MONEY9 GUJARATI: આજકાલ દેશભરમાં કુરિયર (courier)ના બહાને આવા કોલ આવી રહ્યા છે. જેમાં ક્યારેક નકલી પાસપોર્ટ તો ક્યારેક ડ્રગ્સના બહાને ડરાવવામાં આવે છે જેથી સામેની વ્યક્તિ ગભરાઈ જાય છે અને પીછો છોડાવવા માટે પેમેન્ટ આપી મામલો થાળે પાડે છે. આ છે કૂરિયર ફ્રૉડ (courier fraud)…
મુંબઈમાં આવા શંકાસ્પદ કુરિયરના નામે એક મહિલા સાથે લગભગ 2 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. રીત એ જ હતી. તમારું કુરિયર એરપોર્ટ પર આવ્યું છે… જ્યારે મહિલાએ જવાબ ન આપ્યો, ત્યારે ઠગોએ પોલીસ બનીને વાત કરી અને કહ્યું કે મામલો નાર્કોટિક્સ વિભાગનો છે, તેથી કોલ નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે.. આવું કરવાથી મહિલા એટલી ડરી ગઈ કે મહિલાએ જે પેમેન્ટ માગવામાં આવ્યું હતું તે કરી દીધું
આ પ્રકારના ફ્રૉડ (fraud) માટે વીડિયો કોલનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે… રિટેલ બ્રોકરેજ ફર્મ ઝેરોધાના કો-ફાઉન્ડર નીતિન કામતે પોતાના ટ્વીટમાં આવા કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે – તેમણે જણાવ્યું કે તેમના કલીગને પહેલા કુરિયર વિશે જણાવવામાં આવ્યું હતું પછી પોલીસકર્મી હોવાનો દાવો કરનાર વ્યક્તિએ વીડિયો કોલ કર્યો અને નકલી ઑફિશિયલ લેટર બતાવ્યો. આ લોકો પાસે આધાર નંબર સુધીની માહિતી પણ હતી.
આ પ્રકારનો કૉલ કોઈને પણ આવી શકે છે. તેનાથી બચવું મુશ્કેલ છે, તો આવો સમજીએ કે તેનો સામનો કેવી રીતે કરવો? કુરિયરમાં ડ્રગ્સ વગેરે મળવાની વાત હોય તો એટલું જ કહો કે તમારો વકીલ આ વિશે વાત કરશે.. મોટા ભાગના છેતરપિંડી કરનારાઓ એવા લોકોનો શિકાર કરે છે જેઓ સરળતાથી ગભરાઈ જાય છે. જી હાં.. આવા ઠગ વકીલની વાત સાંભળીને ડરી જશે. કારણ કે તેને લાગશે કે તમને કાયદાની સારી સમજ છે, તો તે ફોન કાપી શકે છે અથવા દલીલ પણ કરી શકે છે. તમે તેને લેખિતમાં કુરિયરની વિગતો માટે પૂછો અને કુરિયર કંપનીનો નંબર શોધીને સીધો જ કંપનીનો સંપર્ક કરો.. આધાર, બેંક એકાઉન્ટ જેવી અંગત વિગતો ક્યારેય કોઈની સાથે શેર ના કરો.. અને સૌથી અગત્યનું, આ પ્રકારની ઘટનામાં ફરિયાદ સાયબર ક્રાઈમના કંપ્લેઈન નંબર 1930 પર ફાઈલ કરો..અથવા cybercrime.gov.in પર ઓનલાઈન ફરિયાદ કરો. આ સાથે તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને પણ ફરિયાદ કરી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો