Money9 Gujarati:
ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની તારીખ નજીકમાં છે. જો તમે હજુ સુધી IT રિટર્ન ફાઈલ ના કર્યું હોય તો તાત્કાલિક કરી દેજો. નાણાકીય વર્ષ 2022-23નું રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે અને ત્યારબાદ રિટર્ન ફાઈલ કરશો તો દંડ ભરવો પડશે. ધારો કે, તમારી આવક કરપાત્ર ના હોય તોપણ તમારે રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે. રિટર્ન ફાઈલ કરતી વખતે તમારે તમામ પ્રકારની આવકની અને આવકના સ્રોતની માહિતી આપવી જરૂરી છે. જો તમે કોઈ પણ પ્રકારની ભૂલ કરશો તો ઈનકમ ટેક્સ વિભાગ તમને નોટિસ મોકલી શકે છે અને તમારી પાસે જવાબ માંગી શકે છે. ITR ફાઈલ કરવામાં નીચે જણાવેલી પાંચ બાબતોની માહિતી આપવી અનિવાર્ય છે, નહીંતર 10 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવાનો વારો આવી શકે છે.
રોકાણ પર મળેલું વળતર ઈનકમ ટેક્સ રિટર્ન ભરતી વખતે એવી તમામ વિગતોની માહિતી આપો જેમાંથી તમને કમાણી થતી હોય. તમે જ્યાં પણ રોકાણ કર્યું હોય અને ત્યાંથી વળતર મળ્યું હોય તેની વિગતો રિટર્નમાં દર્શાવવી જરૂરી છે. જેમકે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં મળતું વ્યાજ ટેક્સ-ફ્રી હોય છે, પરંતુ આઈટીઆર ફૉર્મમાં તેની વિગત આપવી જરૂરી છે.
બાળકોના ખાતાની માહિતી જો તમે બાળકના નામે બેન્કમાં ખાતુ ખોલાવ્યું હોય અથવા રોકાણ કર્યું હોય તો તેની જાણકારી પણ આઈટીઆરમાં અવશ્ય ભરો. સગીરના નામે ખાતુ ખોલાવો તો વાલી તરીકે માતા-પિતાને સામેલ કરવામાં આવે છે. આથી, જો બાળકના નામે કોઈ રોકાણ કર્યું હશે અને તેમાં વ્યાજ કે અન્ય આવક થશે તો તે તમારા ખાતામાં ગણવામાં આવશે. આથી, તમારે ઈનકમ ટેક્સ રિટર્ન ભરતી વખતે તેની માહિતી આપવી પડશે. પોતાના સગીર બાળકની 1,500 રૂપિયા સુધીની આવક પર તમે ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકો છો. section 64(1A) મુજબ, સગીરને થતી વાર્ષિક રૂ.1,500થી વધુની આવક માતા-પિતાની આવકમાં સામેલ કરવામાં આવે છે. જોકે, તમે પ્રતિ વર્ષ પ્રતિ બાળક રૂ.1,500 સુધીની આવક પર ટેક્સમાં છૂટ લઈ શકો છો અને આ લાભ મહત્તમ બે બાળક માટે મળે છે.
બચત બેન્ક ખાતામાં મળતું વળતર કરદાતાએ બચત બેન્ક ખાતામાંથી થતી વ્યાજની આવક પણ પોતાના ITR ફૉર્મમાં બતાવવી જરૂરી છે. રિટર્ન આ આવક દર્શાવ્યા બાદ તમે સેક્શન 80TTA હેઠળ વાર્ષિક 10,000 રૂપિયા સુધીની વ્યાજની આવક પર ડિડક્શન માંગી શકો છો.
વિદેશમાં કરેલા રોકાણની માહિતી જો તમે વિદેશમાં રોકાણ કરો છો, તો તેની માહિતી આપવી જરૂરી છે. ધારો કે તમે ફોરેનના સ્ટોક્સમાં ડાયરેક્ટ રોકાણ કર્યું હોય અથવા ફોરેનના ફંડ્સમાં રોકાણ કર્યું હોય અથવા ફોરેનમાં પ્રોપર્ટી ખરીદી હોય તો તેની માહિતી ઈનકમ ટેક્સ રિટર્નમાં દર્શાવવી જરૂરી છે. ફોરેનમાં તમારા હોલ્ડિંગ્સ પર જે કમાણી થતી હોય તેની વિગતો દર્શાવવી પણ જરૂરી છે. આવક વેરા વિભાગે આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, વિદેશમાં કરેલા રોકાણ અથવા ત્યાંથી થતી આવકને છુપાવવું એક બ્લેક મની ગણવામાં આવશે. જો તેની વિગતો નહીં આપો તો 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
વ્યાજથી થતી આવક બેન્ક FD અને બૉન્ડમાં કરેલા રોકાણ પર થતી વ્યાજની કમાણીને Accrued interest એટલે કે ચઢતું વ્યાજ કહે છે. વિગતવાર સમજીએ, તમે બેન્કમાં એફડી કરો છો તે પાકે ત્યારે તમને ફિક્સ્ડ વ્યાજ મળે છે. જો તમને બેન્કમાં મૂકેલી એફડી પર વર્ષે 40 હજાર રૂપિયાથી વધારે વ્યાજ મળે તો બેન્ક તેના પર 10 ટકા ટીડીએસ કાપી લેશે. ટીડીએસની વિગતો ફૉર્મ 26ASમાં હોય છે, એટલે જો તમે આઈટીઆરમાં તેની વિગતો નહીં આપો તો ટેક્સ વિભાગને મિસમેચ દેખાઈ જશે અને તમને નોટિસ પાઠવવામાં આવશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો