Money9: સરકારી સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરતી સુશીલાને એક દીકરી છે. દીકરીના ઉચ્ચ અભ્યાસ વખતે કામમાં આવે તે માટે પૈસા ભેગા કરવાની સુશીલાની ઈચ્છા છે. સુશીલા એવી વીમા પૉલિસી ખરીદવા માંગે છે, જેમાં દર વર્ષે થોડી-થોડી રકમ જમા કરાવીને મોટું ફંડ ભેગું કરી શકાય. સુશીલાની આ યોજના માટે એન્ડોમેન્ટ પ્લાન એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
Endowment Plan: એન્ડોમેન્ટ પ્લાન પણ જીવન વીમાનો એક પરંપરાગત પ્લાન છે, જેમાં વીમો પણ મળે છે અને બચત પણ થાય છે. વીમા કંપનીઓ આવા પ્રકારની પૉલિસીને અલગ-અલગ નામથી વેચે છે. કેવા પ્રકારનો ઈન્સ્યૉરન્સ પ્લાન ખરીદવો જોઈએ, તે સમજવા માટે તમારે પ્લાનની તમામ વિગતો ભેગી કરીને અભ્યાસ કરવો જોઈએ. એન્ડોમેન્ટ વીમો ખરીદનાર વ્યક્તિ, જો મુદત પૂરી થાય ત્યાં સુધી જીવતી હશે તો, તેણે પૉલિસી પીરિયડ દરમિયાન જેટલું પ્રીમિયમ ભર્યું હશે, તે બોનસની સાથે પાછું મળશે. આ રકમને સમ એસ્યોર્ડ કહે છે.
નૉમિનીને લાભ ધારો કે, પૉલિસી પીરિયડ દરમિયાન, પૉલિસીધારકનું મૃત્યુ થઈ જાય તો, તેના નોમિનીને વીમા કવરના પૈસા મળે છે. આમ, જીવન વીમામાં એન્ડોમેન્ટ પ્લાન જોખમમુક્ત છે. કહેવાનો મતલબ એ કે, તમને કોઈ પણ સંજોગોમાં પૈસા તો મળશે જ, પરંતુ તમારે નિયમિતપણે પ્રીમિયમ ભરવું પડશે.
નિષ્ણાતનો મત ઈન્સ્યૉરન્સ એક્સપર્ટ વિકાસ સિંઘલ કહે છે કે, જે લોકોને મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારમાં વધારે સમજ ના પડતી હોય, અને રોકાણ કરવા માંગતા હોય, તેમના માટે એન્ડોમેન્ટ પ્લાન એક સારો વિકલ્પ છે. આ પૉલિસીમાં તમે દર વર્ષે પૈસા ભરીને એક સારું એવું ફંડ ભેગું કરી શકો છો. આ પ્લાન લીધો હશે તો, તમારા પરિવારને આર્થિક સલામતી પણ મળશે. જો પૉલિસી લેનાર વ્યક્તિની આવક ટેક્સેબલ હશે, તો તે સેક્શન 80C હેઠળ કરકપાતનો લાભ પણ મેળવી શકે છે. પરંતુ યોગ્ય વીમા પૉલિસી પસંદ કરતા પહેલાં તમારે કેટલીક મૂળભૂત વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
એજન્ટનો ભરોસો ના કરવો વીમા પૉલિસી ખરીદતી વખતે, એજન્ટની વાતોનો ભરોસો ના કરો. એજન્ટ જે પણ કહે તે સાચું ના માની લો. તમને જેટલી પણ પૉલિસીની માહિતી આપવામાં આવે તેની પોઝિટિવ બાબતોનું સારી રીતે હોમવર્ક કરો. એન્ડોમેન્ટ પૉલિસીમાં મુદત પૂરી થાય ત્યારે કેટલા પૈસા મળશે તે અંગે સવાલ પૂછો.. એજન્ટ તો તમને 8 ટકા રિટર્નનો હિસાબ ગણાવશે, પરંતુ વાસ્તવમાં આટલું રિટર્ન મળતું નથી. તેના માટે તમારે વીમા નિષ્ણાતનો અભિપ્રાય લેવો જોઈએ.
ટર્મ પ્લાન લાંબા ગાળાના રોકાણ માટે જીવન વીમાનો એન્ડોમેન્ટ પ્લાન એક સારો વિકલ્પ છે અને તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એન્ડોમેન્ટ પ્લાનમાં તમને વીમાની સાથે સાથે રોકાણનો વિકલ્પ પણ મળે છે. પૉલિસી લેનાર વ્યક્તિની ઉંમર અને આરોગ્યના આધારે એન્ડોમેન્ટ પ્લાનમાં પ્રીમિયમની રકમ નક્કી થાય છે. જોકે, આર્થિક જોખમો સામે સસ્તામાં પૂરતું કવર મેળવવા માટે ટર્મ પ્લાનને સૌથી અસરકારક વિકલ્પ ગણવામાં આવે છે. જે લોકો, બચત અને રોકાણને મિક્સ કર્યા વગર માત્ર વીમો ઉતરાવવા માંગે છે, તેમના માટે ટર્મ પ્લાન યોગ્ય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો