પેન્શનનું NO ટેન્શન
જો તમારે હાયર પેન્શન મેળવવું છે તો તમારા માટે વધુ એક તક ઉભી થઇ છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO એ તેના સબ્સ્ક્રાઇબર્સને મોટી રાહત આપી છે. ઇપીએફઓએ હાયર ઓપ્શન માટે ડિટેલ ભરવાની ડેડલાઇને લંબાવી દીધી છે. EPFOએ તેની સમયમર્યાદા 5 મહિના વધારીને 31 મે, 2024 કરી દીધી છે. EPFOના આ નિર્ણયથી કંપનીઓને ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કરવા માટે એકસ્ટ્રા સમય મળશે અને તે તેમના કર્મચારીઓ માટે હાયર પેન્શનની વિગતો મે મહિના સુધી ભરી શકશે. મહત્વનું છે કે કંપનીઓ પાસે હાયર પેન્શનની 3.6 લાખથી વધુ અરજીઓ પેન્ડિંગ છે. અગાઉ આની ડેડલાઇન 31 ડિસેમ્બર 2023 હતી.
LICને ઝટકો
દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. માત્ર બે દિવસ પહેલા જ કંપનીએ માહિતી આપી હતી કે તેને મહારાષ્ટ્રમાંથી 806 કરોડ રૂપિયાની GST નોટિસ મળી છે. હવે આ સરકારી કંપનીને 667 કરોડ રૂપિયાથી વધુની GST ભરવાની નોટિસ મળી છે. LICએ કહ્યું કે તમિલનાડુ, ઉત્તરાખંડ અને ગુજરાતના અધિકારીઓએ તેને વિવિધ આરોપો પર નોટિસ મોકલી છે. કંપની આ ત્રણેય રાજ્યોની નોટિસ સામે વહેલી તકે અપીલ કરશે.
સસ્તા મકાનોમાં લોકોને રસ નહીં
કિંમતોમાં ઉછાળો હોવા છતાં, લક્ઝરી હાઉસિંગની મજબૂત માંગને કારણે 2023માં ઘરોનું વેચાણ 10-વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે દેશના આઠ મોટા શહેરોમાં કુલ 3,29,097 મકાનો વેચાયા હતા. આ આંકડો 2022માં વેચાયેલા મકાનો કરતાં 5 ટકા વધુ છે. કુલ વેચાણમાં 1 કરોડ રૂપિયાથી વધુ કિંમતના મકાનોનો હિસ્સો 2023માં વધીને 34 ટકા થયો. 2022માં તે 27 ટકા હતો. ગયા વર્ષે રૂ. 50 લાખ સુધીની કિંમતના મકાનોનું વેચાણ 16 ટકા ઘટીને 98,000 યુનિટ થયું હતું. 50 લાખ સુધીની કિંમતના મકાનોના સપ્લાયમાં પણ લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે.
હોમ લોન સસ્તી થશે?
2024 હોમ લોન લેનારાઓ માટે નવી આશા લઈને આવ્યું છે… આ વર્ષે હોમ લોનનો વ્યાજ દર અડધા ટકાથી લઇને 1.25 ટકા સુધી ઘટી શકે છે.. વૈશ્વિક સ્તરે વધી રહેલી મોંઘવારીને કારણે આરબીઆઈએ મે 2022થી લઇને ફેબ્રુઆરી 2023 વચ્ચે રેપો રેટમાં 2.5 ટકાનો વધારો કર્યો હતો. જેના કારણે તમામ બેંકોએ તમામ પ્રકારની લોન મોંઘી કરી દીધી છે… પરંતુ હવે મોંઘવારી ઘટી રહી છે… આવી સ્થિતિમાં, અનુમાન છે કે આરબીઆઈ 2024ના બીજા ક્વાર્ટરથી રેપો રેટમાં ઘટાડો કરવાનું શરૂ કરી દેશે. રેપો રેટમાં આ ઘટાડો ઘણા પરિબળો પર આધારિત હશે.
દીવમાં બીચ ગેમ્સ
દીવમાં તારીખ 4થી 11 જાન્યુઆરી એક સપ્તાહ સુધી ચાલનારા બીચ ગેમ્સ ફેસ્ટીવલનો આજથી એટલેકે 8 તારીખે પ્રારંભ થશે. જેનું ઈનોગ્રેશન વડાપ્રધાન દ્વારા તારીખ 4ના સાંજે 6.30 વાગ્યે વર્ચ્યુઅલી કરવામાં આવશે. આ બીચ ગેમ્સમાં આઠ રમતો છે. જેમાં 1236 ખેલાડીઓ ભાગ લેશે. સપ્તાહ સુધી ચાલનારા આ રમતોત્સવ દરમિયાન 20થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા ઉત્સાહીત 1200થી વધુ ખેલાડીઓ વિવિધ રમતોમાં ભાગ લેશે. આ ગેમ્સમાં સમાવિષ્ટ રમતો 8માં વોલીબોલ, પેંચક સિલાટ, બીચ બોક્સિંગ, બીચ સોકર, મલખંભ, બીચ કબડ્ડી, ઓશન સ્વિમિંગ અને ટગ ઓફ વોરનો સમાવેશ થાય છે.
વાઇબ્રન્ટ પહેલાં 7 લાખ કરોડના MoU
ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારો માટે રોકાણ માટેનું પ્લેટફોર્મ એવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પહેલાં બુધવારે એક જ દિવસમાં ૭ લાખ ૧૭ હજાર ૨૫૦ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના MoUનો વિક્રમ સર્જાયો છે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે ૫૮ જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા હતા. તેના દ્વારા ૩ લાખ ૭૦ હજાર ૧૬૫ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે તેવો દાવો ગુજરાત સરકારે કર્યો છે. મહત્વનું છે કે 10મી વાઇબ્રન્ટ સમિટ તારીખ ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૪માં યોજાવાની છે. બુધવારે થયેલા ૫૮ MoUમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના જાહેર સાહસો NTPC, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ, પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ, ONGC, HPCL, IOCL તથા રાજ્ય સરકારના સાહસો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા હતા
વાઇબ્રન્ટમાં કોને કઇ ગાડી મળશે
ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ 2024નું આયોજન થઇ રહ્યું છે ત્યારે વિવિધ દેશોના મંત્રીઓ, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને બિઝનેસમેન ગાંધીનગર આવશે. આ દેશોના પ્રતિનિધિઓને તેમના પ્રોટોકોલ મુજબ કારો ફાળવવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર સમિટના હેડ ઓફ ધ સ્ટેટ એટલે કે દેશોના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને મર્સીડિઝી અને બીએમડબલ્યુ અપાશે. જ્યારે મંત્રીઓ અને કંપનીના સીઇઓને ઓડી અપાશે. ભારતના અને રાજ્યોના મંત્રીઓ માટે ઇનોવા કાર ફાળવાઇ છે. આ ઉપરાંત ડેલીગેટ્સ માટે 15 સીટર અને 29 સીટર બસો પણ મૂકાઇ છે.
કલેક્ટર કચેરીમાં નોકરીની તક
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બીની 4304 જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે. આ જગ્યા માટે ગ્રેજ્યુએટ ઉમેદવારો ojas.gujarat.gov.in અને gsssb.gujarat.gov.in પરથી 4 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. અરજી કરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી છે. ભરતી અંતર્ગત સૌથી વધુ 2018 જગ્યા જુનિયર ક્લાર્કની ભરાશે. ગ્રુપ એમાં સિનિયર ક્લાર્કની 532, કલેક્ટર કચેરીમાં જુનિયર ક્લાર્કની 590 જગ્યા પણ ભરવામાં આવશે. ભરતી માટે વય મર્યાદા ઓછામા ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની રાખવામાં આવી છે. પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારથી જગ્યાઓ ભરાશે. જે મુજબ સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીમાં ક્લાર્ક, વિવિધ ખાતામાં જુનિયર ક્લાર્ક, ગૃહમાતા, ગૃહપતિને પ્રતિ માસ 26 હજાર રૂપિયા ફિક્સ પગાર ચૂકવાશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો