Money9 Gujarati:
નાણાકીય વર્ષ 2023-24માં 10 જાન્યુઆરી સુધીમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 19.41 ટકા વધારો નોંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 14.70 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે. સરકારે સંપૂર્ણ વર્ષ માટે નક્કી કરેલા ટાર્ગેટનું લગભગ 81 ટકા ટેક્સ કલેક્શન થઈ ગયું છે, એવી માહિતી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 11 જાન્યુઆરીએ આપી છે. ભારતમાં ઈનકમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ અને કેપિટલ ગેન ટેક્સને ડાયરેક્ટ ટેક્સ ગણવામાં આવે છે. ડાયરેક્ટ ટેક્સ પેટે સરકારને જે રકમ મળે તેમાંથી રિફન્ડ ચૂકવ્યા બાદ થતી આવકને નેટ ડાયરેક્ટ ટેક્સ આવક કહે છે.
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે, ડાયરેક્ટ ટેક્સ પેટે 18.23 લાખ કરોડ રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો હતો. વર્ષ પૂરું થવા આડે હજુ 2.5 મહિના બાકી છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે જે ટાર્ગેટ નક્કી કર્યો છે, તે અગાઉના નાણાકીય વર્ષ કરતાં 9.75 ટકા વધારે છે. ગયા નાણાકીય વર્ષમાં 16.61 લાખ કરોડ રૂપિયાનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન થયું હતું.
રિફન્ડ અંગે સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ જણાવ્યું છે કે, રિફન્ડ ચૂકવ્યા બાદ નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 14.70 લાખ કરોડ રૂપિયા થયું છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં વસૂલવામાં આવેલા ડાયરેક્ટ ટેક્સ કલેક્શનની સરખામણીએ આ 19.41 ટકા વધારે છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, 1 એપ્રિલ 2023થી 10 જાન્યુઆરી 2024ની વચ્ચે 2.48 લાખ કરોડ રૂપિયા કરદાતાને ચૂકવવામાં આવ્યા છે.
ગ્રોસ કોર્પોરેટ ઈનકમ ટેક્સમાં 8.32 ટકા અને પર્સનલ ઈનકમ ટેક્સમાં 26.11 ટકા વૃદ્ધિ થઈ છે. રિફન્ડ બાદ કોર્પોરેટ ઈનકમ ટેક્સમાં નેટ ગ્રોથ 12.37 ટકા અને પર્સનલ ઈનકમ ટેક્સમાં 27.26 ટકા ગ્રોથ થયો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો