન્ટ યર 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે. કરદાતાઓ ઈન્કમ ટેક્સની ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર જઈને ઈન્કમ ટેક્સ રિટર્ન ઓનલાઈન ફાઈલ કરી શકશે.
USSD કોડ દ્વારા કોલ ફોરવર્ડ બંધ થશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે દેશની તમામ ટેલિકોમ કંપનીઓને USSD કોડ દ્વારા કોલ ફોરવર્ડ કરવાની સુવિધા બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઓનલાઈન અને ફેક કોલ દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. આ ઓર્ડર પછી મોબાઈલ ફોનમાં *401# ડાયલ કરીને કોલ ફોરવર્ડ કરવાની સુવિધા 15 એપ્રિલથી સમાપ્ત થઈ જશે. USSD એટલે કે અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેન્ટરી સર્વિસ ડેટા-એક ટૂંકો કોડ છે. આ ફીચરની મદદથી કોડ ડાયલ કરીને નંબર પર સર્વિસને એક્ટિવેટ અને ડિએક્ટિવેટ કરવામાં આવે છે. સામાન્ય રીતે, મોબાઇલ યુઝર્સ ફોન બેલેન્સ તપાસવા, કોલર ટ્યુન સેટ કરવા, UPI ચલાવવા અને IMEI નંબર જાણવા માટે તેને ડાયલ કરે છે.
આણંદમાં આવેલી અમૂલ ડેરીએ સ્થાપના બાદથી ઐતિહાસિક છલાંગ લગાવી છે. અમૂલનું ટર્નઓવર રૂપિયા ૧૨,૮૮૦ કરોડને પાર થયું છે. અમૂલ ડેરીના ઈતિહાસમાં નાણાકીય વર્ષ 2023-24 દરમ્યાન પ્રથમ વાર અમૂલનું ટર્નઓવર ૧૨,૮૮૦ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે. જે પાછલા વર્ષની સરખામણીમાં અંદાજિત ૯ ટકાનો વધારો બતાવે છે. અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે માહિતી આપી કે, પશુપાલકોને ચાલુ વર્ષે ૧૦૦૦ રૂપિયાથી વધુ જેટલો પોષણક્ષમ દૂધનો ભાવ આપવામાં આવ્યો છે. જે ગત વર્ષની સરખામણીમાં ૧૧ ટકાનો વધારો દર્શાવે છે. અમૂલે ૧૭૩ કરોડ કિલોથી વધુ દૂધનું વાર્ષિક સંપાદન કર્યું, જે પાછલા વર્ષની સરખામણીમાં ૧૫ ટકાનો વધારો દર્શાવે છે.
ઊંઝા માર્કેટયાર્ડ માર્ચ એન્ડીંગને લઈ એક સપ્તાહ બંધ રહ્યુ હતું. ત્યારબાદ પુનઃશરૂ થતા મસાલા સહિતની જણશી જીરું, વરિયાળી, ઇસબગુલ અને અજમાની આવકો શરૂ થઇ ગઇ છે. અઠવાડિયા બાદ મંગળવારે પ્રથમ દિવસે 40 હજાર બોરી જીરાની આવક નોંધાઈ હતી. તેમજ વરિયાળીની 26 હજાર ગુણીની આવક અને ઈસબગુલની 12 હજાર બોરીની આવક નોંધાઇ હતી. આ અંગે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે માર્ચ એન્ડીગને લઈ એક સપ્તાહ માટે ઊંઝા ગંજબજાર બંધ હતું. આજથી ચાલુ થતાં સારી આવકો થઈ છે. જીરુમાં ૩૫ થી ૪૦ હજાર બોરની આવક થઈ છે. એવરેજ ભાવ રૂ ૪૫૦૦ આસપાસ જૉવા મળ્યા છે. ઈસબગુલની ૧૦ હજાર બોરીની આવક થઈ છે જેનો ભાવ ૨૮૫૦ થી ૩૦૦૦ રૂપિયા છે.
સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે. સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે વિતેલું વર્ષ અત્યંત ફળદાયી પુરવાર થયું છે. 31મી માર્ચે પૂરા થયેલા 2023-2024ના નાણાંકીય વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટીની આવક 1889 કરોડ રૂપિયા થઇ છે. સુરતમાં સ્ટેમ્પ ડ્યૂટીની આટલી આવક અગાઉ ક્યારેય કોઇ વર્ષમાં નોંધાઇ નથી. સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના જાણકારોનું કહેવું છે કે સુરતને હજુ સુધી મેટ્રો સિટીનો દરજ્જો ભલે મળ્યો ન હોય પરંતુ જમીન મિલકતોના સોદાની વાત આવે છે ત્યારે સુરત મુંબઇની નજીક પહોંચી રહ્યું હોવાની અનુભૂતિ થઇ રહી છે. હિસાબી વર્ષ 2023-2024 પર નજર કરીએ તો આખા વર્ષ દરમિયાન કુલ 2,67,586 સોદા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં થયા હતા. જેમાં રજિસ્ટ્રેશન ફી પેટે મિલક્ત ખરીદનારાઓએ કુલ 334 કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં જમા કરાવ્યા છે.
શું તમે કે તમારા કોઇ પરિચિતે ધોરણ 12 ની એકઝામ આપી છે? રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવાનો છે? જો હા, તો શું તમે તમારું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી લીધું છે? જો ના કરાવ્યું હોય તો કરાવી લેજો કારણકે ચાલુ વર્ષે સરકાર દ્વારા કોમન એક્ટ લાગુ કરવામાં આવ્યા પછી તમામ યુનિવર્સિટીઓ પ્રવેશ માટે કોમન રજીસ્ટ્રેશન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે એટલે કે કોઈ પણ યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજમાં પ્રવેશ લેવો હોય તો પણ તમારે ઓનલાઇન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રાજ્યની 14 સરકારી યૂનિવર્સિટીઓમાં પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 13,473 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ સાથે કુલ 471 હેલ્પ સેન્ટરોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. અમદાવાદની 71 કોલેજોમાં હેલ્પ સેન્ટર શરૂ કરાયા છે.
જો તમારી આવક દોઢ લાખ રૂપિયાથી ઓછી હોય તો જ આરટીઇમાં એડમિશન લેજો..નહીંતર તમારુ એડમિશન રદ થશે. તાજેતરમાં રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે RTE અંતર્ગત ખોટા ડોક્યુમેન્ટના આધારે પ્રવેશ લેનારા 170 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. વાલીઓએ આવકના ખોટા દાખલા ઉભા કરીને પ્રવેશ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. વાલીઓની આવક રૂ. 1.50 લાખ કરતા વધુ હોવા છતાં ઓછી આવક હોવાનું દર્શાવી RTEમાં પ્રવેશ લીધા હતા. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ આ તમામ પ્રવેશ રદ કર્યા છે. જેમાં થલતેજની ઉદગમ સ્કૂલના 106 વિદ્યાર્થીના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. જ્યારે ઝેબર સ્કૂલના 10 વિદ્યાર્થી, એશિયન ગ્લોબલ સ્કૂલના 46, આનંદ નિકેતનના 6, એચ3 વર્લ્ડના 1 અને એપોલોના 1 વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરવામાં આવ્યો છે. જોકે, વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે જ્યાં સુધી શૈક્ષણિક વર્ષ ચાલુ છે ત્યાં સુધી તેમને સ્કૂલમાં જ ભણવા દેવાશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો