Money9 Gujarati:
જો ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાની ઈચ્છા હોય, તો 31 માર્ચ-2024 પહેલાં ખરીદી લેજો. સરકાર ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર પર આપવામાં આવતી સબસિડી ઘટાડવાનું વિચારી રહી છે. આવતા નાણાકીય વર્ષથી સબસિડી ઘટવાની શક્યતા છે. સરકાર જે ડિસ્કાઉન્ટ આપે છે, તેને ઘટાડીને 15 ટકા કરવાની યોજના છે. અત્યારે 1 કિલો વોટ પર અવરની ઈલેક્ટ્રિકલ એનર્જી ઉત્પન્ન કરતાં હોય તેવા એન્જિનવાળાં ટુ-વ્હીલર પર સરકાર રૂ.10 હજારની સબસિડી આપે છે. આ ઉપરાંત, એક્સ-ફેક્ટરી પ્રાઈસના 40 ટકા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળે છે. જો સરકાર આ ડિસ્કાઉન્ટ 15 ટકા ઘટાડશે, તો આવતા વર્ષથી તમને માત્ર 25 ટકા ડિસ્કાઉન્ટ મળશે.
ઈલેક્ટ્રિક વાહન બનાવતી કંપનીઓને કેન્દ્ર સરકાર રૂ.10,000 કરોડની FAME-2 સ્કીમ હેઠળ, આર્થિક સહાય આપે છે. ભારે ઉદ્યોગ મંત્રાલયે ઈલેક્ટ્રિક સ્કૂટર પર મળતી સબસિડી ઘટાડવાની દરખાસ્ત કરી છે. જો આ દરખાસ્ત માન્ય રાખવામાં આવશે તો, ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનો ખર્ચ વધી જશે. દરખાસ્તમાં સબસિડી 40 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાની વાત છે. ભારે ઉદ્યોગોના મંત્રાલયે આ દરખાસ્ત આંતર-મંત્રાલય પેનલને મોકલી દીધી છે અને આ પેનલ દ્વારા સબસિડી ઘટાડવી કે નહીં તેનો અંતિમ નિર્ણ લેવામાં આવશે. આ ઉપરાંત, ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર માટે જે સબસિડી આપવામાં આવી હતી અને તેનો ઉપયોગ નથી થયો તેનો ઉપયોગ પણ ટુ-વ્હીલર્સ માટે કરવાની દરખાસ્ત છે.
સબસિડી શા માટે ઘટાડવાની જરૂર છે? ઈલેક્ટ્રિક વાહન બનાવતી કંપનીઓને કેન્દ્ર સરકાર FAME-2 સ્કીમ હેઠળ રૂ.10,000 કરોડની આર્થિક સહાય આપે છે. બજારમાં ચર્ચા છે કે, સરકાર સબસિડી ઘટાડીને આ રકમનો ઉપયોગ અન્ય ટુ-વ્હીલર્સ વાહનોને પ્રોત્સાહન આપવા માટે કરવા માંગે છે. આવું કરીને સરકારને આ વાહનોનું વિસ્તરણ કરવામાં મદદ મળશે અને 2030 સુધીમાં 100 ટકા વાહનોને ઈલેક્ટ્રિક વાહનોમાં તબદીલ કરવાનું લક્ષ્ય પ્રાપ્ત થઈ શકશે.
EV પર કેટલી સબસિડી મળે છે? FAME-2 સ્કીમ હેઠળ અત્યાર સુધીમાં 5.63 લાખ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સને સબસિડીનો લાભ મળ્યો છે. અત્યારે સરકાર પ્રતિ કિલોવૉટના હિસાબે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરને રૂ.15,000 સુધીની સબસિડી આપે છે, જે વાહનની મહત્તમ કિંમતના 40 ટકા સુધી જઈ શકે છે. આ યોજના 31 માર્ચ, 2024 સુધી અમલમાં છે. ધારો કે, સરકાર વર્તમાન સ્તરે પ્રતિ યુનિટ સબસિડી યથાવત્ રાખે તો, ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ માટે આપવામાં આવતી સબસિટી આગામી બે મહિનામાં ખતમ થઈ જશે. જો સબસિડી ઘટાડી દે તો, ફેબ્રુઆરી 2024 સુધી 10 લાખ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સને FAME સ્કીમ હેઠળ આર્થિક સહાય આપી શકાશે.
EVના વેચાણમાં ભારતની સ્થિતિઃ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું છે, પરંતુ જો તેની સરખામણી એશિયાના દેશો સાથે કરીએ તો આપણે ઘણા પાછળ છીએ. S&P ગ્લોબલ રિસર્ચના આંકડા અનુસાર, 2022માં ભારતમાં કુલ વેચાયેલી ગાડીઓમાં ઈલેક્ટ્રિક ગાડીઓનો હિસ્સો માત્ર 1.1 ટકા હતો, જ્યારે એશિયામાં 2022માં ઈલેક્ટ્રિક ગાડીઓનો હિસ્સો 17 ટકા હતો. એશિયામાં સૌથી વધુ ઈલેક્ટ્રિક ગાડીઓનું વેચાણ ચીનમાં થાય છે. 2022માં ચીનમાં વેચાયેલી કુલ ગાડીઓમાં ઈલેક્ટ્રિક ગાડીઓનો હિસ્સો 27 ટકા હતો જ્યારે દક્ષિણ કોરિયામાં તેનો હિસ્સો 10 ટકા હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો