Money9 Gujarati:
દેશની ત્રીજા ક્રમની કાર ઉત્પાદક ટાટા મોટર્સે ગયા વર્ષે રૂ.726 કરોડ ચૂકવીને ફોર્ડ ઈન્ડિયાનો ગુજરાતનો વ્હિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખરીદ્યો હતો, જેના કારણે કંપનીને રૂ.5,000 કરોડની બચત થઈ છે. આ પ્લાન્ટના જોરે ઉત્પાદન ક્ષમતા એક જ જાટકે 70 ટકા વધારીને 10 લાખ યુનિટની ઉપર લઈ જવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. અગાઉ ટાટા મોટર્સની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 60,000 યુનિટની હતી. ટાટા મોટર્સ પણ અમદાવાદની નજીક સાણંદમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવે છે અને ફોર્ડ મોટર્સનો પ્લાન્ટ પણ તેની બાજુમાં આવેલો છે.
કેવી રીતે થયો ફાયદો
ટાટા મોટર્સના અધિકારીના જણાવ્યા અનુસાર, કંપની હવે નવી પ્રોડક્ટ્સનું સર્જન કરવા માટે આક્રમક રીતે આગળ વધી શકે છે અને જંગી માત્રામાં ઉત્પાદન પણ શરૂ કરી શકે છે. ફોર્ડના પ્લાન્ટમાં શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, ત્યાં વિસ્તરણ થઈ શકે તેવી જગ્યા છે અને આ પ્લાન્ટ સ્માર્ટ રીતે બનાવવામાં આવ્યો છે. આટલા પ્લસ પોઈન્ટની સાથે સાથે સૌથી મહત્ત્વની બાબત એ છે કે તે ટાટાના પ્લાન્ટની બાજુમાં આવેલો છે. ફોર્ડના પ્લાન્ટમાં જે પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે અને જેટલી કેપેસિટી છે તે ડેવલપ કરવાના ખર્ચમાં અમે ખરેખર બહુ મોટી બચત કરી છે. આ પ્લાન્ટ ખરીદીને અમે લગભગ રૂ.5,000 કરોડ બચાવી લીધા છે, એમ ટાટા મોટર્સના પેસેન્જર વ્હિકલ્સ અને ઈલેક્ટ્રિક વ્હિકલ્સ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું છે.
ફોર્ડ ઈન્ડિયાની Exit
ફોર્ડ ઈન્ડિયાએ 2021થી જ ભારતમાં કારોબાર સંકલેવાની જાહેરાત કરી હતી. ફોર્ડ ઇન્ડિયાનો સાણંદ પ્લાન્ટ લગભગ 350 એકરમાં ફેલાયેલો છે અને એન્જિન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગભગ 110 એકરમાં ફેલાયેલો છે. ટાટા મોટર્સને મે-2022માં ફોર્ડના પેસેન્જર કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના ટેકઓવરની મંજૂરી મળી હતી.
ઉત્પાદન વધારવામાં સરળતા
સપ્ટેમ્બર 2020માં ટાટા મોટર્સ મહિને લગભગ 20,000 યુનિટનું ઉત્પાદન કરતી હતી, પરંતુ હવે તે 46,000 યુનિટથી પણ વધારે ઉત્પાદન કરે છે, જેમાં ઈલેક્ટ્રિક કાર પણ સામેલ છે. કંપની સતત વિસ્તરણ કરી રહી છે. ગુજરાતમાં સાણંદ ખાતેનો પ્લાન્ટ, પૂણેનો પ્લાન્ટ અને રંજનગાવ સ્થિત જોઈન્ટ વેન્ચર પ્લાન્ટ પણ વિસ્તરણના તબક્કામાં છે. કંપનીએ અગાઉ જણાવ્યું હતું કે, ફોર્ડ પાસેથી ખરીદેલો પ્લાન્ટ નાણાકીય વર્ષ 2023-24માં ઓપરેશનલ થઈ જશે.
ગુજરાતમાં વધુ એક પ્લાન્ટ
કંપની ગુજરાતમાં લિથિયમ આયન સેલ માટે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ સ્થાપવાની છે. ગુજરાતમાં ભારતનો પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવવા માટે રાજ્ય સરકાર સાથે સમજૂતી કરાર થઈ ગયા છે. ટાટા ગ્રૂપ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પાછળ રૂ.13,000 કરોડનો ખર્ચ કરવાની યોજના ધરાવે છે. આ પ્લાન્ટની ક્ષમતા 20 ગીગાવોટ રહેશે.
શેર પણ તેજીમાં
ટાટા મોટર્સનો શેર દરરોજ નવી ટોચ બનાવી રહ્યો છે. છેલ્લાં 6 મહિનામાં આ શેરમાં 40 ટકા જેટલું વળતર મળ્યું છે. 14 જૂન-બુધવારે ટાટા મોટર્સનો શેર 1.5 ટકા વધીને રૂ.571ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે અને તેની માર્કેટ કેપ રૂ.2.05 લાખ કરોડને પાર થઈ ગઈ છે. એનાલિસ્ટ્સ આ શેરમાં હજુ 40 ટકા સુધીની તેજીની શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે. જેફરિઝે તો રૂ.700નો ટાર્ગેટ ભાવ આપ્યો છે.
સંબંધિત ખબરઃ ટાટા હવે પોતાની બેટરી પર દોડાવશે ઈલેક્ટ્રિક ગાડીઓઃ ગુજરાતમાંથી ચીનને આપશે પડકાર
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો