MONEY9 GUJARATI: દેશમાં સાઈબર ફ્રૉડના બનાવો સતત વધી રહ્યા છે. ભણેલા-ગણેલા લોકો પણ તેનો શિકાર બની રહ્યા છે. સાયબર ફ્રૉડના ઘણા પ્રકાર છે અને તેમાંથી એક છે ફિશિંગ એટેક. ભારતમાં લોકોને ઘણા બધા ફિશિંગ ઈમેલ મળી રહ્યા છે અને લોકો આને કારણે તેમની મહેનતની કમાણી ગુમાવી રહ્યા છે.
ક્લાઉડ કોમ્યુનિકેશન્સ કંપની તનલા પ્લેટફોર્મ્સ અનુસાર, દેશમાં લગભગ 30 કરોડ લોકો પર ફિશિંગ એટેકનું જોખમ છે. તેમાંથી સરેરાશ 5 લાખ લોકો છેતરપિંડીનો શિકાર બને છે. ભોગ બનેલા લોકોમાંથી માત્ર 7 ટકા લોકો જ તેમનો રિપોર્ટ ફાઇલ કરે છે.
Phishing એક સાયબર ક્રાઈમ છે જેમાં લોકો સાથે ઈમેઈલ, ટેલિફોન કે પછી ટેક્સ્ટ મેસેજ દ્વારા કૉન્ટેક્ટ કરવામાં આવે છે..સાયબર ઠગ લોકોને કહે છે કે તેઓ કોઈ પ્રતિષ્ઠિત સંસ્થા, એજન્સી અથવા કંપનીના પ્રતિનિધિ છે અને લોકોને છેતરીને તેમની સેન્સેટિવ પર્સનલ ડિટેલ્સ જેવી કે બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડની ડિટેલ્સ અને પાસવર્ડ વગેરે મેળવી લે છે. તમે તેને ઉદાહરણથી સમજી શકો છો. આજકાલ ITR રિફંડ મેળવવાના નામે લોકોને નકલી મેઇલ અને SMS મોકલવામાં આવી રહ્યા છે. આમાં એક લિંક આપવામાં આવે છે. આ મેસેજ અથવા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે આ લિંક ઈન્કમ ટેક્સ વિભાગની છે. તેના પર ક્લિક કરો અને ITR રિફંડ મેળવવા માટે તમારા બેંક એકાઉન્ટની ડિટેલ્સ વેરિફાય કરો..
જ્યારે તમે લિંક પર ક્લિક કરો છો, ત્યારે ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પેજ જેવું જ એક પેજ ખુલે છે. આ પેજ પર તમને ઈનકમ ટેક્સ રિફંડ ક્લેમ કરવા માટે પર્સનલ ડિટેલ્સ નાખવા માટે કહેવામાં આવશે. પર્સનલ ડિટેલ્સ જેવી કે તમારું પૂરું નામ, પાન કાર્ડની ડિટેલ્સ, આધાર નંબર, બેંક એકાઉન્ટની ડિટેલ્સ, એટીએમ કાર્ડ પિન વગેરે.
ડિટેલ્સ દાખલ કર્યા પછી, વેબપેજ તમને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે કહે છે. ઇન્સ્ટોલેશન પછી, એપ ડિવાઈસ એડમિનિસ્ટ્રેશન રાઈટ્સ અને અન્ય બીજા એક્સેસ માટે પરમિશન માગે છે.. હવે તમે જો આ પરમિશન આપી દીધી તો થોડીવારમાં જ તમારું બેંક ખાતું ખાલી થઈ જશે.
આવી બીજી એક રીતે પણ ઠગાઈ કરવામાં આવી રહી છે. ગયા વર્ષની જેમ જ જ્વેલરી કંપની તનિષ્કના નામે લોકોને ફિશિંગ ઈમેલ મોકલવામાં આવ્યા હતા. ઈમેલમાં લોકોને કહેવામાં આવ્યું હતું કે તમને કંપનીની 30મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે 6,000 રૂપિયા જીતવાની તક આપવામાં આવી રહી છે. આ માટે, તેઓએ ફક્ત થોડા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.
આ ફિશિંગ ઈમેલનો હેતુ પણ લોકોની પર્સનલ ડિટેલ્સ ચોરીને લૂંટવાનો હતો. હવે તમે સમજી ગયા છો કે ફિશિંગ શું છે. હવે ચાલો સમજીએ કે ફિશિંગ ઈમેલમાં લોકો કેવી રીતે છેતરાય છે, છેતરપિંડી થવાની પ્રક્રિયા શું છે અને તમારે કેવી રીતે સાવચેત રહેવું જોઈએ?
સૌથી પહેલી વાત… આમાં ઑફર્સ આપવામાં આવે છે, જે Too Good To Be True એટલે કે સપના જેવી છે. એટલે કે મેઈલ આવે છે, મેસેજ આવે છે કે તમે iPhone કે કોઈ લોટરી કે અન્ય કોઈ બમ્પર ઈનામ જીતી લીધું છે. તેનો હેતુ તમારું ધ્યાન ખેંચવાનો છે. અહીં સાવચેત રહો, આવા કોઈ પણ શંકાસ્પદ ઈમેલ પર ક્લિક કરવાની ભૂલ ન કરો. યાદ રાખો કે જો તમને લાગે છે કે આ Too Good To Be True છે, તો તે સાચું હોઈ જ ના શકે..
બીજી વાત એક Sense of Urgency ઉભી કરવામાં આવે છે. આ સાયબર ઠગોની મનપસંદ રણનિતી છે..તેઓ કહેશે કે આ ડીલ અથવા ઓફર માત્ર મર્યાદિત સમય માટે છે. તમારી પાસે જવાબ આપવા માટે માત્ર થોડી મિનિટો છે. આ રેડ ફ્લેગ છે. જો આવું કંઈક છે, તો તેને તરત જ અવગણો. જ્યારે પણ શંકા હોય ત્યારે, તે સંસ્થાની સાઇટ પર સીધા જ જાઓ, ત્યાં તપાસ કરો, જો ત્યાં ચેટબોટ છે, તો ત્યાં વાત કરો અને આ ઑફર વિશે પૂછો. જેમ આપણે તનિષ્ક વિશે વાત કરી હતી, જો તમને આવો ઈમેલ મળે તો તમારે શું કરવું જોઈએ? કાં તો તેને અવગણો, અથવા તનિષ્કની સત્તાવાર સાઇટની મુલાકાત લઈને તેને તપાસો. ભાઈ, 30મી વર્ષગાંઠ છે, તો કમસે કમ સાઈટ પર કંઈક તો લખ્યું હશે ને.
ઈમેલમાં જે વેબસાઈટની લિંક આપવામાં આવે છે તેની સ્પેલિંગમાં કંઈકને કંઈક ગડબડ હશે અથવા તો વેબ એડ્રેસ જુદુ હશે. જેમ કે DDA એટલે કે Delhi Development Authorityની સાઈટ હોવાનો દાવો કરવામાં આવે છે ત્યારે વેબસાઈટ DDAflat.org.in/index.php અથવા www.ddaflat.org.in આ ઉપરાંત www.ddaeauction.in અને www.ddahousingyojana.com જેવી હશે. જ્યારે DDAની રિયલ વેબસાઈટ dda.gov.in છે..
આ ઉપરાંત ઈમેલમાં એટેચમેન્ટ પણ હોય છે. આ એટેચમેન્ટને ક્યારેય ખોલશો નહીં. તેમાં માલવેર અથવા બીજા વાયરસ હોઈ શકે છે. જે તમારી સિસ્ટમમાં ઘૂસીને તમારો ડેટા ચોરી શકે છે. આવા કિસ્સાઓમાં સાવચેતી એ જ શ્રેષ્ઠ રક્ષણ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો