Money9 Gujarati:
Tata Technologies IPO:
રોકાણકારો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે તે IPO આવી રહ્યો છે. ટાટા ટેક્નોલોજિસનો IPO (Tata Technologies IPO) 22 નવેમ્બરે ખુલશે અને 24 નવેમ્બરે બંધ થશે. ટાટા ગ્રૂપ છેલ્લાં બે દાયકામાં પહેલીવાર IPO લઈને આવી રહ્યું છે. છેલ્લે 2004માં ટાટા ગ્રૂપની કંપની TCSનો IPO આવ્યો હતો. ટાટા ગ્રૂપની કંપની હોવાથી રોકાણકારો ઘણા લાંબા સમયથી આ IPOની રાહ જોઈ રહ્યાં છે. તેનું લિસ્ટિંગ પણ ધમાકેદાર થવાની અપેક્ષા સેવાઈ રહી છે.
પ્રમોટર્સ, ઈન્વેસ્ટર્સને મળશે પૈસા
ટાટા ટેકનોલોજિસ 6.08 કરોડ શેર્સ ઑફર કરશે, જે તેની ભરપાઈ થયેલી મૂડી (paid-up capital)ા 15 ટકા છે. આ તમામ શેર્સ ઑફર-ફોર-સેલ (OFS) છે, એટલે કે કંપની એક પણ નવો શેર ઈશ્યૂ નહીં કરે અને તેના વર્તમાન પ્રમોટર્સ તથા ઈન્વેસ્ટર્સ પોતાના શેર્સ વેચશે. કંપનીને IPO બાદ એક પણ રૂપિયો નહીં મળે અને તમામ રકમ પ્રમોટર્સ તથા ઈન્વેસ્ટર્સ લઈ જશે.
કોણ વેચશે શેર્સ?
IPOમાં ટાટા મોટર્સ દ્વારા 4.63 કરોડ સુધીના શેર્સ વેચવામાં આવશે જ્યારે આલ્ફા TC હોલ્ડિંગ્સ દ્વારા 9.72 કરોડ શેર્સ અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ I દ્વારા 4.86 કરોડ શેર્સ વેચવામાં આવશે.
IPOની સાઈઝ
ટાટા ટેકનોલોજિસે 2023ના પ્રારંભિક મહિનામાં IPO માટે સેબીમાં ડ્રાફ્ટ પેપર્સ જમા કરાવ્યા હતા, તે સમયે તેણે 9.57 કરોડ શેર્સ વેચવાનો ઈરારો વ્યક્ત કર્યો હતો, જે તેની પેઈડ-અપ કેપિટલનો 23.6 ટકા હિસ્સો દર્શાવે છે. જોકે, બાદમાં ટાટા મોટર્સે ઓક્ટોબરમાં ટાટા ટેકનોલોજિસમાંથી તેનો 9.9 ટકા હિસ્સો પ્રાઈવેટ ઈક્વિટી કંપની TPGને વેચી દીધો હતો અને IPOનું કદ ઘટાડવામાં આવ્યું હતું. ટાટા મોટર્સે કરેલા સોદાના આધારે ટાટા ટેક્નોલોજિસનું મૂલ્ય 16,300 કરોડ રૂપિયા બેઠું હતું.
નાણાકીય સ્થિતિ
ટાટા ટેકનોલોજિસે નાણાકીય વર્ષ 2022-23માં 25 ટકા વૃદ્ધિ કરીને 4,418 કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી જ્યારે કર બાદનો નફો 63 ટકા વધીને 708 કરોડ રૂપિયા થયો હતો. જોકે, કંપનીએ 2021-22ની સરખામણીએ આવક અને નફામાં ઓછી વૃદ્ધિ હાંસલ કરી હતી.
પ્રાઈસ બેન્ડ
માર્કેટના નિષ્ણાતોના મતે, કંપની IPOમાં એક શેર માટે 550થી 600 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ રાખી શકે છે. એટલે કે, ગ્રે માર્કેટમાં શેર દીઠ 250થી 300 રૂપિયા પ્રીમિયમ બોલાઈ રહ્યું છે અને લિસ્ટિંગ 800થી 900 રૂપિયાની આસપાસ થવાની શક્યતા છે. અનલિસ્ટેડ માર્કેટમાં તેનો શેર પણ છેલ્લે આ લેવલની આસપાસ રહ્યો હતો. જોકે, અનલિસ્ટેડ માર્કેટમાં ટાટા ટેકનોલોજિસના શેરનું ટ્રેડિંગ લોક થઈ ગયું છે અને શેરની ખરીદી કે વેચાણ થઈ શકતા નથી.
ગ્રે માર્કેટમાં સ્થિતિ
અનલિસ્ટેડ માર્કેટ (ગ્રે માર્કેટ)માં ટાટા ટેકનોલોજિસનો શેર બહુ ચગ્યો હતો અને ભાવ 1,000 રૂપિયાને પાર થઈ ગયો હતો. કંપની IPO લાવવા માંગે છે તેવા ન્યૂઝ વહેતા થયા બાદ તેનો શેર રોકેટ બની ગયો હતો. અગાઉ 2020માં એક શેરની કિંમત માત્ર 100 રૂપિયા હતી, પરંતુ અત્યારે 900 રૂપિયાની નજીક ચાલી રહી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો