MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.
ફ્લેવર્ડ મિલ્ક 12% GSTના સ્લેબ હેઠળ આવે છે: ગુજરાત AAAR ફ્લેવર્ડ મિલ્ક પર GSTને લઈને ઘણી બધી મૂંઝવણો હતી, જેના પર પડદો પડી ગયો છે. આઈસક્રીમ બનાવતી કંપની વાડીલાલે ફ્લેવર્ડ મિલ્ક પર જીએસટી અંગે સ્પષ્ટતા માંગી હતી, જેના જવાબમાં ગુજરાત એપેલેટ ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગે જણાવ્યું છે કે, ફ્લેવર વાળું દૂધ એ દૂધ નથી પણ એક પીણું છે. ફ્લેવર્ડ મિલ્ક એ દૂધનું કુદરતી સ્વરૂપ નથી, આથી તે 12 ટકા જીએસટીના સ્લેબ હેઠળ આવે છે. ગુજરાત A.A.A.R.એ જણાવ્યું છે કે, ફ્લેવર્ડ મિલ્ક પર 12% GST લાગે છે જ્યારે દૂધ પર કોઈ GST લાગતો નથી. એપેલેટ ઓથોરિટીએ કહ્યું છે કે ફ્લેવર્ડ મિલ્કમાં દૂધનો ઉપયોગ એક ઘટક તરીકે થાય છે અને તેથી તેના પર 12% GST વસૂલવામાં આવે છે.
ICICI બેન્કે વધાર્યાં FDના વ્યાજ દર ખાનગી સેક્ટરની ધિરાણકર્તા ICICI બેન્કમાં ફિક્સડ ડિપોઝિટ પર હવે વધુ વ્યાજ દર મળશે. ICICI બેન્ક 1 વર્ષથી 389 દિવસની FD પર 6.50 ટકા જેટલો ઊંચો ઈન્ટરેસ્ટ રેટ આપી રહી છે. આ રેટ તેનો સૌથી ઊંચો રેટ છે. નવો રેટ લાગુ થયા બાદ, વિવિધ મુદતની FD પર 3.50 ટકાથી 6.50 ટકાની રેન્જમાં વ્યાજ મળી શકશે.બેન્ક આ રેટ બે કરોડ રૂપિયાથી પાંચ કરોડ રૂપિયાની FD માટે ઑફર કરી રહી છે. સીનિયર સીટિઝનને આ સ્કીમમાં રેગ્યુલર સીટિઝન જેટલું જ વ્યાજ મળશે. જો બે કરોડ રૂપિયાથી ઓછા મૂલ્યની FD કરાવી હશે તો જ, આ બેન્કમાં સીનિયર સીટિઝનને વધારે વ્યાજ મળશે.
ઈક્વિટી MFમાં ઓગસ્ટમાં જૂન કરતાં 50% ઓછું રોકાણ ગયુંઃ Amfi મ્યુચ્યુઅલ ફંડ્સના સંગઠન એમ્ફીએ જણાવ્યું છે કે, ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા સાવધાન પોઝિશનમાં આવી ગયા છે. આ રોકાણકારો હવે અગાઉની જેમ રોકાણ કરવાનું ટાળી રહ્યાં છે. બે મહિના પહેલાં જૂનમાં રોકાણકારોએ ઈક્વિટી ફંડ્સમાં જેટલું રોકાણ કર્યું હતું, તેની સરખામણીએ ઓગસ્ટમાં 50 ટકા ઓછું રોકાણ કર્યું છે. પરંતુ છેલ્લાં 18 મહિનાનો ડેટો દર્શાવે છે કે, રોકાણકારોએ જેટલા યુનિટ રીડિમ કર્યાં તેના કરતાં વધુ યુનિટની ખરીદી કરી છે. આટલું જ નહીં, લોકોએ જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં 10 ગણા વધુ પૈસા રોક્યા હતા.
14 સપ્ટેમ્બરે આવશે હર્ષા એન્જિનિયર્સનો IPO અમદાવાદ સ્થિત કંપની હર્ષા એન્જિનિયર્સ ઈન્ટરનેશલનો IPO 14 સપ્ટેમ્બરે ખુલી રહ્યો છે. રોકાણકારો 16 સપ્ટેમ્બર સુધી તેના માટે અરજી કરી શકશે. કંપનીએ 755 કરોડ રૂપિયાના IPO માટે શેર દીઠ 314 થી 330 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે, આ ભાવે એક લોટમાં 45 શેર મળશે. ઇશ્યૂનો 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે જ્યારે 15 ટકા હિસ્સો બિન-સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત રાખવામાં આવ્યો છે. કંપનીએ નાણાકીય વર્ષ 2022 માં આવકમાં વાર્ષિક ધોરણે 51 ટકા વૃદ્ધિ નોંધાવી હતી જ્યારે કર બાદનો નફો બમણો થઈને 91 કરોડ રૂપિયા થયો હતો.
અપ્રમેયા એન્જિનિયરિંગે IPO માટે પેપર્સ જમા કરાવ્યા મેડિકલ ઉપકરણો બનાવતી કંપની અપ્રમેયા એન્જિનિયરિંગે IPO માટે સેબીમાં ડ્રાફ્ટ પેપર્સ જમા કરાવી દીધા છે. કંપની IPO હેઠળ 100 ટકા ફ્રેશ ઈક્વિટી શેર્સ ઑફર કરશે. આ કંપની આઈ.સી.યુ. અને ઑપરેશન થિયેટરના ઈન્સ્ટોલેશ, સેટ-અપ અને મેઈન્ટેનન્સના કારોબારમાં સક્રિય છે. તે વિવિધ હોસ્પિટલ્સને હેલ્થકેર અને ડાયગ્નોસ્ટિક ઈક્વિપમેન્ટનો પણ સપ્લાય કરે છે.
સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો નોંધાયો શુક્રવારે, સતત બીજા દિવસે ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી. બેન્ચમાર્ક ઇન્ડેક્સ, સેન્સેક્સે 60 હજારનું લેવલ હાંસલ કર્યું. જોકે, દિવસના અંતે તે 59 હજાર 793ના લેવલ પર બંધ રહ્યો. શુક્રવારે બજારમાં તેજીની આગેવાની આઈટી શેરોએ લીધી હતી. સેન્સેક્સ પેકમાં ટેક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેંક, ઈન્ફોસીસ, એચસીએલ ટેક્નોલોજી, મારુતિ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, વિપ્રો અને એક્સિસ બેંક ટોપ-ગેઈનર્સ રહ્યાં હતા.
મહિન્દ્રા જાન્યુઆરીમાં લૉન્ચ કરશે Electric XUV400 શુક્રવારે વિશ્વનો EV દિવસ હતો. આ પ્રસંગે ઘણી ઓટો કંપનીઓએ ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેની મસ્ક્યુલર કાર માટે જાણીતી છે અને હવે તે પહેલીવાર ઈલેક્ટ્રિક વાહન લૉન્ચ કરી રહી છે. મહિન્દ્રા તેની XUV400નું ઇલેક્ટ્રિક વર્ઝન લાવી રહી છે, જેનું બૂકિંગ જાન્યુઆરી 2023ના પ્રથમ સપ્તાહથી શરૂ થશે.મહિન્દ્રાએ જણાવ્યું છે કે, ગ્રાહકો ડિસેમ્બર, 2022થી જ મહિન્દ્રા XUV400ના ઇલેક્ટ્રિક વર્ઝનની ટેસ્ટ ડ્રાઈવ કરી શકે છે. આ કાર સિંગલ ચાર્જ પર 456 કિમી સુધી દોડશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ XUV અને BE બ્રાન્ડ્સ હેઠળ 5 ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની યોજના બનાવી છે.
ટાટા મોટર્સ ચાલુ મહિનાના અંતે Tiagoનું ઈલેક્ટ્રિક વર્ઝન લાવશે ભારતમાં વધુ એક સ્વદેશી ઈલેક્ટ્રિક કાર લોન્ચ થવા જઈ રહી છે. ટાટા મોટર્સ, આ મહિનાના અંતમાં તેના એન્ટ્રી-લેવલ કાર ટિયાગોનું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરવાની છે. કંપની આગામી દિવસોમાં આ મોડલની કિંમત જાહેર કરશે. ટાટા મોટર્સની અન્ય બે ઈલેક્ટ્રિક કાર નેક્સોન ઈવી અને ટિગોર ઈવીને માર્કેટમાં ઘણી લોકપ્રિયતા મળી છે અને હવે તે ટિયાગોનું ઈલેક્ટ્રિક વર્ઝન લાવી રહી છે. Nexon EV તો દેશની સૌથી સફળ ઇલેક્ટ્રિક કાર બની ગઈ છે અને તેના જોરે ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટનો 88 ટકા બજાર હિસ્સો ટાટા મોટર્સના કબજામાં આવી ગયો છે.
ટોયોટાની Hyryder 15.11 લાખથી 18.99 લાખમાં મળશે તહેવારો આવી રહ્યાં છે, તેની સાથે ઓટોમોબાઈલ કંપનીઓ નવા મોડેલ લોન્ચ કરવા લાગી છે. ટોયોટા કિર્લોસ્કર મોટરની નવી SUV ઘણા દિવસોથી ચર્ચામાં છે અને કંપનીએ શુક્રવારે તેની કિંમતો જાહેર કરી છે. ટોયોટાએ અર્બન ક્રૂઝર હાઈરાઈડરના ચાર મોડેલની કિંમત જાહેર કરી છે. આ ચારેય વેરિયન્ટ 15.11 લાખ રૂપિયાથી 18.99 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ પ્રાઈસ રેન્જમાં મળશે. કંપનીએ જુલાઈથી આ કારનું બૂકિંગ શરૂ કરી દીધું છે અને એસયુવી-પ્રેમીઓમાં તેણે આકર્ષણ જમાવ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો