Money9 Gujarati:
Reliance Tata Deal: મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ટેલિવિઝન વિતરણ ક્ષેત્રમાં તેની હાજરીને મજબૂત કરવા માંગે છે. કંપની તેના OTT પ્લેટફોર્મ, JioCinemaની પહોંચ વિસ્તારવાનું આયોજન કરી રહી છે. આવી સ્થિતિમાં RIL ટાટા પ્લેમાં લગભગ 30 ટકા હિસ્સો ખરીદી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રિલાયન્સ આ હિસ્સો વોલ્ટ ડિઝની પાસેથી ખરીદશે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ જો રિલાયન્સ અને ટાટા પ્લે વચ્ચેની વાતચીત સફળ સાબિત થાય છે, તો ટાટા જૂથ અને અંબાણી વચ્ચેની આ પ્રથમ ડીલ હશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વોલ્ટ ડિઝની પાસેથી સબસ્ક્રિપ્શન આધારિત સેટેલાઇટ ટીવી અને વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ પ્રોવાઈડર ટાટા પ્લેમાં 29.8 ટકા હિસ્સો મેળવી શકે છે. ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ હાલમાં ટાટા પ્લેમાં 50.2 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે બાકીનો હિસ્સો સિંગાપોર સ્થિત ફંડ ટેમાસેક પાસે છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં, એવા અહેવાલ હતા કે સિંગાપોર સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ટેમાસેક ટાટા પ્લેમાં તેનો 20% હિસ્સો ભારતીય જૂથને વેચી શકે છે. આ માટે ટાટા ગ્રુપ સાથે વાતચીત ચાલી રહી છે.
ડિઝનીએ શરૂઆતમાં ટાટા પ્લેના IPO દરમિયાન તેના શેર વેચવાની યોજના બનાવી હતી, પરંતુ જ્યારે લિસ્ટિંગ મુલતવી રાખવામાં આવ્યું ત્યારે અન્ય એક્ઝિટ વ્યૂહરચના પર વિચાર કર્યો હતો. નિષ્ણાતો માને છે કે આ ડી રિલાયન્સ માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ હેથવે અને ડેન દ્વારા MSO (મલ્ટીપલ-સિસ્ટમ ઓપરેટર) પર પહેલેથી જ હાજર છે, પરંતુ તેમની DTHમાં હાજરી નથી, પરંતુ હિસ્સો મેળવવાથી RILનું વિસ્તરણ થશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેન્કર્સ હાલમાં ટાટા પ્લેમાં ડિઝનીના હિસ્સાના મૂલ્યનું મૂલ્યાંકન કરી રહ્યા છે. બજારમાં તેની હાજરી હોવા છતાં, સેટેલાઇટ ટેલિવિઝન બ્રોડકાસ્ટર ટાટા પ્લે નેટફ્લિક્સ, હોટસ્ટાર, જિયોસિનેમા અને એમેઝોન પ્રાઇમ જેવા સ્પર્ધાત્મક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ તરફથી પડકારોનો સામનો કરે છે. 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં, ટાટા પ્લેએ રૂ. 4,499 કરોડની આવક પર રૂ. 105 કરોડની ખોટ નોંધાવી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો