Money9 Gujarati:
શેરબજારમાં તેજી છે અને રોજેરોજ IPO આવી રહ્યાં હોવાથી ડિમેટ ખાતાની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, પરંતુ નવાઈની વાત એ છે કે, ડિમેટ ખાતુ ખોલાવ્યા બાદ તેમાં સક્રિય રહેનારા લોકોની સંખ્યામાં મોટું ગાબડું પડ્યું છે. દેશમાં લાખો ડિમેટ ખાતા એવા છે જેમાં છેલ્લાં 1 વર્ષથી એક પણ શેર ખરીદવાનો કે વેચવાનો સોદો થયો નથી. ડિમેટ ખાતું ખોલાવીને તેને એક્ટિવ રાખનારાની સંખ્યા સતત ઘટી છે. 75 ટકાથી પણ વધારે ડિમેટ ખાતામાં છેલ્લાં 1 વર્ષથી પણ વધારે સમયથી શેર ખરીદવાનો કે વેચવાનો સોદો પડ્યો નથી. વર્ષમાં ઓછામાં ઓછા એક વાર શેર ખરીદવાનો કે વેચવાનો સોદો થાય તો તેને એક્ટિવ ડિમેટ ખાતું અથવા એક્ટિવ ક્લાયન્ટ કહે છે.
ડિમેટ ખાતું ખોલાવનારા વધ્યા….
એક રિપોર્ટમાં નોંધ્યા પ્રમાણે, 2023ના જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં દેશમાં કુલ ડિમેટ ખાતાની સંખ્યા 12.65 કરોડ સુધી પહોંચી છે. માર્ચ 2023ના અંતે ડિમેટ ખાતાની સંખ્યા 11.43 કરોડ હતી, એટલે કે માર્ચની તુલનાએ ડિમેટ ખાતાની સંખ્યામાં 11 ટકા વધારો થયો છે. ડિમેટ ખાતાના આંકડાની સરખામણી કોરોના વખત અગાઉના સમય સાથે કરીએ તો લગભગ 210 ટકા વૃદ્ધિ થઈ છે. 2020ના માર્ચના અંત સુધીમાં દેશમાં ડિમેટ ખાતાની સંખ્યા માત્ર 4 કરોડ હતી. પરંતુ કોરોના વખતે લોકડાઉન લાગુ થયું ત્યારથી શેરબજારમાં કામ કરનારા લોકોની સંખ્યા વધી હતી અને પરિણામે ડિમેટ ખાતાધારકો વધ્યા હતા.
….. પણ એક્ટિવ ડિમેટ ખાતા ઘટ્યા
જોકે, ડિમેટ ખાતુ ખોલાવવામાં જેટલી વૃદ્ધિ જોવા મળી છે, તેટલી વૃદ્ધિ એક્ટિવ ડિમેટ ખાતામાં જોવા મળી નથી. ગયા વર્ષ સુધી દેશમાં એક્ટિવ ડિમેટ ખાતાની સંખ્યા 3.5 કરોડની આસપાસ હતી, જે ચાલુ વર્ષના માર્ચ સુધીમાં ઘટીને 3.19 કરોડ થઈ ગઈ અને ઓગસ્ટ સુધીમાં તો માત્ર 3.15 કરોડ એક્ટિવ ડિમેટ ખાતા નોંધાયા હતા. એટલે કે, કુલ ડિમેટ ખાતામાં 75 ટકાથી પણ વધારે ખાતા એક્ટિવ નથી અને તેમાં એક વર્ષથી એક પણ સોદો પડ્યો નથી.
મહિલાઓ પણ સક્રિય
શેરબજારમાં કામકાજ કરવા માટે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવનારી મહિલાઓની સંખ્યા પણ વધી રહી છે. શેર ટ્રેડિંગ માટે ઓનલાઈન બ્રોકિંગની સુવિધા આપતી કંપની ઝીરોધાનું કહેવું છે કે, 2018માં તેમની પાસે જેટલા પણ ખાતા ખુલ્યા હતા તેમાં મહિલાઓનો હિસ્સો 18 ટકા હતો, જે હવે વધીને 22 ટકા થયો છે. બ્રોકિંગ કંપની કોટક સિક્યૉરિટીઝ જણાવે છે કે, તેમની પાસે જેટલા પણ ડિમેટ ખાતા છે તેમાં મહિલાઓનો હિસ્સો લગભગ 25 ટકા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો