Money9 Gujarati:
નાના રોકાણકારોમાં SME શેર્સનું વધતું આકર્ષણ (“ગાંડપણ”) જોઈને સેબી સક્રિય થઈ ગઈ છે. મૂડીબજારનું નિયમન કરતી સંસ્થા સિક્યૉરિટીઝ એક્સચેન્જ બૉર્ડ ઑફ ઈન્ડિયા (SEBI)એ SME શેર્સ પર કડક નિયમો લાગુ કરવાની જાહેરાત કરી કરી છે. કેટલાક SME શેર્સમાં સટ્ટાખોરી થતી હોવાની શંકાના આધારે સેબીએ 25 સપ્ટેમ્બરે મોડી સાંજે BSE અને NSE સહિતના એક્સચેન્જોને SME stocksને પણ વર્તમાન શોર્ટ-ટર્મ ASM અને TFT માળખા હેઠળ આવરી લેવાની સૂચના આપી છે. SME સ્ટોક્સમાં સટ્ટાખોરી અને શેરનાં ભાવ સાથે ચેડાં કરવાનું પ્રમાણ વધ્યું હોવાની શંકા છે, આથી સેબીએ નાના રોકાણકારોના હિતનું રક્ષણ કરવા અને બજારની વિશ્વસનીયતા વધારવાના હેતુથી નવા નિયમ 3 ઑક્ટોબરથી લાગુ કરવાની જાહેરાત કરી છે.
સટ્ટાખોરો સક્રિય SME શેર્સ સતત વધી રહ્યાં હોવાથી તેમાં સટ્ટેબાજીની શંકા ઘેરી બની હોવાથી, સેબીએ આકરાં પગલાં ભરવાનો નિર્ણય લીધો છે. સેબી માત્ર એવા SME શેર્સને ટાર્ગેટ કરશે જેમાં બહુ ઓછા ટ્રેડર્સ દ્વારા કામકાજ થઈ રહ્યું હોય. આવા ટ્રેડર્સ અને સટોડિયાઓ તેજી-તેજીની બૂમો પાડીને નાના રોકાણકારોને શેર પધરાવી દેવામાં પારંગત છે અને તેમના પર સકંજો કસીને રોકાણકારોના હિતનું રક્ષણ કરવા માટે સેબીએ SME સ્ટોક્સને પણ કડક નિયમો હેઠળ સમાવી લેવાનો નિર્ણય લીધો છે. કેટલાક SME શેર્સ મિડકેપ અને લાર્જકેપની તુલનાએ અધધધ તેજી કરી રહ્યાં છે. કંપનીનો બિઝનેસ સાવ નાનો અને ફંડામેન્ટલ્સ નબળાં હોવા છતાં શેર્સ કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે.
ASM અને TFT શું છે? ASM એટલે Additional surveillance measure અને TFT એટલે trade-for-trade. કોઈ શેરને ASM હેઠળ મૂકવામાં આવે એટલે તેનું નિરીક્ષણ વધી જાય છે. તેમાં પડતા સોદાનું સતત મોનીટરિંગ કરવામાં આવે છે અને જો શેર માપદંડોમાં ખરો ઉતરે તો તેને TFT સેગમેન્ટમાં મૂકવામાં આવે છે. આ સેગમેન્ટમાં માત્ર ડિલિવરી ટ્રેડની મંજૂરી છે.
2019ના અંતથી લઈને અત્યાર સુધીમાં BSE SME IPO ઈન્ડેક્સ 1,900 ટકા વધી ચૂક્યો છે. BSE SME IPO ઈન્ડેક્સમાં માત્ર 60 સ્ટોક્સ છે અને છેલ્લાં 10 વર્ષમાં તેમાં 9 ટકાના CAGR સાથે 10,350 ટકા રિટર્ન મળ્યું છે. આ ઈન્ડેક્સે છેલ્લાં પાંચ વર્ષમાં 82.63 ટકા છેલ્લાં 3 વર્ષમાં 193 ટકા વળતર આપ્યું છે. 2023માં આવેલા SME IPOમાં સરેરાશ 80 ટકાથી વધુ વળતર મળ્યું છે. આથી, સેબીને શંકા છે કે, SME શેર્સના ભાવ સાથે ચેડાં થઈ રહ્યાં છે. બજારનાં નિષ્ણાતો જણાવે છે કે, SME સેગમેન્ટમાં ઘણી સારી તક ઉપલબ્ધ છે, પરંતુ રોકાણકારોએ સાવધાનીપૂર્વક પસંદગી કરવી જરૂરી છે.
રોકાણકારો ગાંડા થયા SME IPOનું ઊંચા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થઈ રહ્યું છે, રોકાણકારોને બમ્પર વળતર મળી રહ્યું છે, જેના કારણે રોકાણકારોમાં આકર્ષણ વધ્યું છે. સેબીને અંદાજ છે કે, 40 ટકા SME સ્ટોક્સ માત્ર અટકળોના આધારે દોડી રહ્યાં છે. SME સેગમેન્ટમાં સટ્ટાખોરો સક્રિય છે અને ચાલાકીપૂર્વક રોકાણકારોને મોંઘા ભાવે શેર પધરાવીને રોકડી કરી રહ્યાં છે. રોકાણકારોમાં એવો ડર પેદા કરવામાં આવી રહ્યો છે કે, જો તેઓ SME IPOમાં રોકાણ નહીં કરે તો મોટી તેજીની તક ગુમાવશે. આથી રોકાણકારો લગભગ તમામ SME IPOમાં મન મૂકીને પૈસા લગાવી રહ્યાં છે. 10-12 કરોડના IPOને 50-60 કરોડની બિડ મળી રહી છે. સોશિયલ મીડિયાને સ્માર્ટ રીતે ઉપયોગ કરીને સટ્ટાખોરો રોકાણકારોને ભોળવી રહ્યાં છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો