Money9 Gujarati:
કોઈ કંપનીનો IPO આવે તેની પહેલાં શેર ખરીદનારા રોકાણકારોનો લોક-ઈન પીરિયડ પૂરો થવાની તૈયારીમાં છે. પ્રિ-ઈનિશિયલ પબ્લિક ઑફર (પ્રિ-IPO) દ્વારા ખરીદવામાં આવેલા શેર્સનો લોક-ઈન પીરિયડ વિવિધ કેટેગરીનાં રોકાણકારો માટે અલગ-અલગ હોય છે. સપ્ટેમ્બરમાં લગભગ 10 કંપનીના શેરમાં સારી એવી વેચવાલી જોવા મળે તેવી શક્યતા છે, કારણ કે આ કંપનીના પ્રિ-IPO ઈન્વેસ્ટર્સ શેર વેચવા સક્રિય બનશે. આવી કંપનીઓમાં કોનકૉર્ડ બાયોટેક, CAMS, હેપ્પીએસ્ટ માઈન્ડ્સ, SBFC ફાયનાન્સ, રૂટ મોબાઈલ અને કેમકૉન સ્પેશિયાલિટીનો સમાવેશ થાય છે. પ્રિ-IPO પ્લેસમેન્ટ વખતે શેર ખરીદનારા રોકાણકારો તેમનો લોક-ઈન પીરિયડ પૂરો થયા પછી પોતાની મરજી અનુસાર શેર વેચી શકે છે, એટલે કે તેઓ ધારે તો હોલ્ડિંગ યથાવત્ પણ રાખી શકે છે.
કેટલો હોય છે લોક-ઈન પીરિયડ?
પ્રિ-IPO ઈન્વેસ્ટર્સ માટે લોક-ઈન પીરિયડ તેમની કેટેગરી અનુસાર અલગ-અલગ હોય છે. જો પ્રમોટર હોય તો તેમણે IPO અગાઉ મળેલાં ઓછામાં ઓછા 20 ટકા શેર્સ IPO પછી 1 વર્ષ સુધી પોતાની પાસે રાખવા પડે છે જ્યારે સંસ્થાગત રોકાણકારો માટે આ સમયગાળો 6 મહિનાનો હોય છે. એન્કર ઈન્વેસ્ટર્સને મળેલાં 50 ટકા શેર્સનો લોક-ઈન પીરિયડ 90 દિવસનો જ્યારે બાકીના 50 ટકા શેર્સનો લોક-ઈન પીરિયડ 30 દિવસનો હોય છે. ઉલ્લેખનીય છે કે, સેબીએ એપ્રિલ 2022માં પ્રિ-IPOમાં શેર ખરીદનારા રોકાણકારો માટેનો લોક-ઈન સમયગાળો ઘટાડ્યો હતો.
ક્યારે સમાપ્ત થશે લોક-ઈન પીરિયડ?
નુવામા ઓલ્ટરનેટિવ એન્ડ ક્વાન્ટિટેટિવ રિસર્ચના આંકડા અનુસાર, યથાર્થ હૉસ્પિટલના શેર્સનો એક મહિનાનો લોક-ઈન પીરિયડ 1 સપ્ટેમ્બરે સમાપ્ત થશે જ્યારે SBFC ફાયનાન્સ અને કોનકૉર્ડ બાયોટેકનો લોક-ઈન પીરિયડ અનુક્રમે 11 સપ્ટેમ્બર અને 13 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આવી જ રીતે આઈકિયો લાઈટિંગ અને HMA એગ્રોનો 3-3 મહિનાનો લોક-ઈન પીરિયડ અનુક્રમે 11 સપ્ટેમ્બર અને 27 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. હેપ્પીએસ્ટ માઈન્ડ્સ અને રૂટ મોબાઈલનો 3 વર્ષનો લોક-ઈન પીરિયડ અનુક્રમ 15 અને 16 સપ્ટેમ્બરે સમાપ્ત થશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો