Money9 Gujarati:
પશ્ચિમી દેશોમાં અને યુરોપમાં મંદીના વાદળો ઘેરાઈ રહ્યાં છે ત્યારે એશિયાનાં દેશોમાં તેજીનો વરસાદ વરસી રહ્યો છે. જાપાનથી લઈને ભારત અને કોરિયાથી લઈને ઈન્ડોનેશિયાના અર્થતંત્રોની મજબૂત સ્થિતિના જોરે, સમગ્ર દુનિયાને એશિયામાં આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. ચાલુ વર્ષે વૈશ્વિક વૃદ્ધિમાં એશિયાનું યોગદાન મહત્તમ રહેવાની ધારણા છે અને આ કારણસર, એશિયાભરનાં શેરબજારોમાં તેજીવાળા તરખાટ મચાવી રહ્યાં છે.
સેન્સેક્સ, નિફ્ટી રેકોર્ડ લેવલે જાપાનથી લઈને ભારતનાં શેરબજારોમાં ફોરેન ઈન્વેસ્ટર્સ કરોડો રૂપિયા ઠાલવી રહ્યાં છે. ભારતનાં બેન્ચમાર્ક ઈન્ડેક્સ – સેન્સેક્સ અને નિફ્ટી નવા શિખરે પહોંચી ગયા છે. એનાલિસ્ટ્સ જણાવે છે કે, દુનિયાના વિકસિત અને ઈમર્જિંગ દેશોની સરખામણીએ એશિયાનાં બજારોની સ્થિતિ ઘણી સારી છે, અહીંના બજારો ગ્લોબલ માર્કેટની તુલનાએ તેજીમાં છે.
એશિયામાં છે વિવિધતા પહેલી નજરે જોઈએ તો, એશિયન માર્કેટમાં અમેરિકા તથા યુરોપના શેરબજારો કરતાં ઓછો વધારો થયો છે. 2023માં અત્યાર સુધીમાં અમેરિકાનો S&P 500 ઈન્ડેક્સ 13.25 ટકા વધ્યો છે જ્યારે સમગ્ર યુરોપને આવરી લેતો Euro Stoxx 600 ઈન્ડેક્સ 6.65 ટકા વધ્યો છે, તેની સામે સમગ્ર એશિયાનો MSCI International All Country Asia Pacific ઈન્ડેક્સ 4.71 ટકા વધ્યો છે. પરંતુ, યુરોપ અને અમેરિકાની સરખામણીએ એશિયા વધારે વૈવિધ્યસભર છે અને ઘણા દેશોના અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે.
ભારત છે ચમકતો સિતારો Nomuraના એનાલિસ્ટ્સ જણાવે છે કે, ચીનનું અર્થતંત્ર ધીમું પડવાની સંભાવના છે, પરંતુ એશિયાનો GDP ગ્રોથ અમેરિકા તથા ઈમર્જિંગ માર્કેટ્સની તુલનાએ ઊંચો રહેશે અને વૃદ્ધિમય મોમેન્ટમ જાળવી રાખશે. ચાલુ દાયકામાં ભારત અને દક્ષિણપૂર્વ એશિયાના દેશો સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાવશે, જેના જોરે સમગ્ર એશિયાનું ચિત્ર ઊજળું બની રહેશે.
એસેટ મેનેજમેન્ટ કંપની DWSના એનાલિસ્ટ્સ જણાવે છે કે, 12 મહિના જેટલા લાંબા સમયગાળામાં અમેરિકન માર્કેટની તુલનાએ એશિયાના અને યુરોપના સ્ટોક માર્કેટ્સ વધારે વળતર આપે તેવી શક્યતા છે.
જાપાનમાં તેજી એશિયન ગ્રોથ સ્ટોરીમાં જાપાને રંગ રાખ્યો છે. જાપાનનો Nikkei 225 ઈન્ડેક્સ 2023માં 25 ટકાથી પણ વધુ ઉછળ્યો છે જ્યારે Topix (ટોક્યો સ્ટોક પ્રાઈસ ઈન્ડેક્સ) લગભગ 22 ટકા વધ્યો છે. વોરેન બફે જેવા પીઢ રોકાણકારે તો જાપાનમાં અઢળક રૂપિયાનું રોકાણ કર્યું છે. સતત 3 વર્ષ સુધી જાપાનમાંથી પૈસા કાઢી લીધા બાદ, ગ્લોબલ ઈન્વેસ્ટર્સ હવે લેવાલ બન્યાં છે અને 2023માં અત્યાર સુધીમાં જાપાનના ઈક્વિટીઝ તથા ફ્યુચર્સમાં 30 અબજ ડૉલર ઠાલવ્યા છે.
એશિયન માર્કેટને ઊંચકનારા પરિબળો અમેરિકામાં ફરી વ્યાજ દર વધવાના પ્રબળ સંકેત મળી રહ્યાં છે. બ્રિટને તાજેતરમાં ઓચિંતો 0.50 ટકાનો વધારો કર્યો હતો અને યુરોપના દેશો પણ સતત રેટ હાઈક કરી રહ્યાં છે. અમેરિકા ચાલુ વર્ષના અંત સુધીમાં સતત બે વખત રેટ હાઈક કરીને કુલ 0.50 ટકાનો રેટ હાઈક કરે તેવી ધારણા છે. તેની સામે એશિયાના ઘણા દેશોમાં ફુગાવાનો દર પીક પર પહોંચી ગયો છે અને હવે નીચે જઈ રહ્યો છે. ભારત સહિતનાં એશિયન દેશોની મધ્યસ્થ બેન્કોએ રેટ હાઈક સાઇકલ અટકાવી દીધી છે. એવી શક્યતા છે કે, 2023ના અંતથી એશિયાના દેશોમાં રેટ ઘટાડાવાનું પણ શરૂ થઈ શકે છે. પશ્ચિમી દેશો ઈન્ફ્લેશનથી પરેશાન છે જ્યારે એશિયાના દેશોમાં ડિસઈન્ફ્લેશન ચાલી રહ્યું છે. આગામી ત્રણેક મહિનામાં એશિયાના 80 ટકા માર્કેટ્સમાં ફુગાવાનો દર ઈચ્છિત રેન્જની અંદર પહોંચી જવાની ધારણા છે.
ટેકનોલોજી એશિયા માટે તેજીમય આશાવાદ પાછળનું એક કારણ છે ટેકનોલોજીનો વિકાસ. ChatGPT, OpenAI, Googleનું Bard અને Baiduનું Ernie Bot સહિતની જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આગમનથી સેમિકન્ડક્ટર જેવા AI ટૂલ્સની માંગ વધશે. એશિયાના દેશો ચીપ પ્લાન્ટ્સ સ્થાપવા માટે અબજો ડોલરની સબસિડી આપી રહ્યાં છે. ભારતમાં માઈક્રોન, ફોક્સકોન જેવા વૈશ્વિક કંપનીઓ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે જંગી રોકાણ કરી રહી છે. જાપાન, દક્ષિણ કોરિયા અને તાઈવાન પણ સબસિડી અને ટેક્સ ક્રેડિટ જેવી રાહત આપી રહ્યાં છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો