Money9 Gujarati:
મુકેશ અંબાણી ભારતનાં રિટેલ બિઝનેસમાં તેમની કંપનીનું પ્રભુત્વ જમાવી રહ્યાં છે. અંબાણીએ તાજેતરમાં ખરીદેલી કંપની મેટ્રો કેશ એન્ડ કેરી (Metro Cash & Carry) સ્ટોરના દરવાજા નાના ખરીદદારો માટે પણ ખોલી દીધા છે. હવે આ સ્ટોર્સ માત્ર બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) ગ્રાહકો પૂરતા મર્યાદિત નથી, પણ તમામ લોકો માટે ખુલ્લા રહેશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. (RIL)ની રિટેલ કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ. (RRVL)એ મેટ્રો કેશ એન્ડ કેરીનો પ્રથમ સ્ટોર પટિયાલામાં ખુલ્લો મૂક્યો છે. રિલાયન્સ હવે વિસ્તરણ કરવા માટે મેટ્રોના કેટલાક સ્ટોર્સને રિટેલ આઉટલેટમાં ફેરવી દેશે અને આગામી થોડાંક મહિનામાં નવા 40 સ્ટોર પણ શરૂ કરશે. અંબાણીની રિટેલ કંપની અત્યારે ‘Reliance Market’ બ્રાન્ડના સ્ટોર્સ હેઠળ 52 B2B આઉટલેટનું સંચાલન કરે છે અને કરિયાણા તેમજ અન્ય સંસ્થાગત ગ્રાહકોને માલનો સપ્લાય આપે છે.
FDIના નિયમનું પાલન કરવાની જરૂર નથી
જર્મનીની કંપની મેટ્રો AGએ વર્ષ 2003માં ભારતમાં બિઝનેસની શરૂઆત કરી હતી અને RRVLએ ડિસેમ્બર 2022માં હોલસેલ ડિસ્ટ્રિબ્યુટર મેટ્રો કેશ એન્ડ કેરીનો 100 ટકા હિસ્સો રૂ.2,850 કરોડમાં ખરીદ્યો હતો. આ સોદા પહેલાં મેટ્રોનો બિઝનેસ માત્ર B2B કસ્ટમર્સ પૂરતો મર્યાદિત હતો. રિલાયન્સના સોદા બાદ આ કંપની ભારતીય માલિકની થઈ જવાથઈ તેણે FDIના નિયમોનું પાલન કરવાની જરૂર નથી.
રિલાયન્સની રણનીતિ
રિલાયન્સના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને મીડિયામાં વહેલા થયેલા રિપોર્ટ્સ અનુસાર, રિલાયન્સ પાસે મેટ્રો સ્ટોર્સ માટે વિસ્તૃત રણનીતિ છે. કંપની જથ્થાબંધ માલ વેચવાની સાથે સાથે નાની માત્રામાં મહત્તમ માલ વેચાતો હોય તેવા પેકેટ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે. મેટ્રોના કારોબારને હવે નવા રૂપરંગ સાથે આગળ વધારવાની દિશામાં કામ કરવામાં આવશે. કંપની હવે મર્ચન્ટ્સ તેમજ નાના દુકાનકારો માટે કરિયાણાની સાથે સાથે ઈલેક્ટ્રોનિક્સ તેમજ એપેરલ જેવી કેટેગરીમાં પણ B2B સપ્લાય ચેનલમાં વિસ્તરણ કરશે.
રિલાયન્સનો વ્યાપ વધશે
મેટ્રો ઈન્ડિયાએ ભારતમાં 2003માં પોતાનું ઓપરેશન્સ શરૂ કર્યું હતું અને તે ભારતમાં પહેલીવાર કેશ એન્ડ કેરી બિઝનેસ ફોર્મેટ લઈને આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ મલ્ટિ-ચેનલ B2B કેશ એન્ડ કેરી હોલસેલ કંપનીની પહોંચ દેશનાં 30 લાખ ગ્રાહકો સુધી છે અને તેમાંથી 10 લાખ ગ્રાહકો તો તેના રોજિંદા ગ્રાહક છે. આથી, મેટ્રોનો બિઝનેસ ખરીદવાથી રિલાયન્સને મોટા શહેરોમાં મોકાના સ્થળે મેટ્રો ઈન્ડિયાના સ્ટોર્સનું એક વિશાળ નેટવર્ક મળી ગયું છે, જેના દ્વારા રિલાયન્સ રિટેલને બજારમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવાની તક મળશે. એટલું જ નહીં, રિલાયન્સને અસંખ્ય કરિયાણાની દુકાનો તેમજ સંસ્થાગત ગ્રાહકોનું એક વિશાળ અને મજબૂત સપ્લાયર નેટવર્ક પણ મળી જશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો