Money9: પર્સનલ કોમ્પ્યુટર અને લેપટોપ જેવા ડિવાઇસ બનાવનારી કંપની HPએ ટેક કંપની અલ્ફાબેટના ગૂગલની સાથે પાર્ટનરશિપ કરી છે. બન્ને કંપનીઓ ભારતમાં ક્રોમબુક લેપટોપ બનાવશે. આ લેપટોપ તામિલનાડુમાં ચેન્નઇની પાસે એચપીની ફેક્ટરીમાં બનાવાશે. આ ફેક્ટરીમાં કંપની અંદાજે 2020થી ડેસ્કટોપ અને લેપટોપનું મેન્યુફેક્ચરિંગ કરી રહી છે. આ પગલાથી ગૂગલને ભારતમાં સપ્લાય વધારવામાં મદદ મળશે. સાથે જ ડેલ અને આસુસ જેવી ટેક કંપનીઓના વિન્ડોઝ કોમ્પ્યુટરોની સાથે કોમ્પિટિશન કરવામાં મદદ મળશે. કંપનીના જણાવ્યા અનુસાર આ લેપટોપ સ્ટુડન્ટ્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવાશે.
કર્મચારી ભવિષ્યનિધિ સંગઠને બધા સભ્યોને એલર્ટ જાહેર કરતાં કહ્યું છે કે ઇપીએફઓ ક્યારે પણ કોઇ સભ્યની માહિતી ફોન, ઇ-મેઇલ અને સોશિયલ મીડિયા દ્વારા માહિતી નથી માંગતું. ક્યારે પણ કોઇને પણ આ બધા માધ્યમોથી કોઇ ખાનગી માહિતી શેર ન કરો. સોશિયલ ઇપીએફઓએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું કે બધા સભ્ય ફેક કોલ અને મેસેજથી સાવધાન રહો.
દેશમાં સરકારી બેંકોના થઇ રહેલા વિલિનિકરણ અને બેંકિંગ સેવા માટે ડિજિટલાઇઝેશનના કારણે સરકારી બેંકોમાં કામ કરનારા કર્મચારીઓની સંખ્યા સતત ઘટી રહી છે. બીજી તરફ પ્રાઇવેટ બેંકોમાં કર્મચારીઓનો આંકડો સતત વધી રહ્યો છે. રિઝર્વ બેંકના આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન પ્રાઇવેટ બેંકોમાં કર્મચારીઓની સંખ્યામાં 98,518નો વધારો થયો છે જ્યારે બીજી તરફ સરકારી બેંકોના કર્મચારીઓની સંખ્યા 3385 ઘટી છે. રિપોર્ટ અનુસાર પ્રાઇવેટ બેંકોમાં જે રીતે ઝડપથી કર્મચારીઓની સંખ્યા વધી રહી છે તેને જોતાં લાગી રહ્યું છે કે ટુંક સમયમાં સરકારી બેંકોના મુકાબલે તેમાં વધારે કર્મચારીઓ હશે.
2000ની નોટ બદલવાની મુદત 7 ઓક્ટોબર સુધી વધી ગઇ છે. RBIએ જાહેર કરેલા સર્ક્યુલરમાં કહ્યું છે કે વિડ્રોઅલ પ્રોસેસનો નક્કી કરેલો સમય સમાપ્ત થયા બાદ રિવ્યૂના આધારે 2000 રૂપિયાની નોટને જમા અને બદલવાની હાલની વ્યવસ્થાને 7 ઓક્ટોબર 2023 સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. અગાઉ એવા સમાચાર હતા કે 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ ન બદલવા પર બીજા દિવસે એટલે કે 1 ઓક્ટોબરથી તેની વેલ્યૂ ઝીરો થઇ જશે.
ભારતમાં બેરોજગારી દરમાં ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં જોબલેસ રેટ ઘટીને 7.09% પર આવી ગયો છે. જે ઓગસ્ટ મહિનામાં 8.10% હતો. બેરોજગારી દર સપ્ટેમ્બરમાં એક વર્ષના નીચલા સ્તરે આવી ગયો કારણ કે નબળા ચોમાસા છતાં ગ્રામીણ સેક્ટરમાં બેરોજગારી ઘટી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ બેરોજગારી દરના આ આંકડા જાહેર કર્યા છે. CMIEના આંકડા અનુસાર સપ્ટેમ્બરમાં શહેરી બેરોજગારી દર તેના અગાઉ ઓગસ્ટના 10.09%થી ઘટીને 8.94% પર આવી ગયો. જે ગ્રામીણ બેરોજગારી દર 7.11%થી ઘટીને 6.20% પર આવી ગયો છે.
જો તમે Hero MotoCorp ની બાઈક કે સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો… તો જાણી લો કે આજથી તેની કિંમતો વધી ગઈ છે… Hero MotoCorp એ મોટરસાઈકલ અને સ્કૂટરની કિંમતોમાં 1 ટકાનો વધારો કર્યો છે… કંપનીએ તેની રેગ્યુલેટરી ફાઇલિંગ દરમિયાન કહ્યું છે કે ઉત્પાદનમાં વધી રહેલા ખર્ચ અને કાચા માલના ભાવમાં ઝડપથી વધારો થતાં ભાવમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ કંપનીની રિવ્યૂ પોલિસીનો પણ એક ભાગ છે. કંપનીના જણાવ્યા અનુસાર, સતત વધતી કિંમતોને કારણે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો હતો, ત્યારબાદ આ વધારા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો