MONEY9: લગભગ ચારેક મહિના સુધી સસ્તો થયેલો સિમેન્ટ પણ, હવે મોંઘો થવા લાગ્યો છે. ઘણા રાજ્યોમાં ઓગસ્ટ પછી 50 કિલો સિમેન્ટની થેલી માટે 10થી 15 રૂપિયા વધારે ચૂકવવા પડે છે. સિમેન્ટ કંપનીઓએ મે મહિનાથી ઓગસ્ટ દરમિયાન ભાવમાં 40થી 60 રૂપિયાનો ઘટાડો કર્યો હતો, પરંતુ હવે સિમેન્ટના ભાવ ફરી વધવાનું શરૂ થઈ ગયું છે.
માંગ વધવાની અપેક્ષા ચોમાસુ વિદાય લઈ રહ્યું છે અને સિમેન્ટની માંગ વધવાની છે ત્યારે, આ માંગનો ફાયદો ઉઠાવીને સિમેન્ટ કંપનીઓએ ભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. સિમેન્ટ ઉદ્યોગના નિષ્ણાતો કહે છે કે, આગામી દિવસોમાં સિમેન્ટના ભાવમાં હજુ પણ વધારો થશે, કારણ કે, સપ્લાય કરતાં માંગનું પલડું ભારે રહેવાની શક્યતા છે.
બ્રોકરેજનો અભિપ્રાય બ્રોકિંગ કંપની નિર્મલ બંગ જણાવે છે કે, આગામી દિવસોમાં સિમેન્ટની પેન્ટ-અપ ડિમાન્ડ વધવાની શક્યતા છે. 2024માં ચૂંટણી છે, એટલે કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ વધારવામાં આવશે. પરિણામે, સિમેન્ટની માંગમાં ઝડપથી વધારો થશે, પરંતુ સપ્લાયમાં આટલી ઝડપથી વધારો નહીં થાય, એટલે કિંમત વધશે. સિમેન્ટની માંગ વધવાની અપેક્ષાને ધ્યાનમાં રાખીને શેરબજારના નિષ્ણાતો પણ સિમેન્ટ શેરમાં પૈસા રોકવાની સલાહ આપી રહ્યાં છે. બ્રોકરેજ કંપની નિર્મલ બંગે અમુક સિમેન્ટ કંપનીઓના શેર ખરીદવાની સલાહ આપી છે અને તેમના ટાર્ગેટ ભાવ પણ વધારી દીધા છે.
ઉત્પાદન ખર્ચમાં ઘટાડો બ્રોકરેજ કંપનીએ માત્ર માંગ વધવાની અપેક્ષાના આધારે સિમેન્ટ શેર ખરીદવાની સલાહ નથી આપી. પરંતુ, સિમેન્ટ કંપનીઓએ ઉત્પાદન ખર્ચ અંકુશમાં રાખવા માટે જે વ્યવસ્થા કરી છે, તેને પણ ગણતરીમાં લઈને સિમેન્ટ સ્ટોક્સમાં રોકાણની ભલામણ કરવામાં આવી છે. જેમકે, કોલસો મોંઘો હોવા છતાં સિમેન્ટ કંપનીઓએ છેલ્લાં કેટલાક દિવસોમાં સિમેન્ટ ઉત્પાદનના ખર્ચમાં ઘટાડો નોંધાવ્યો છે. સિમેન્ટ કંપનીઓએ ઈંધણ માટે મોંઘો કોલસો બાળવાની જગ્યાએ હવે પેટકોકનો ઉપયોગ વધારી દીધો છે, એટલે ઉત્પાદન ખર્ચ નીચો રાખવામાં મદદ મળી રહી છે. સિમેન્ટ કંપનીઓ ગ્રીન એનર્જી અને ઈંધણના અન્ય વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોવાથી ઉત્પાદન ખર્ચ ઘટ્યો છે.
પેટકોકનો ઉપયોગ સિમેન્ટ ઉત્પાદનના કુલ ખર્ચમાં ઈંધણનો હિસ્સો 30થી 35 ટકા હોય છે, એટલે જો ઈંધણ સસ્તું હોય તો કંપનીઓને ખર્ચ પણ નીચો રાખવામાં મદદ મળે છે. તાજેતરમાં જ પેટકોકના ભાવમાં ઘટાડો થયો હોવાથી સિમેન્ટ કંપનીઓએ પેટકોકનો મહત્તમ ઉપયોગ કરીને ખર્ચ અંકુશમાં રાખ્યો છે. સિમેન્ટની માંગ, સપ્લાય અને ખર્ચ જેવા મોરચે તો, કંપનીઓ અને તેમાં રોકાણ કરનારા ઈન્વેસ્ટર્સને ફાયદો થઈ શકે છે, પરંતુ સિમેન્ટનો ઉપયોગ કરનાર ગ્રાહકે પોતાનું ખિસ્સું હળવું કરવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે, માંગ અને સપ્લાયનું ગણિત સિમેન્ટના ભાવમાં મોંઘવારીના સંકેત આપી રહ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો