Money9: ધ કેરાલા સ્ટોરીને ટેક્સ કેટલાક રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. અગાઉ કાશ્મીર ફાઇલ્સ પણ ઘણાં રાજ્યોમાં કરમુક્ત થઇ હતી. હવે તમને થતું હશે કે કોઇ ફિલ્મ ટેક્સ ફ્રી થઇ જાય એટલે ટિકિટ એકદમ સસ્તી થઇ જતી હશે અને તમે થિયેટરમાં ઓછા ભાવમાં મૂવી જોવાનો લ્હાવો લૂંટી શકો છો. પરંતુ એવું બિલકુલ નથી. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે કોઇ ફિલ્મ ટેક્સ ફ્રી થવા છતાં તેની ટિકિટ પ્રાઇસમાં ખાસ ફરક નથી પડતો.
આટલી સસ્તી પડે ટિકિટ
ડિસેમ્બર 2018માં ફિલ્મ માટે GSTના બે સ્લેબ લાગુ કરવામાં આવ્યા. જે અનુસાર 100 રૂપિયાથી ઉપરની ટિકિટ પર 18 ટકા જીએસટી લાગે છે અને 100 રૂપિયાથી નીચેની ટિકિટ પર જીએસટીનો દર 12 ટકા છે. આ દર કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વહેંચાયેલો છે. જેને સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટી કહેવામાં આવે છે. હવે જ્યારે કોઇ રાજ્ય કોઇ ફિલ્મને ટેક્સ ફ્રી કરે છે ત્યારે તે 9 ટકા અથવા 6 ટકા સસ્તી થાય છે. હવે આજની તારીખે મોટાભાગના મલ્ટીપ્લેક્સિસમાં ટિકિટના દર 100 રૂપિયાથી ઉપર જ હોય છે ત્યારે ટિકિટ 9 ટકા સસ્તી થશે. હવે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ.
માની લો કે ટિકિટ પ્રાઇસ 200 રૂપિયા છે જેની પર સીજીએસટી 18 રૂપિયા અને એસજીએસટી 18 રૂપિયા છે. એટલે ટિકિટની ટેક્સ સાથેની કુલ કિંમત થઇ 236 રૂપિયા. હવે જો કોઇ રાજ્ય ફિલ્મને ટેક્સ ફ્રી કરે તો શું થાય. આવો આની ગણતરી કરીએ. માની લો કે ટિકિટની બેઝ પ્રાઇસ છે 200 રૂપિયા. તેની પર સેન્ટ્રલ જીએસટી 18 રૂપિયા લાગશે. પરંતુ સ્ટેટ જીએસટી શૂન્ય થઇ જશે કારણ કે તે ટેક્સ ફ્રી છે. તો સેન્ટ્રલ જીએસટી સાથે ટિકિટની કુલ કિંમત થઇ 218 રૂપિયા. એટલે કે ટેક્સ ફ્રી થયેલી ફિલ્મની ટિકિટ ફક્ત 18 રૂપિયા સસ્તી થઇ. આટલામાં તો મલ્ટીપ્લેક્સમાં પાણીની બોટલ પણ નથી મળતી. તેનો ભાવ પણ આનાથી વધારે હોય છે.
2019થી ટેક્સ ફ્રી થયેલી ફિલ્મો
જો 2019થી ટેક્સ ફ્રી થયેલી ફિલ્મો પર નજર કરીએ તો 2019માં છપાક ફિલ્મને મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. ઉપરાંત સુપર 30 ફિલ્મને ગુજરાત, બિહાર, યુપી, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણાં ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. 2020માં તાન્હાજીને ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં ટેક્સ ફ્રી કરવામાં આવી. 2021માં દિલ્હીમાં 83 અને ફૌજી કોલિંગને ટેક્સ ફ્રી કરવામાં આવી. વર્ષ 2022માં એટલે કે ગયા વર્ષે કાશ્મીર ફાઇલ્સ યુપી, ગોવા, એમપી, ત્રિપુરા, ગુજરાત, ઉત્તરાખંડ, બિહાર, હરિયાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, રાજસ્થાનમાં ટેક્સ ફ્રી થઇ હતી. આ ઉપરાંત સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અને 777 ચાર્લી પણ ઘણાં રાજ્યોમાં કરમુકત થઇ હતી. જયારે 2023માં એટલે કે ચાલુ વર્ષે ધ કેરાલા સ્ટોરી 4 અને ZWIGATO એક રાજ્યમાં કરમુક્ત થઇ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો