Money9: ઘરનું ઘર એ દરેકનું સપનું હોય છે. પરંતુ ટેક્સના બોજથી તમારુ ઘરનું સપનું ચકનાચુર થઇ જાય છે. ભારતમાં સામાન્ય રીતે લોકો લાંબાગાળાની લોન લઇને ઘર ખરીદતા હોય છે. ફ્લેટ ખરીદો કે મકાન, કે પછી જમીન..ડગલે ને પગલે તમારે ટેક્સ ભરવાનો થાય છે.
ઘર ખરીદવા પર કેટલો ટેક્સ લાગે?
સૌથી પહેલા ઘર ખરીદવા કે બનાવવા પર લાગતા ટેક્સ વિશે જાણી લઇએ. અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ કે એપાર્ટમેનટ્ પર, જો તે એફોર્ડેબલ હાઉસિંગ કેટેગરીમાં આવે છે તો તેના પર એક ટકા GST લાગે છે જ્યારે નોન-એફોર્ડેબલ હાઉસિંગ પર 5 ટકા GST લાગે છે. જોકે, રેડી પ્રોજેક્ટ પર GST લાગતો નથી. મેટ્રો શહેરમાં અફોર્ડેબલ હાઉસિંગમાં એવા ઘર આવે છે જેની કિંમત 45 લાખ રૂપિયા સુધીની અને કાર્પેટ એરિયા 60 ચોરસ મીટર સુધીનો હોય…
બિલ્ડિંગ મટિરિયલ પર પણ ભારે GST લાગે છે. અલગ-અલગ આઇટમ પર આ દર 5 થી લઇને 28 ટકા સુધી જાય છે. એટલે ફ્લેટ લો, કે જાતે ઘર બનાવો, બન્ને સ્થિતિમાં ટેક્સ તમારા ખિસ્સામાંથી જ જશે.
પ્રોપર્ટી ખરીદદો ત્યારે જે-તે રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી ચુકવવી પડે છે. અલગ-અલગ રાજ્યોમાં આ દરો અલગ-અલગ છે. ઉદાહરણ તરીકે, દિલ્હીમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશન વખતે પુરુષોને ખરીદકિંમત કે જંત્રી દર બન્નેમાં જે વધુ છે તેના 6 ટકા સ્ટેમ્પ ડ્યુટી ચુકવવી પડે છે. મહિલાઓ માટે આ દર 4 ટકા છે. તો જંત્રી દર કે પ્રોપર્ટીની કિંમતના એક ટકા રજિસ્ટ્રેશન ફી લાગે છે. આ ઉપરાંત, ટ્રાન્સફર ડ્યુટી પણ લાગે છે, જે દિલ્હી મહાનગર પાલિકા વસુલ કરે છે.
ઘર પર જીએસટી
સરકારી તિજોરીમાં કેટલા પૈસા આવે છે તેને આ આંકડાથી સમજીએ. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઇટ ફ્રેંકનો રિપોર્ટ દર્શાવે છે કે વર્ષ 2022માં મુંબઇમાં 1 લાખ 21 હજારથી વધુ રેસિડેન્શિયલ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન થયું. જેનાથી મહારાષ્ટ્ર સરકારની તિજોરીમાં સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી તરીકે 8 હજાર 887 કરોડ રૂપિયા આવ્યા. તો 50 લાખ રૂપિયાથી ઉપરની પ્રોપર્ટી ખરીદવા પર કુલ કિંમતના 1 ટકા રકમ TDS સ્વરુપે આવકવેરામાં જમા કરાવવાની હોય છે. જો તમે હોમ લોન લો છો તો પ્રોસિસિંગ ફી, ટેક્નિકલ ફી, લીગલ ફી પર બેંક GST વસૂલે છે…
ઘર ખરીદ્યા બાદ તેમાં રહેવા પર પણ ટેક્સ ચૂકવવો પડે છે. સ્થાનિક નગરપાલિકાઓને હાઉસ ટેક્સ કે પ્રોપર્ટી ટેક્સ ચૂકવવાનો હોય છે. તેનો ઉપયોગ રોડ રસ્તાનો વપરાશ, સુએઝ સિસ્ટમ, પાર્ક, સ્ટ્રીટ લાઇટ જેવી કોમન યૂઝની સુવિધાઓના નિર્માણ અને સમારકામ માટે કરવામાં આવે છે. જમીનના કેસમાં હાઉસ ટેક્સ નથી લાગતો. આ ઉપરાંત વોટર ટેક્સ પણ ભરવો પડે છે.
જો તમે હાઉસિંગ સોસાયટીમાં રહેતા હોવ અને મેન્ટેનન્સ ચાર્જ તરીકે દર મહિને 7,500 રૂપિયાથી વધુ રકમ ભરો છો તો મેન્ટેનન્સ ચાર્જ પર 18 ટકા GST લાગશે…
ઘરના વેચાણ પર કેપિટલ ગેઇન ટેક્સ
ઘર વેચવા પર પણ ટેક્સથી મુક્તિ નથી મળતી. ઘર વેચવા પર કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. જો મકાન 2 વર્ષ કે તેથી વધુ સમય પોતાની પાસે રાખીને ત્યાર બાદ વેચવામાં આવે તો નફાને લોંગ ટર્મ કેપિટલ ગેઇન માનવામાં આવશે. નફા પર ઇન્ડેક્સેશન બેનિફિટ બાદ 20 ટકા ટેક્સ લાગશે. તો 24 મહિના પહેલા મકાન વેચ્યું હશે તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણાશે. આ ગેઇન વ્યક્તિની ઇનકમમાં ઉમેરાશે અને ટેક્સ સ્લેબના હિસાબે ટેક્સ ચુકવવો પડશે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ત્યારે જ માફ થઇ શકે જ્યારે વેચાણના બે વર્ષની અંદર તમે બીજું ઘર ખરીદો. નિર્માણની સ્થિતિમાં ઘર 3 વર્ષની અંદર બની જવું જોઇએ.
હવે તમે સમજી ગયા હશો કે ટેક્સનું ચક્ર ઘર ખરીદવાથી લઇને તેમાં રહેવા અને તેને વેચવા સુધી ચાલ્યા કરે છે. ટેક્સ બચાવવા માટે પણ બીજુ ઘર ખરીદવું પડશે કે બધા ટેક્સ ફરીથી ભરવા પડશે. તમારા ડ્રીમ હોમ પર સરકાર દરેક તબક્કે ટેક્સ વસૂલ કરી રહી છે. એક બીજી વાત..કોઇપણ પ્રોપર્ટી જેમ-જેમ જુની થતી જાય છે તેમ તેમ તેની કિંમત પણ ઘટતી જાય છે. સ્વાભાવિક છે કે નવા મકાનની સરખામણીમાં બિલકુલ તેવા જ જુના મકાનની કોસ્ટ ઓછી હશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો