સરકારને ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) પેટે મળતી આવક ઓગસ્ટમાં 11 ટકા વધી છે. 1 સપ્ટેમ્બરે જાહેર થયેલા આંકડા પ્રમાણે, ઓગસ્ટ 2023માં સરકારને 1,59,069 કરોડ રૂપિયાની GST આવક થઈ છે, જે ઓગસ્ટ 2022માં થયેલી 1,43,612 કરોડ રૂપિયાની આવક કરતાં 11 ટકા વધારે છે. જોકે, જુલાઈમાં થયેલી 1.65 લાખ કરોડ રૂપિયાની GST આવક કરતાં 3.7 ટકા ઓછી આવક થઈ છે.
તહેવારોની સીઝન શરૂ થઈ હોવાથી વિવિધ માલસામાન અને સર્વિસિસની ખરીદી વધશે, જેથી GSTની આવકમાં પણ વધારો થઈ શકે છે. લોકો ઘર, કાર, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ, ઘરેણાં વગેરે જેવી ચીજવસ્તુઓની ખરીદી વધારશે તેમજ પ્રવાસ કરશે.
કેન્દ્ર અને રાજ્યોની આવક
ઓગસ્ટમાં થયેલી GST આવકમાં સેન્ટ્રલ GSTનો હિસ્સો 28,328 કરોડ રૂપિયા અને સ્ટેટ GSTનો હિસ્સો 35,794 કરોડ રૂપિયા હતો. ઈન્ટીગ્રેટેડ GST પેટે સરકારને 83,251 કરોડ રૂપિયાની આવક થઈ હતી, જેમાં આયાતી માલ પર ઉઘરાવેલી 43,550 કરોડ રૂપિયાની આવક અને સેસ પેટે ઉઘરાવેલી 11,695 કરોડ રૂપિયાની આવક સામલે છે.
ટોપ-5 રાજ્ય
રાજ્ય આધારિત વાત કરીએ તો, દેશમાં સૌથી વધુ GST કલેક્શન કરવામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રની GST આવક 23,282 કરોડ રૂપિયા થઈ છે જ્યારે 11,116 કરોડ રૂપિયાની આવક સાથે કર્ણાટક બીજા ક્રમે છે. ગુજરાતે 9,765 કરોડ રૂપિયાની GST આવક સાથે ત્રીજો ક્રમ મેળવ્યો છે જ્યારે તામિલનાડુએ 9,475 કરોડ રૂપિયા અને ઉત્તર પ્રદેશે 7,468 કરોડ રૂપિયાની GST ઈનકમ નોંધાવી છે.
જુલાઈ 2023માં ગુજરાતનું GST કલેક્શન 9,787 કરોડ રૂપિયા હતું, જે ઓગસ્ટમાં નજીવું ઘટ્યું છે.
મહારાષ્ટ્ર – Rs 23,282 કરોડ
કર્ણાટક – Rs 11,116 કરોડ
ગુજરાત – Rs 9,765 કરોડ
તામિલ નાડુ – Rs 9,475 કરોડ
ઉત્તર પ્રદેશ – Rs 7,468 કરોડ
ચાલુ નાણાકીય વર્ષમાં આવક
જુલાઈમાં પાંચમી વખત 1.6 લાખ કરોડ રૂપિયા કરતાં વધારે GST આવક થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલમાં 1,87,035 કરોડ રૂપિયા, મે મહિનામાં 1,57,090 કરોડ રૂપિયા અને જૂનમાં 1,61,497 કરોડ રૂપિયાની GST આવક થઈ હતી. સરકારને સતત છ મહિનાથી દર મહિને 1.5 લાખ કરોડ રૂપિયા કરતાં વધારે GST ઈનકમ થઈ રહી છે. સરકારે 2023-24ના બજેટમાં અંદાજ આપ્યો હતો કે, ચાલુ નાણાકીય વર્ષમાં GST કલેક્શન 12 ટકા વધી જશે.
Published September 1, 2023, 19:43 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો