Money9 Gujarati:
હૈદરાબાદ સ્થિત કંપની ઓરોબિન્દો ફાર્મા (Aurobindo Pharma)એ માર્ચ ક્વાર્ટરના નબળા પરિણામ જાહેર કર્યાં હોવા છતાં તેના શેરમાં તેજી જોવા મળી છે. કંપનીનો નફો વાર્ષિક ધોરણે 12 ટકા ઘટ્યો છે, છતાં બ્રોકર્સ તરફથી કરવામાં આવેલી પોઝિટિવ ટિપ્પણીને પગલે તેના કાઉન્ટરમાં લેવાલી જોવા મળી છે. ઓરોબિન્દો ફાર્માનો શેર 30-મે, મંગળવારના રોજ સવારના ટ્રેડિંગ દરમિયાન, 7.2 ટકા વધીને રૂ.655ના સ્તરે પહોંચી ગયો હતો અને દિવસના અંતે 6.25 ટકા પ્લસમાં રહીને 649.50 રૂપિયાના લેવલે બંધ રહ્યો હતો.
માર્ચ ક્વાર્ટરના પરિણામ ફાર્મા કંપનીએ નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં માં 506 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે, જે અગાઉ 576 કરોડ રૂપિયા હતો. આમ, વાર્ષિક ધોરણે તેનો નફો 12.2 ટકા ઘટ્યો છે. કંપનીની આવક 5,809 કરોડ રૂપિયાથી 11.4 ટકા વધીને 6,473 કરોડ રૂપિયાએ પહોંચી છે. કંપનીની EBITDA એટલે કે, કાર્યકારી નફો 3 ટકા વધીને 1,003 કરોડ રૂપિયા થઈ છે જ્યારે કાર્યકારી માર્જિન 16.8 ટકા ઘટીને 16 ટકા થઈ ગયા છે.
રોકાણકારોને મળ્યું સારું વળતર ઓરોબિન્દો ફાર્માનો શેર છેલ્લાં 6 મહિનામાં 40 ટકા વધ્યો છે. આ શેરમાં રોકાણ કરનારા ઈન્વેસ્ટર્સને સારું વળતર મળ્યું છે. 2023માં તેણે 50 ટકા વળતર આપ્યું છે. ફેબ્રુઆરીથી તેના શેરમાં તેજીવાળા સક્રિય થઈ ગયા છે અને ત્રણ મહિના પહેલાં 400 રૂપિયાનો શેર 600ને પાર થઈ ગયો છે. 16 મેના રોજ ઓરોબિન્દો ફાર્માનો શેર 647.90ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો અને ગઈકાલે જાહેર થયેલા પરિણામ બાદ, આજે 30 મેના રોજ તેણે ફરી 655ની 52-સપ્તાહની હાઈ બનાવી છે.
એક્સપર્ટનો મત Mantri Finmartના સ્થાપક અરુણ મંત્રીએ Money9 Gujaratiને જણાવ્યું છે કે, ઓરોબિન્દો ફાર્માના રિઝલ્ટ પરથી તેના ફંડામેન્ટલમાં સુધારો થઈ રહ્યો હોવાના સંકેત મળ્યાં છે. કંપનીનો શેર નીચલા સ્તરેથી ઘણો રિકવર થઈ ચૂક્યો છે. ફેબ્રુઆરીમાં તેનો ભાવ 400 રૂપિયાના નીચલા સ્તરે પહોંચ્યો હતો, પરંતુ હવે 600 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. માર્ચ ક્વાર્ટરના રિઝલ્ટને આધારે વર્તમાન ભાવે પણ ઓરોબિન્દો ફાર્માના શેર ખરીદી શકાય એમ છે અને આગામી સમયમાં તેની કિંમત 675 રૂપિયા સુધી જઈ શકે છે.
શેર ખરીદવાની ભલામણ ફોરેન બ્રોકર્સ બેન્ક ઓફ અમેરિકા અને ગોલ્ડમેન સાક્સ તરફથી ઓરોબિન્દો ફાર્માને ‘buy’ રેટિંગ મળ્યું છે. ભારતનાં બ્રોકર્સની વાત કરીએ તો, કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝે ‘add’ રેટિંગ આપ્યું છે જ્યારે નુવામાએ ‘buy’ રેટિંગ આપ્યું છે. બેન્ક ઓફ અમેરિકાએ 725 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે જ્યારે ગોલ્ડમેન સાક્સે 680 રૂપિયાનો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે. કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝે 625નો ટાર્ગેટ પ્રાઈસ રાખ્યો છે. નુવામા તરફથી 720 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપવામાં આવ્યો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી માત્ર સમાચાર પૂરતી મર્યાદિત છે, તેને રોકાણની સલાહ તરીકે ગણતરીમાં લેવી નહીં. આ ખબર લખનાર વ્યક્તિ પાસે તેના શેર નથી. રોકાણ કરવા માટે રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની સલાહ લેવી.)
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો