Money9: EPFOએ તેના સભ્યોને મોટી રાહત આપી છે. EPFO સભ્યો હવે પોતાની અથવા તેમના પરિવારના કોઈપણ સભ્યની સારવાર માટે તેમના પીએફ ખાતામાંથી 1 લાખ રૂપિયા ઉપાડી શકશે. EPFOએ એક સર્ક્યુલર બહાર પાડીને કહ્યું છે કે આ મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. EPFOના જણાવ્યા મુજબ, જ્યારે કોઈ સભ્ય અથવા તેના આશ્રિતો એક મહિના કે તેથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ હોય, હોસ્પિટલમાં મોટી સર્જરી કરાવે, અથવા ટીબી, લકવો, કેન્સર, માનસિક બીમારી અથવા હૃદય રોગથી પીડિત હોય, તો તેઓ એડવાન્સ માટે અરજી કરી શકે છે. જો કે આના માટે કર્મચારી કે તેના દર્દીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવવા જરૂરી છે. જો તમે દર્દીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હશે, તો આ અંગે તપાસ થયા બાજ જ ક્લેમ લઈ શકાશે.
દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક ICICI બેંકે તેની FDના વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ICICI બેંકની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, બેંકે 2 થી 5 કરોડ રૂપિયાની બલ્ક FDના વ્યાજ દરો વધારવાનો નિર્ણય કર્યો છે. આ વધારા પછી, બેંક સામાન્ય નાગરિકોને 7 દિવસથી 10 વર્ષની બલ્ક એફડી સ્કીમ પર 4.75 ટકાથી 7 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે… સૌથી વધુ વ્યાજ 1 વર્ષથી 389 દિવસની એફડી પર આપવામાં આવી રહ્યું છે. આમાં, બેંક સામાન્ય અને વરિષ્ઠ નાગરિકોને 7.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. એપ્રિલ મહિનામાં બેંકે તેના વ્યાજ દરોમાં ત્રીજીવાર વધારો કર્યો છે, આ પહેલા 1લી એપ્રિલ અને 9મી એપ્રિલે બેંકે તેના વ્યાજદરમાં વધારો કર્યો હતો…
નાણાકીય વર્ષ 2024 ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે ઉત્તમ સાબિત થયું છે. AMFI એટલે કે એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, માર્ચ 2024 સુધીમાં AUM એટલે કે એસેટ્સ અંડર મેનેજમેન્ટનો આંકડો 53.40 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. ગયા માર્ચ 2023માં આ આંકડો 39.42 લાખ કરોડ રૂપિયા હતો. આ પ્રમાણે જોઈએ તો એક વર્ષમાં 14 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો નોંધાયો છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ FY21માં રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે 41 ટકાનો ગ્રોથ નોંધાયો હતો.ત્યારબાદ હવે FY24માં બીજો રેકોર્ડ લગભગ 35 ટકાના ગ્રોથનો બન્યો છે.
કુશમેન એન્ડ વેકફિલ્ડના રિપોર્ટ અનુસાર, દિલ્હી-એનસીઆર લક્ઝરી એપાર્ટમેન્ટ્સની માંગના મામલે દેશના અન્ય બજારો કરતા આગળ છે. માર્ચ ક્વાર્ટર દરમિયાન દિલ્હી-એનસીઆરમાં નવા લોન્ચમાં એકલા લક્ઝરી એપાર્ટમેન્ટનો હિસ્સો 61 ટકા હતો… આ દર્શાવે છે કે દિલ્હી-એનસીઆર માર્કેટમાં લક્ઝરી ઘરોની માંગ મજબૂત છે. જ્યારે કુલ લોન્ચમાં મુંબઈના લક્ઝરી એપાર્ટમેન્ટનો હિસ્સો 26 ટકા અને બેંગલુરુનો હિસ્સો 19 ટકા હતો… કુશમેન એન્ડ વેકફિલ્ડના રિપોર્ટમાં, એવા મકાનોને લક્ઝરી કેટેગરીમાં રાખવામાં આવ્યા છે, જેની કિંમત ઓછામાં ઓછી રૂ. 15 હજાર પ્રતિ ચોરસ ફૂટ છે.
દક્ષિણ કોરિયાની ટેક કંપની સેમસંગે ભારતમાં ટીવીની નવી રેન્જ લોન્ચ કરી છે. આ રેન્જમાં Neo QLED 8K, Neo QLED 4K અને OLED ટીવી મોડલ્સનો સમાવેશ થાય છે. બેંગલુરુમાં સેમસંગ ઓપેરા હાઉસ ખાતે આયોજિત ‘અનબોક્સ એન્ડ ડિસ્કવર’ ઈવેન્ટમાં રજૂ કરવામાં આવેલા આ ટીવી 55 ઈંચથી લઇને 98 ઈંચ સુધીની સાઇઝમાં ઉપલબ્ધ છે. સેમસંગનું કહેવું છે કે નવા ટીવી ઘણા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફીચર્સથી સજ્જ છે. AIથી વિઝ્યુઅલ એક્સપીરિયન્સ વધી જાય છે. સાઉન્ડમાં પણ AI નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે બેકગ્રાઉન્ડ નોઇઝને ડિટેક્ટ કરીને ઓટોમેટિકલી વોલ્યુમ એડજસ્ટ કરી દે છે.
મોર્ગન સ્ટેનલીના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ભારતના લોકોને આ વર્ષે પર્સનલ, હોમ અને ઓટો લોન પરના ઊંચા વ્યાજ દરોમાંથી રાહત મળવાની શક્યતા નથી. તેમનું માનવું છે કે રિઝર્વ બેન્ક ચાલુ નાણાકીય વર્ષ એટલે કે માર્ચ 2025 સુધી રેપો રેટમાં ઘટાડો નહીં કરે. તે માત્ર 6.5 ટકાના વર્તમાન સ્તરને જાળવી શકે છે. એક અમેરિકન બ્રોકરેજ ફર્મના અર્થશાસ્ત્રીઓએ એક રિપોર્ટમાં લખ્યું છે કે ખાદ્ય ચીજવસ્તુઓ અને ક્રૂડ ઓઈલ જેવી ચીજવસ્તુઓ મોંઘી થઈ ને રહી છે. આ ઉપરાંત અમેરિકામાં મોંઘવારી વધવાને કારણે વ્યાજદર ઘટાડવામાં વિલંબ થશે અથવા તો આ ઘટાડો અપેક્ષા કરતા ઓછો રહેશે. ડોલરની મજબૂતી પણ આરબીઆઈને રેપો રેટ ઘટાડવાથી રોકશે.
સોનાના ભાવ રોજે રોજ નવી સપાટી કૂદાવી રહ્યા છે. જેના પગલે લગ્નસરામાં ઘરમાં રહેલું જૂનું સોનું તેમજ દાગીનામાંથી નવા ઘરેણા બનાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. અમદાવાદ શહેરમાં 2023માં રોજ 30 કિલો સોનું રિસાઈકલ માટે આવતું હતું. હવે તેમાં વધારો થયો છે અને તે આંકડો રોજનો 70 કિલોએ પહોંચી ગયો છે. જે રીતે સોનાના ભાવ વધી રહ્યા છે તેનાથી જૂના સોનાનું રિસાઈકલિંગ 10 ટકા સુધી વધવાની ધારણાં છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ 2019માં કુલ 119.7 ટન જૂનું સોનું રિસાઈકલિંગ માટે બજારમાં આવ્યું હતું. બુલિયનના વેપારીઓનું કહેવું છે કે આ રેકોર્ડ તૂટીને 2024ના અંત સુધીમાં 128.8 ટને પહોંચશે. બુધવારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ. 75,900 હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો