Money9 Gujarati:
અમદાવાદની અગ્રણી રિયલ એસ્ટેટ કંપની ગણેશ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ (GHCL)એ તેની પેટાકંપની Gatil Propertiesનો 31 ટકા હિસ્સો ખરીદી લીધો છે. આ હિસ્સો ખરીદવા માટે ગણેશ હાઉસિંગે અમેરિકાના ફંડ મોનસૂન કેપિટલને રૂ.321 કરોડ ચૂકવ્યા છે. આ હિસ્સો ખરીદવાથી Gatil Propertiesની સંપૂર્ણ 100 ટકા માલિકી હવે ગણેશ હાઉસિંગ પાસે આવી ગઈ છે. અમેરિકાના મોનસૂન કેપિટલે 2009થી 2012ની વચ્ચેના સમયગાળા દરમિયાન Gatil Propertiesમાં ઈક્વિટી કેપિટલ પેટે રૂ.110 કરોડનું રોકાણ કર્યું હતું, જેની સામે તેને 3 ગણું વળતર મળ્યું છે. અમદાવાદમાં ગોધાવી ખાતે ટાઉનશિપ પ્રોજેક્ટ સ્થાપવા માટે જમીનની ખરીદી કરવા અને ડેવલપમેન્ટ કરવા માટે આ રોકાણ થયું હતું. ગણેશ હાઉસિંગ Gatil Properties દ્વારા આ પ્રોજેક્ટમાં 4,000 વિલા બનાવવા માંગે છે. 450 એકરમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં લૉન્ચ થશે અને 2029 સુધીમાં પૂર્ણ થઈ જવાની અપેક્ષા છે. પ્રોજેક્ટ પૂરો થઈ જવાથી ગણેશ હાઉસિંગને આવતા પાંચથી છ વર્ષમાં રૂ.5,000 કરોડથી પણ વધુનો નફો અને કેશ ફ્લો થવાનો અંદાજ છે. ગણેશ હાઉસિંગ અત્યારે અમદાવાદમાં મિલિયન માઈન્ડ્સ ટેક સિટી નામનો ઈન્ફર્મેશન ટેકનોલોજી સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (IT SEZ) બનાવી રહી છે. આ પ્રોજેક્ટમાં પણ હજારો કરોડનું રોકાણ સામેલ છે અને ગોધાવી ખાતેનો વિલા પ્રોજેક્ટ પણ જંગી રોકાણ ધરાવતો પ્રોજેક્ટ છે. ગણેશ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગણેશ હાઉસિંગે બોમ્બે સ્ટોક એક્સચેન્જને પાઠવેલા નિવેદનમાં જણાવ્યું છે કે, કંપનીએ તેની સબસિડિયરી Gatil Propertiesમાં અમેરિકાની મોનસૂન કેપિટલનો માઈનોરિટી સ્ટેક ખરીદવાનો સોદો પૂરો કર્યો છે. ગણેશ હાઉસિંગનો શેર 15 મે, સોમવારના રોજ 0.61 ટકા વધીને રૂ.357એ બંધ રહ્યો હતો. છેલ્લાં 1 વર્ષમાં તેના શેરમાં 33 ટકા વળતર મળ્યું છે. કંપનીએ નાણાકીય વર્ષ 2022-23 માટે શેર દીઠ રૂ.2.40 ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો