Money9 Gujarati:
કોરોના પછી લોનની માંગમાં જોરદાર વધારો થયો છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)ના આંકડા પણ આ વાતનો પુરાવો આપે છે. Money9ના સર્વેમાં મળેલા આંકડાઓમાં પણ તેની પુષ્ટિ થાય છે. Money9 દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર, છેલ્લા એક વર્ષમાં દેશમાં લોન લેનારા ભારતીય પરિવારોની સંખ્યા બમણી થઈ ગઈ છે. 2023માં ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારતમાં 22 ટકા પરિવારોએ લોન લીધી છે. 2022 દરમિયાન લોન લેનારા ભારતીય પરિવારોની સંખ્યા 11 ટકા હતી.
Money9ના પર્સનલ ફાઇનાન્સ સર્વે મુજબ, છેલ્લા એક વર્ષમાં 11 ટકા ભારતીય પરિવારોએ પર્સનલ લોન લીધી હોવાનું જાણવા મળ્યું છે, આ પરિવારોમાંથી 8 ટકાએ હોમ લોન, 4 ટકાએ ઓટો લોન અને 2 ટકાએ એજ્યુકેશન લોન લીધી છે. તમિલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓડિશા અને રાજસ્થાનમાં પર્સનલ લોન લેનારા પરિવારોની સૌથી વધુ સંખ્યા છે. ઓટો લોનના મામલે મહારાષ્ટ્ર, ચંદીગઢ, હરિયાણા, પંજાબ અને દિલ્હી આગળ છે.
સર્વે એ પણ દર્શાવે છે કે લગભગ 21 ટકા ભારતીય પરિવારો આગામી વર્ષ દરમિયાન લોન લેવાની યોજના બનાવી રહ્યા છે. આવતા વર્ષે 10 ટકા ભારતીય પરિવારો હોમ લોન લેવાનું વિચારી રહ્યા છે, જેમાં દિલ્હી, કર્ણાટક, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ આગળ છે. આવતા વર્ષે 5 ટકા લોકો ઓટો લોન માટે પ્લાનિંગ કરી રહ્યા છે, જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, છત્તીસગઢ અને રાજસ્થાન આગળ છે.
Money9ના સર્વેમાં મળેલી માહિતી સંપૂર્ણપણે રિઝર્વ બેંકના આંકડાઓ સાથે મેળ ખાય છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર આ વર્ષના ઓક્ટોબરના અંત સુધી પર્સનલ લોનની વૃદ્ધિ લગભગ 30 ટકાની આસપાસ રહી છે, જેમાંથી સૌથી વધુ વૃદ્ધિ હોમ, ક્રેડિટ કાર્ડ લોન અને ઓટો લોનમાં નોંધાઈ છે.
Money9નો પર્સનલ ફાઇનાન્સ સર્વે ઑગસ્ટથી નવેમ્બર દરમિયાન દેશના 20 રાજ્યોના 115થી વધુ જિલ્લાઓમાં કરવામાં આવ્યો હતો. આ સર્વે 10 અલગ-અલગ ભાષાઓમાં કરવામાં આવ્યો હતો, જેમાં દેશના 1140 ગામો અથવા શહેરી વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વે ભારતીયોની કમાણી, ખર્ચ, બચત અને રોકાણ વિશે સંપૂર્ણ માહિતી આપે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો