MONEY9: ગયા વર્ષે મે મહિનામાં ધૂમધડાકા સાથે આવેલા LICના આઇપીઓમાં રોકાણ કરનાર લોકોના હૈયા દાઝ્યા છે. આઇપીઓ રોકાણકારોને 889થી 949ની વચ્ચે મળનારો આ શેર આજે આ શેર 640ની આસપાસ ચાલી રહ્યો છે. આઇપીઓ રોકાણકારો માટે આ શેર ગળામાં હડ્ડી સમાન બની ગયો છે. બીજી તરફ નિષ્ણાતો અને ઘણા બ્રોકર્સ વારંવાર રોકાણકારોને આશ્વાસન આપી રહ્યા છે કે, તેઓ licમાં રોકાણ જાળવી રાખે. હાલમાં આવેલા કંપનીના સારા પરિણામો બાદ બ્રોકર્સ વધુ બુલિશ જણાઇ રહ્યા છે.
હવે આપણે સમજીએ કે, LICના પરિણામો શું દર્શાવી રહ્યા છે. અને તેના માટે બ્રોકર્સ આખરે બુલિશ કેમ છે? સપ્ટેમ્બર એટલે કે બીજા ક્વાર્ટર દરમિયાન LICની નેટ પ્રિમીયમ આવક 1.04 લાખ કરોડથી 26.9 ટકા વધીને 1.32 લાખ કરોડ થઇ. જ્યારે નફો 1 હજાર 433.7 કરોડથી 11.1 ગણો વધીને 15 હજાર 952.4 કરોડ થયો છે.
ત્રિમાસિક પરિણામો બાદ, શેરમાં લિસ્ટિંગથી લઇને અત્યાર સુધીનો સૌથી મોટો સિંગલ ડે ઉછાળો જોવા મળ્યો. 14 નવેમ્બરના રોજ શેર ઇન્ટ્રાડે દરમિયાન 9 ટકા વધીને 6 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. પરંતુ ગયા સપ્તાહના આંકડા પર નજર નાંખીએ તો આ શેર 4 ટકાથી વધુ તૂટ્યો છે. 8 ડિસેમ્બરના રોજ શેર રૂ. 660ની આસપાસ ટ્રેડ થઇ રહ્યો હતો.
હવે તે જાણી લઇએ કે LICના નફામાં તીવ્ર ઉછાળા પાછળનું કારણ શું છે? તો વાત એમ છે કે કંપનીએ તેની એકાઉન્ટિંગ પોલીસીમાં ફેરફાર કર્યો છે. 14 હજાર 490.7 કરોડ રૂપિયાના કુલ નફામાં રૂ. 14 હજાર 271.8 કરોડ રૂપિયા એકાઉન્ટિંગ પોલીસીમાં ફેરફારને કારણે આવ્યા. કંપનીએ non-participating fundsમાંથી મોટી રકમને શેરહોલ્ડર ફંડમાં ટ્રાન્સફર કરી છે.
નાણાકીય વર્ષ 2023માં LICએ નવા બિઝનેસ પ્રિમીયમમાં ખાનગી કંપનીઓ પાસેથી 4.5 ટકા બજાર હિસ્સો હાંસલ કર્યો છે. નવા બિઝનેસ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિને કારણે કંપનીને બજાર હિસ્સો વધારવામાં મદદ મળી. LICના બજાર હિસ્સાની વાત કરવામાં આવે, તો તે માર્ચ 2022ના અંતે 63.25 ટકા હતો જે ઓક્ટોબર 2022માં વધીને 67.72 ટકા થયો હતો.
પરંતુ છેલ્લા એક વર્ષમાં LICની embedded valueમાં કોઇ મોટો ફેરફાર થયો નથી. LIC મેનેજમેન્ટના કહેવા મુજબ ગ્રૂપ સિંગલ પોલીસીના પ્રિમીયમને પાર અને નોન-પાર ફંડમાં વિભાજિત કરવામાં આવ્યા જેના કારણે યીલ્ડ પર અસર થઇ.
Macquarie Researchના રિપોર્ટ મુજબ, છેલ્લા 1 વર્ષમાં નવા બિઝનેસની વેલ્યૂમાં રૂ. 10 હજાર કરોડનો વધારો થયો, છતાં embedded valueમાં નોંધપાત્ર વધારો થયો નથી.
મેનેજમેન્ટે કહ્યું છે કે, બજારમાં વોલાટિલિટીની embedded value પર અસર પડી છે. બજારમાં પ્રત્યેક 10 ટકાના ઘટાડાએ LICની embedded valueમાં 7 ટકાનો ઘટાડો થયો છે. એક અહેવાલ એવો પણ છે કે Assets Care & Reconstruction Enterprise એટલે કે એકરે LIC પાસેથી રિલાયન્સ કેપિટલના 3 હજાર 400 કરોડના બોન્ડ ખરીદવાની દરખાસ્ત કરી છે. એકરે LICને રિલાયન્સ કેપિટલની બાકી મુદ્દલની 30 ટકા રકમ ચુકવવાની ઓફર કરી છે. લગભગ એક વર્ષ અગાઉ એકરે રિલાયન્સ કેપિટલે એક્સિસ બેન્ક અને HDFC પાસેથી લીધેલી લોનની 26-28 ટકા મુદદ્લ ચુકવી હતી.
જુલાઇ 2021થી LICએ રિલાયન્સ કેપિટલના બોન્ડ વેચવા માટે 3 વખત પ્રયાસ કર્યો છે પરંતુ એક પણ પ્રયાસ સફળ થયો નથી.
બીજા ક્વાર્ટરના પરિણામો બાદ, બ્રોકરોનો એલઆઇસીમાં વિશ્વાસ વધ્યો છે અને રૂ. 917 સુધીની ટાર્ગેટ પ્રાઇસ આપી રહ્યા છે. મોટા ભાગના બ્રોકરોએ LIC માટે BUYની ભલામણ કરી છે.
તો કુલ મળીને એમ કહી શકાય કે સારા પરિણામો અને અન્ય પોઝિટિવ ફેક્ટર્સને કારણે LICનો શેર વધી શકે છે. પરંતુ જો તમે IPOમાં રોકાણ કરેલું છે તો તમારે પ્રોફિટેબલ રિટર્ન મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડશે. જે લોકોએ નીચા ભાવે LICનો શેર ખરીદ્યો છે તેઓ આગામી એક વર્ષમાં સારા રિટર્નની આશા રાખી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો