Money9 Gujarati:
સરકારે નાણાકીય વર્ષ 2023-24માં એપ્રિલથી ઓક્ટોબર 2023 દરમિયાન 1.51 લાખ કરોડ રૂપિયા (17.99 અબજ ડૉલર)ની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ચોરી શોધી કાઢી છે. નાણા મંત્રાલયના ઓક્ટોબર 2023 સુધીના આંકડા પ્રમાણે, સરકારે 185.4 અબજ રૂપિયાના ટેક્સની વસૂલાત કરી છે.
નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ ધારાસભ્યોને જણાવ્યું હતું કે ઔદ્યોગિક રાજ્ય મહારાષ્ટ્રમાં સૌથી વધુ 844 અબજ રૂપિયાની કરચોરી મળી આવી હતી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022-23માં, કર સત્તાવાળાઓએ 1.32 ટ્રિલિયન રૂપિયાની કરચોરી શોધી કાઢી હતી અને 332.3 અબજ રૂપિયાની વસૂલાત કરી હતી.
ચૌધરીએ જણાવ્યું હતું કે, કર સત્તાવાળાઓએ નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24માં 1.12 ટ્રિલિયન રૂપિયાનો GST ન ચૂકવવા બદલ ઑનલાઇન ગેમિંગ કંપનીઓને 71 નોટિસ મોકલી છે. ઓગસ્ટમાં, ભારતે ઓનલાઈન ગેમ રમવા માટે જમા કરાયેલા કુલ ફંડ પર ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પાસેથી 28 ટકા ટેક્સ વસૂલવાનું નક્કી કર્યું, જેના કારણે મોબાઈલ પ્રીમિયર લીગ (MPL) જેવી કેટલીક કંપનીઓએ કર્મચારીઓની છટણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2023માં સરકારને થતી GSTની આવક 15 ટકા વધીને 1.68 લાખ કરોડ થઈ છે. જોકે, ઓક્ટોબરમાં 1.72 લાખ કરોડ રૂપિયાના GST કલેક્શનની તુલનાએ નવેમ્બરમાં 2 ટકા ઓછું GST કલેક્શન નોંધાયું છે. નવેમ્બરમાં સતત નવમા મહિને માસિક GST કલેક્શન 1.5 લાખ કરોડ રૂપિયાથી વધારે નોંધાયું છે. નવેમ્બરમાં કુલ GST કલેક્શન ઑક્ટોબરની સરખામણીમાં નજીવું ઓછું હતું, પરંતુ વાર્ષિક ધોરણે 15 ટકા વધારે હતું. 2023-24ના એક પણ મહિનામાં GST આવકમાં આટલો ઊંચો વૃદ્ધિદર હાંસલ થયો નથી. નવેમ્બરમાં GST કલેક્શનમાં વાર્ષિક વધારો છેલ્લાં 11 મહિનાનો સૌથી વધુ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો