MONEY9: મોંઘવારીનો બોજ સહન કરી રહેલા સામાન્ય લોકોએ દિવાળીનો તહેવાર તો, હસતાં-હસતાં કાઢી લીધો હશે, પરંતુ આગામી દિવસો કપરાં બનવાના એંધાણ મળી રહ્યાં છે. દિવાળી ગઈ એટલે, ઘણી કંપનીઓ તેમના ઉત્પાદનોની કિંમત વધારવાની વેતરણમાં લાગી ગઈ છે. અમૂલ અને મધર ડેરીએ તો, દિવાળીના થોડાંક દિવસો અગાઉ દૂધના ભાવ પણ વધાર્યાં હતા અને હવે અન્ય FMCG કંપનીઓ ભાવવધારો લાગુ કરવાની તૈયારીમાં છે.
પામઓઈલના ભાવ વધશે છેલ્લાં દસેક દિવસમાં ભારતમાં પામઓઈલ 22 ટકા મોંઘું થયું છે અને FMCG કંપનીઓએ તો પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે, તેઓ ભાવ વધારવા માટે દિવાળી પૂરી થવાની રાહ જોઈ રહી છે. કાચા માલ તરીકે મોટા ભાગે પામઓઈલનો ઉપયોગ કરતી દેશની મુખ્ય FMCG કંપનીઓમાં હિન્દુસ્તાન યુનિલિવર, વિપ્રો કન્ઝ્યુમર કેર, મેરિકો, ગોદરેજ કન્ઝ્યુમર અને બ્રિટાનિયાનો સમાવેશ થાય છે. આ કંપનીઓને સંકેત મળ્યાં છે કે, પામઓઈલની કિંમત હજુ પણ 20 ટકા સુધી વધી શકે છે. આથી, કંપનીઓ પાસે ભાવવધાર્યાં સિવાય કોઈ વિકલ્પ બચતો નથી અને કંપનીઓ આડકતરી રીતે ભાવવધારો કરશે, જેના માટે સૌથી પહેલાં તો ડિસ્કાઉન્ટ બંધ કરી દેશે.
ઘઉં અને ચોખા મોંઘવારીનો માથાભારે વિલન માત્ર પામઓઈલ માર્કેટમાં રાઉન્ડ નથી મારવાનો, પરંતુ ઘઉં અને ચોખા જેવા અનાજના બજારમાં પણ રાઉન્ડ મારતો જશે અને સામાન્ય જનતા પર બોજ વધારતો જશે. સરકારે પગલાં ભર્યાં હોવા છતાં, ઘઉંના ભાવ અંકુશમાં આવતાં નથી. ઘઉં અને ચોખા બંનેની કિંમત ઓક્ટોબરમાં પણ વધી છે. ભારતમાં આ બંને અનાજનો મહત્તમ ઉપયોગ થાય છે અને તેના ભાવ વધવાથી લોકો અને સરકાર બંને પરેશાન છે.
ઘઉંની કિંમત વધી જોકે, સરકાર તો વારંવાર જણાવતી રહી છે કે, ઘઉં અને ચોખાની કિંમતમાં થયેલો વધારો સામાન્ય છે. પરંતુ સરકારની આ વાત સૂરસૂરિયું સાબિત થઈ છે અને બજારમાં તેની કોઈ અસર દેખાતી નથી. 2020થી 2022ની દિવાળી સુધીમાં હોલસેલ માર્કેટમાં 1 ક્વિન્ટલ ઘઉંનો ભાવ 11.42 ટકા વધીને 2,757 રૂપિયાએ પહોંચી ગયો છે જ્યારે રિટેલ માર્કેટમાં 1 કિલો ઘઉંની કિંમત 12 ટકા વધીને 31 રૂપિયાને પાર થઈ ગઈ છે. ઘઉં મોંઘા થઈ રહ્યાં છે. એટલે સ્વાભાવિક છે, આગામી દિવસોમાં લોટથી લઈને ચોખા પણ મોંઘા થશે અને તેની કિંમત તો સામાન્ય લોકોએ ચૂકવવી જ પડશે.
આયાતી મોંઘવારી આ સિવાય, ઘટતો રૂપિયો પણ બાજી બગાડી રહ્યો છે અને આયાતી મોંઘવારી વધારી રહ્યો છે. વિદેશથી કાચો માલ મંગાવીને જેટલી પણ કન્ઝ્યુમર ડ્યુરેબલ આઈટમ્સ ભારતમાં બને છે તેના ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.
સિમેન્ટની કિંમત સિમેન્ટ ઉદ્યોગમાં પણ મોંઘવારી ઘૂસી ગઈ છે અને સિમેન્ટના ભાવ સડસડાટ વધવાનું શરૂ થઈ ગયું છે. IIFLના રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 50 કિલો સિમેન્ટની થેલીનો ભાવ સપ્ટેમ્બરમાં તો સરેરાશ 6 રૂપિયા વધ્યો હતો, છતાં ઓક્ટોબરમાં 15 રૂપિયા વધી ગયો. આમ, માત્ર બે મહિનામાં સિમેન્ટ લગભગ 6 ટકા મોંઘો થયો છે અને ડિસેમ્બર સુધીમાં તેના ભાવ હજુયે વધવાની આશંકા છે.
રિટેલ મોંઘવારીના આંકડા સરકારે સપ્ટેમ્બર માટે રિટેલ મોંઘવારીનો દર 7.4 ટકા નોંધ્યો છે, આમ, સતત 9 મહિનાથી મોંઘવારીનો દર RBIએ નક્કી કરેલી મર્યાદાની ઉપર છે. RBIની મર્યાદા 6 ટકાની છે અને છેક જાન્યુઆરી 2022થી રિટેલ મોંઘવારીએ 6 ટકાની નીચે જવાનું નામ નથી લીધું. પરિણામે, RBIએ સરકારને જવાબ આપવાનો વારો આવ્યો છે અને મોંઘવારીનું નહીં ઘટવાની સ્પષ્ટતા કરવી પડી છે.
સરકાર અને RBIના પ્રયાસ માતેલા સાંઢ જેવી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે સરકાર અને રિઝર્વ બેન્કે વિવિધ પગલાં પણ ભર્યાં છે. જેમકે, સરકારે ખાદ્ય મોંઘવારી ઘટાડવા માટે ઘઉં સહિતની ખાદ્ય વસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને પામઓઈલ જેવા ખાદ્યતેલની આયાત પર લાગતો વેરો ઘટાડ્યો હતો. રિઝર્વ બેન્ક પણ 2022ના મે મહિનાથી સપ્ટેમ્બર સુધીમાં વ્યાજના દર 1.90 ટકા વધારી દીધા છે, પરંતુ આ પ્રયાસો કાચા પડ્યાં છે અને મોંઘવારી વકરી છે. અત્યારે જે સંકેત મળી રહ્યાં છે તે મોંઘવારીનો બોજ વધવા તરફ ઈશારો કરી રહ્યાં છે. એટલે આગામી દિવસોમાં સામાન્ય જનતાના માથે મોંઘવારીનો બોજ વધવાની શક્યતા દેખાઈ રહી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો