Money9 Gujarati:
ઘી, બટર પર લાગતો GST ઘટાડવાની વિચારણા ઘી અને બટર સસ્તું થવાની શક્યતા છે. સરકાર ઘી અને બટર પર લાગતો 12 ટકા GST ઘટાડીને 5 ટકા કરવાની ભલામણ કરે તેવી શક્યતા છે. અત્યારે લસ્સી, દહીં, પનીર અને છાશ જેવા પ્રિ-પેકેજ્ડ દૂધ ઉત્પાદનો પર 5 ટકા GST લાગે છે પરંતુ ઘી અને બટર પર 12 ટકા GST લાગે છે. આથી આ બંને આઈટમને પણ સમાન કેટેગરીમાં લાવવાનું સરકાર વિચારી રહી છે. જો ઘી અને બટર પર ટેક્સ ઘટશે તો ખેડૂતોને ફાયદો થશે અને દૂધની કિંમત ઘટશે. એટલું જ નહીં, સરકારને પણ ફાયદો થશે અને કારણ કે દૂધનો ફુગાવો સરકાર માટે માથાનો દુખાવો બન્યો છે. જૂન મહિનામાં દૂધનો રિટેલ ફુગાવો 8.56 ટકાના ઊંચા સ્તરે જળવાઈ રહ્યો હતો. છેલ્લાં દોઢેક વર્ષથી દૂધની કિંમતો સતત વધી છે અને તેમાં કોઈ રાહત મળી નથી. સહકારી ડેરીઓ અને ખેડૂત મંડળીઓ ઘણા સમયથી સરકારને ઘી અને બટર પર લાગતો ઊંચો ટેક્સ નીચે લઈ જવાની માંગણી કરી રહ્યાં છે.
સેન્કો ગોલ્ડે ચાંદી કરાવી, ઉત્કર્ષ માટે પડાપડી કોલકાતા સ્થિત સેન્કો ગોલ્ડનું 36 ટકા ઊંચા ભાવે લિસ્ટિંગ થયું છે. રોકાણકારોને શેર દીઠ 114 રૂપિયાનો ફાયદો થયો છે. સેન્કો ગોલ્ડે IPOમાં 317ના ભાવે શેર આપ્યા હતા, જેની સામે 430ના ભાવે લિસ્ટિંગ થયું છે. શુક્રવારે શેર 404ના ભાવે બંધ રહ્યો હતો. ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેન્કનો IPO ભરવા માટે રોકાણકારોએ પડાપડી કરી છે. અરજી કરવાના છેલ્લા દિવસે ઉત્કર્ષનો IPO 102 ગણો ભરાઈ ગયો હતો જ્યારે રિટેલ કેટેગરીમાં 70 ગણી બિડ મળી હતી. કંપનીએ 23થી 25 રૂપિયાના ભાવે શેર ઑફર કર્યાં છે અને તેનું લિસ્ટિંગ 40થી 45 રૂપિયાની વચ્ચે થવાની ધારણા છે. દિલ્હીની Netweb Technologiesનો 631 કરોડ રૂપિયાનો IPO 17 જુલાઈએ ખુલશે. કંપની 475થી 500 રૂપિયાની રેન્જમાં શેર ઑફર કરશે. તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ છે.
BYD ભારતમાં $1bનું રોકાણ કરવા સક્રિય વિશ્વમાં સૌથી વધુ ઈલેક્ટ્રિક વ્હિકલ્સ બનાવતી કંપની BYDએ ભારતમાં લોકલ કંપની સાથે ભાગીદારી કરવાની તૈયારી દર્શાવી છે. ચાઈનીઝ કંપની BYDએ ભારતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ્સ અને બેટરીનું ઉત્પાદન કરવા માટે 1 અબજ ડૉલરના રોકાણની દરખાસ્ત જમા કરાવી છે. કંપનીએ હૈદરાબાદ સ્થિત મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે ભારતમાં ઈવી જોઈન્ટ વેન્ચર સ્થાપવા માટે દરખાસ્ત જમા કરાવી છે. BYDએ ભારતમાં અત્યાર સુધીમાં 20 કરોડ ડૉલરનું રોકાણ કરેલું છે. અત્યારે તે એટ્ટો-થ્રી ઈલેક્ટ્રિક SUV અને e6 EVનું વેચાણ કરે છે અને હવે લક્ઝરી ઈલેક્ટ્રિક સેડાન લૉન્ચ કરવા માંગે છે. ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું ઈલેક્ટ્રિક વ્હિકલ માર્કેટ છે. અમેરિકાની પ્રીમિયમ ઈવી કંપની ટેલ્સા પણ ભારતમાં આવવા માંગે છે.
જથ્થાબંધ ફુગાવામાં સતત ઘટાડો જથ્થાબંધ ફુગાવો સતત ત્રીજા મહિને ઘટીને માઈનસ 4.12 ટકા નોંધાયો છે. ગયા વર્ષના જૂનમાં જથ્થાબંધ ફુગાવાનો દર 16.23 ટકા હતો. હોલસેલ પ્રાઈસ આધારિત ફુગાવો ઘટવાનું મુખ્ય કારણ છે મિનરલ ઓઈલ, ફૂડ પ્રોડક્ટ્સ, બેઝિક મેટલ્સ, ક્રૂડ પેટ્રોલિયમ, નેચરલ ગેસ અને ટેક્સટાઈલની કિંમતમાં થયેલો ઘટાડો. હોલસેલ ફુગાવો તો ઘટી રહ્યો છે પરંતુ રિટેલ ફુગાવો એટલે કે છૂટક મોંઘવારીનો દર વધી રહ્યો છે. બે દિવસ અગાઉ સરકારે જૂન મહિનામાં રિટેલ ફુગાવો વધીને 4.81 ટકાએ પહોંચ્યો હોવાની જાહેરાત કરી હતી.
મુંબઈમાં ટાટા પાવરનાં 7.5 લાખ વીજ ગ્રાહકોને ફાયદો મુંબઈના સાડા સાત લાખ લોકો માટે ખુશખબર છે કારણ કે, તેમનું વીજળીનું બિલ ઘટી જવાનું છે. એપેલેટ ટ્રિબ્યુનલે ટાટા પાવરને મુંબઈમાં વીજળીના દર ઘટાડવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્ર વીજ નિયમન પંચે ટાટા પાવરના વીજળીના દરમાં જે વધારો માન્ય રાખ્યો હતો, તેના પર એપેલેટ ટ્રિબ્યુનલે સ્ટે મૂકી દીધો છે. ટ્રિબ્યુનલે ટાટા પાવરના વીજળીના દરમાં સાડા દસ ટકાનો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશથી મુંબઈમાં ટાટા પાવરના સાડા સાત લાખ ગ્રાહકોના વીજ બિલમાં મહિને ઓછામાં ઓછા 100 રૂપિયાનો ઘટાડો થશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, વીજળીનાં વર્તમાન રેટ કરતાં નવા રેટ 25થી 35 ટકા ઓછા છે.
ભારતની વેપાર ખાધ ઘટીને $20.13B થઈ ભારતની વેપાર ખાધ જૂનમાં ઘટીને 20.13 અબજ ડૉલર થઈ છે. મે મહિનામાં આ ખાધ 22.12 અબજ ડૉલર હતી. વાણિજ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર, જૂનમાં ભારતની નિકાસ 22 ટકા ઘટીને 32.97 અબજ ડૉલર થઈ હતી જ્યારે આયાત 17.48 ટકા ઘટીને 53.1 અબજ ડૉલર રહી હતી. આમ નિકાસ કરતાં આયાતનું પલડું ભારે છે. વૈશ્વિક સ્તરે માંગ ઘટવાથી ભારતની નિકાસ પર અસર પડી છે. જોકે, ભારતની સર્વિસિસ નિકાસ વધીને 27.12 અબજ ડૉલર થઈ છે, જે મે મહિનામાં 25.30 અબજ ડૉલરની હતી.
SIP A/Cની સરેરાશ ટિકિટ સાઈઝ Rs 2,214 રિટેલ રોકાણકારોના SIP એકાઉન્ટ્સના પોર્ટફોલિયોની એવરેજ સાઈઝ 1.2 લાખ રૂપિયાએ પહોંચી છે. નવેમ્બર 2021 પછીની આ સૌથી વધારે સાઈઝ છે. દેશમાં કુલ 6.7 કરોડ SIP ખાતા છે અને તેમની સરેરાશ ટિકિટ સાઈઝ જૂન મહિનામાં 2,214 રૂપિયા થઈ છે. એટલે કે, SIP દ્વારા દર મહિને લગભગ 2 હજાર રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે. આ આંકડા દર્શાવે છે કે, સ્ટોક માર્કેટમાં SIP દ્વારા રોકાણ કરનારા લોકોની સંખ્યામાં સતત વધારો થયો છે અને લોકોને શેરબજારમાં રોકાણ માટે SIPનો વિકલ્પ પસંદ આવી રહ્યો છે. રિટેલ રોકાણકારોની સક્રિય ભાગીદારીને પગલે શેરબજારમાં તેજી જળવાઈ રહી છે.
પંજાબમાં ડાંગરના પાકને નુકસાન પંજાબનાં મોટા ભાગનાં વિસ્તારોમાં અતિ ભારે વરસાદને કારણે ડાંગરના પાકને પારાવાર નુકસાન પહોંચ્યું છે. લગભગ 2.40 લાખ હેક્ટર વિસ્તારમાં વાવવામાં આવેલો ડાંગરનો પાક નાશ પામ્યો છે. પંજાબના કૃષિ વિભાગનાં વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, 2.40 લાખ હેક્ટર વિસ્તારને નુકસાન પહોંચ્યું છે અને તેમાંથી 83 હજાર હેક્ટરમાં ફરીથી વાવેતર કરવામાં આવશે. ખાસ તો, પટિયાલા, મોહાલી, લુધિયાણા, જલંધર અને ફતેહગઢ સાહિબ જિલ્લામાં મહત્તમ નુકસાન થયું છે. પંજાબમાં 30 લાખ હેક્ટરથી પણ વધારે વિસ્તારમાં ડાંગરનું ઉત્પાદન થાય છે. દેશમાં ચોખાની કિંમત પહેલેથી જ વધી રહી છે અને હવે ખરીફ વાવેતર ઘટવાથી ઉત્પાદન ઘટવાની શક્યતા વધી ગઈ છે. ડાંગરનું ઉત્પાદન કરતાં અન્ય રાજ્યોમાં પણ ઓછું વાવેતર નોંધાયું છે.
Google Pay પરથી UPI-પિન નાખ્યા વગર થઈ શકશે પેમેન્ટ ગગૂલ પે દ્વારા પેમેન્ટ કરવા માટે હવે તમારે પિન નાખવાની જરૂર નહીં પડે. ગૂગલે તેની પેમેન્ટ એપ ગૂગલ પે પર UPI Lite ફીચર શરૂ કર્યું છે. ગૂગલે જણાવ્યું છે કે, UPI Lite દ્વારા ચૂકવણી કરવા માટે એક દિવસમાં 4,000 રૂપિયા સુધી જમા કરવાની સુવિધા મળશે. આ ફીચરને કારણે નાની સાઈઝનાં ડિજિટલ પેમેન્ટમાં સરળતા પડશે. UPI-પિન વગર એક વખત મહત્તમ 200 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થઈ શકશે. જો તમારે ગૂગલ પે પર UPI Lite ફીચર એક્ટિવેટ કરવું હોય તો એપના પ્રોફાઈલ સેક્શનમાં જઈને UPI Lite પર ક્લિક કરો. જો તમારું પ્રાઈમરી બેન્ક એકાઉન્ટ લિન્ક હશે તો સીધા જ UPI Liteમાં પૈસા જમા કરી શકશો. જો તમારું પ્રાઈમરી બેન્ક એકાઉન્ટ આ ફીચરને સપોર્ટ નહીં કરતું હોય તો તમારે UPI Lite એક્ટિવેટ કરવા માટે અન્ય બેન્ક સાથે એકાઉન્ટ લિન્ક કરાવવું પડશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો