Money9: ઉદ્યોગપતિ અનિલ અંબાણી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) સાથે જોડાયેલી તપાસના સંદર્ભમાં મુંબઈમાં ED અધિકારીઓ સમક્ષ હાજર થયા હતા. EDના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. ED અધિકારીઓના જણાવ્યા અનુસાર, અનિલ અંબાણીની ફોરેન એક્સચેન્જ એક્ટના કથિત ઉલ્લંઘન સાથે જોડાયેલી એક તપાસના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે અલગ-અલગ કલમો હેઠળ નોંધાયેલા કેસમાં 64 વર્ષીય અનિલ અંબાણીનું ફેમાનું નિવેદન નોંધવામાં આવ્યું છે.
2020માં પણ થયા હતા હાજર
આ પહેલા યસ બેંકના પ્રમોટર રાણા કપૂર અને અન્યો વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં પણ અનિલ અંબાણી ED સમક્ષ હાજર થઈ ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન અનિલ અંબાણીની લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે એવા અહેવાલ આવ્યા હતા કે અંબાણીની 9 ગ્રુપ કંપનીઓએ યસ બેંક પાસેથી લગભગ 12,800 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જેની સાથં સંકળાયેલા એક કેસમાં EDએ આજે પૂછપરછ કરી હતી.
આવકવેરા વિભાગે પણ આપી છે નોટિસ
મહત્વનું છે કે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ઉદ્યોગપતિ અનિલ અંબાણીને બ્લેક મની એક્ટ હેઠળ કારણદર્શક નોટિસ મોકલવામાં આવી હતી. આ સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આવકવેરા વિભાગે બે સ્વિસ બેંક ખાતાઓમાં કથિત રીતે રાખવામાં આવેલા 814 કરોડ રૂપિયાથી વધુના અઘોષિત ભંડોળ પર 420 કરોડ રૂપિયાની કરચોરી માટે નોટિસ જારી કરી હતી. જો કે અનિલ અંબાણીએ તેની સામે મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલો હાલ કોર્ટમાં છે.
અનિલ અંબાણી મુશ્કેલીમાં
તમને જણાવી દઈએ કે રિલાયન્સ ગ્રુપના ચેરમેન લાંબા સમયથી આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. અનિલ અંબાણીની ઘણી કંપનીઓ ક્યાં તો વેચાઈ ગઈ છે અથવા વેચાવાની તૈયારીમાં છે. તો શેરબજારમાં લિસ્ટેડ અનિલ અંબાણીની મોટાભાગની કંપનીઓના શેર પણ ખરાબ રીતે પટકાયા છે. શેરબજારમાં લિસ્ટેડ મુખ્ય કંપનીઓ નીચે મુજબ છે – રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ, રિલાયન્સ પાવર, રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ નેવલ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો