MONEY9: રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછીના ઘટનાક્રમમાં વૈશ્વિક માર્કેટમાં સ્ટીલની કિંમતો નવી ઊંચાઈએ પહોંચી ગઈ અને ભારતીય સ્ટીલ કંપનીઓને અઢળક નફો કમાઈ લેવાની તક મળી ગઈ. યુરોપમાં નિકાસ વધારીને જંગી નફો રળી લેવાની રણનીતિ ઘડાઈ રહી હતી ત્યાં તો, સરકારે મોંઘવારીને ડામવા મે મહિનામાં સ્ટીલની નિકાસ પર ટેક્સ નાખી દીધો અને કંપનીઓના નફા પર કાતર ફેરવી દીધી.
વૈશ્વિક માર્કેટમાં ભાવ ઘટ્યા જોકે, ટેક્સ લાગવા છતાં કંપનીઓને સ્ટીલની નિકાસ દ્વારા થોડોક ફાયદો તો થતો જ હતો. પરંતુ વૈશ્વિક માર્કેટમાં સ્ટીલના ભાવ ઘટવાથી આ થોડોઘણો ફાયદો પણ છીનવાઈ ગયો. નિકાસમાં તો કંપનીઓને ફાયદો ન થયો, પરંતુ સ્થાનિક માર્કેટમાં પણ નફા પર દબાણ સર્જાયું, કારણ કે, એક્સપોર્ટ પર ટેક્સ લાગ્યા પછી સ્ટીલના ભાવમાં ધરખમ ઘટાડો થઈ ગયો. એપ્રિલ 2022માં જે ભાવ હતા તેની સરખામણી જુલાઈ સાથે કરીએ તો, ભાવમાં 20 ટકાનું ગાબડું પડ્યું છે. આમ સ્ટીલ કંપનીઓ સામે ગ્લોબલ અને લોકલ માર્કેટ એમ બે મોરચે પડકાર ઊભા થયા છે.
ગ્રાહકો રહ્યાં ફાયદાથી વંચિત સ્ટીલ કંપનીઓ તો ફાયદાથી વંચિત રહી ગઈ, પરંતુ ગ્રાહકોને પણ સ્ટીલના ભાવમાં ઘટાડાનો પૂરેપૂરો ફાયદો મળ્યો નથી. ઘરના બાંધકામ માટે વપરાતાં સળિયા અને સ્ટીલના ખર્ચમાં તો ઘટાડો થયો છે, પરંતુ ઘર ખરીદનારા માટે તો ભાવ હજુ પણ ઊંચા જ છે. આવી જ રીતે, ઑટો કંપનીઓ સસ્તું સ્ટીલ ખરીદીને પોતાનો ખર્ચ તો ઘટાડી રહી છે, પરંતુ ગ્રાહકો સ્કૂટર કે કાર ખરીદવા જાય ત્યારે તેણે ઊંચા ભાવ જ ચૂકવવા પડે છે. આમ, ગ્રાહકોને સસ્તા સ્ટીલનો ફાયદો નથી મળી રહ્યો.
એક્સપોર્ટ ટેક્સ દૂર કરવા દબાણ તો કંપનીઓ વૈશ્વિક માર્કેટમાં સ્ટીલના ભાવમાં ઘટાડાનું કારણ આગળ ધરીને સરકાર સમક્ષ એક્સપોર્ટ ટેક્સ દૂર કરવાનું દબાણ ઊભું કરે તેવી શક્યતા છે. એવી પણ ચર્ચા છે કે, કેટલીક કંપનીઓએ તો ટેક્સ દૂર કરવા માટે જૂથબંધી પણ શરૂ કરી દીધી છે. રૂપિયો નબળો પડ્યો છે એટલે આ કંપનીઓ નિકાસ વધારીને ખિસ્સા ભરવા માંગે છે. તો એવી પણ ચર્ચા થઈ રહી છે કે, સરકાર આયર્ન ઓરની નિકાસ પર ટેક્સ વધારવા અંગે વિચારી રહી છે.
ગયા વર્ષે નિકાસ વધી નિકાસ પર કોઈ અંકુશ નહોતો એટલે ગયા વર્ષે ભારતમાંથી થતી સ્ટીલની નિકાસમાં 25 ટકાથી પણ વધુ વૃદ્ધિ નોંધાઈ હતી. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક માર્કેટમાં સ્ટીલનો સપ્લાય ખોરવાઈ ગયો છે ત્યારે ભારતની સ્ટીલ કંપનીઓ માટે વૈશ્વિક માર્કેટમાં પગ જમાવવાની એક સારી તક ઊભી શકે છે.
સરકાર શું કરશે? મોંઘવારી તો પડકારજનક છે જ અને આમ છતાં સરકાર નિકાસ વધારવા માંગે છે અને આથી, કદાચ સરકાર સ્ટીલની નિકાસ પર લાગેલા પ્રતિબંધો દૂર કરીને કંપનીઓને મદદરૂપ થાય તેવી શક્યતા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો