MONEY9 GUJARATI: કાર્તિકે મૃદલને મોકલેલા આ પૈસા ગયા. કારણકે તેણે આ પૈસા મૃદુલને નહીં પરંતુ મૃદુલના AI અવતારને મોકલવ્યા હતા. AI હવે લોકોની નોકરીની સાથે સાથે લોકોના પૈસા પણ હજમ કરી રહ્યું છે. સાયબર ગઠીયાઓ AIનો ઉપયોગ કરીને તમને લૂંટી રહ્યા છે. તેઓ તમારા અવાજ અને ચહેરાની નકલ કરી રહ્યા છે. તેઓ AI આધારિત Deepfake Technologyનો ઉપયોગ કરીને તમને, તમારા મિત્રો અને તમારા પરિચિતોને તમારા નામે છેતરી રહ્યા છે. આ AI CHATBOTને FraudGPT અથવા WormGPT નામ આપવામાં આવ્યું છે.
કાર્તિક એક માત્ર એવો વ્યક્તિ નથી કે જે AI FRAUDનો ભોગ બન્યો હોય. McAfee Corpના એક સરવે મુજબ 18 વર્ષથી વધુ ઉંમરના 47 ટકા એટલે કે લગભગ અડધા ભારતીયોને આવા AI આધારિત વોઇસ કોલ આવ્યા છે. અથવા તેઓ એવા લોકોને જાણે છે કે જેઓ આવી છેતરપીંડીનો ભોગ બન્યા છે. આ આંકડો 25 ટકાની વૈશ્વિક સરેરાશ કરતાં લગભગ બમણો છે.
સરવેમાં ભાગ લીધેલા લગભગ 83 ટકા ભારતીયોએ જણાવ્યું હતું કે, તેમણે આ ફ્રોડમાં પૈસા ગુમાવ્યા છે. આમાંથી 48 ટકા લોકોએ 50 હજારથી વધુ રૂપિયા ગુમાવ્યા છે. આનાથી પણ વધુ ચોંકાવનારી હકીકત તે છે કે 69 ટકા ભારતીયો ઓળખી જ ન શક્યા હતા કે તેઓ જે અવાજ સાંભળી રહ્યા છે તે સાચી વ્યક્તિનો છે કે AIથી બનાવેલો અવાજ છે. આનાથી પણ વધુ ખતરનાક વાત તે છે કે તમને હજારો, લાખો રૂપિયાનો ચુનો લગાડતો આ ઓડિયો તૈયાર કરવામાં સાયબર ગઠિયાઓને માત્ર ત્રણ સેકન્ડનો સમય લાગે છે.
FraudGPT કેવી રીતે કામ કરે છે?
FraudGPT એક AI Chatbot છે. તે રિયાલિસ્ટિક કે રિલય જેવી લાગતી ટેક્સ્ટ બનાવવા માટે જનરેટિવ મોડેલ્સની ક્ષમતાનો ઉપયોગ કરે છે. ડાર્ક વેબ પર Language generative model programs તૈયાર કરવામાં આવ્યા છે. તેઓ તમારી વાતચીત, ઇમેઇલ કમ્યુનિકેશન્સને કોપી કરી શકે છે અને તમારી સ્ટાઇલમાં તેને પ્રોડ્યુસ કરી શકે છે. ફિશિંગ મેઇલ્સ, મેસેજ મોકલવા અને સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ કોપી કરવા માટે આવા ટૂલ્સ તમારા મોબાઇલ, કમ્પ્યુટર પર મોકલાઇ રહ્યા છે. આ ટૂલ્સ તમારા વીડિયો અને ઓડિયોને કોપી કરીને તમારો અવાજ અને ચહેરો ક્લોન કરી શકે છે.
FraudGPT બીજું શું કરી શકે છે?
FraudGPT એક વિનાશક માલવેર છે. તમને લાગે છે કે તમારા કોઇ પરિચિતે તમને મેઇલ મોકલ્યો છે. માટે તમે તે મેઇલ ઓપન કરો છો. આવી રીતે માલવેર તમારા કમ્પ્યુટરમાં પહોંચે છે અને હેકરને ડેટા મોકલવાનું શરૂ કરે છે. માટે તમારે કોઇ પણ મેઇલ ઓપન કરતા પહેલાં તેને વેરિફાય કરવો જોઇએ.
FraudGPT chatbots સરળતાથી વેચાઇ રહ્યા છે
એક CID ઓફિસર દ્વારા જારી કરવામાં આવેલા એક અહેવાલ મુજબ FraudGPT chatbot access ટેલિગ્રામ ચેનલો પર ચણા મમરાની માફક વેચાઇ રહી છે. આ ચેટબોટ માસિક 200થી 1,700 ડોલરના સબસ્ક્રિપ્શન પર ઉપલબ્ધ છે. તેનો અર્થ તે થયો કે સાયબર ગઠીયાઓ માત્ર કેટલાક લાખ રૂપિયા ખર્ચીને લોકોને કરોડો રૂપિયાનો ચુનો ચોપડવાની ક્ષમતા હાંસલ કરી શકે છે.
તમે ક્યાં ફરિયાદ નોંધાવી શકો છો? જો તમે પણ હેકિંગ, ફિશિંગ મેઇલ કે ડીપફેક વીડિયો કોલ મારફતે આવી કોઇ છેતરપીંડીનો ભોગ બન્યા છો તો તમારે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરવો જોઇએ અને તમારે તમારી સાથે બનેલા બનાવી જાણ કરવી જોઇએ. તમારે તમને ક્યા નંબર પરથી ફોન આવ્યો, તમારી સાથે કોના ચહેરાના ક્લોને વાત કરી, તમે ક્યા બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા, ક્યા એકાઉન્ટમાંથી તમારા પૈસા કપાયા વગેરે માહિતી સાયબર ક્રાઇમ હેલ્પલાઇનને આપવી જોઇએ. તમારા પૈસા જે ખાતામાં જમા થયા છે તે ખાતાને 48 કલાક માટે ફ્રીઝ કરી શકાય છે જો તમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની FIR નોંધાવો છો તો. તમે cybercrime.gov.in પર પણ ફરિયાદ કરી શકો છો.
AI આધારિત છેતરપીંડીથી બચવું હોય તો કેટલીક તકેદારીઓ રાખો. વોટ્સ એપ કે ટેલિગ્રામ પરથી કોઇ પણ અજાણ્યા નંબર પરથી ફોન આવે તો ક્યારેય ઉપાડો નહીં. તેમાં પણ વીડિયો કોલ તો ક્યારેય નહીં. ચલો, તમે ફોન કોલ ઉપાડી પણ લીધો તો સામે એવા સવાલ કરો કે જેનો જવાબ તમને જ ખબર હોય. આટલું ધ્યાન રાખશો તો તમે છેતરપીંડીથી બચી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો