Money9 Gujarati:
શું તમને પણ આ 5 સ્મૉલકેપ સ્ટોક્સ ખરીદવાનો મેસેજ મળ્યો હતો? તો તમે એક દેશવ્યાપી કૌભાંડનો ભોગ બન્યાં છો. મૂડીબજારનાં નિયમનકાર સેબીએ શેરબજારનાં કૌભાંડિયોનું એક વિશાળ ગ્રૂપ પકડી પાડ્યું છે. આ ગ્રૂપમાં 200થી પણ વધારે કંપનીઓ સામેલ છે. સેબીએ 135 કંપની પર શેરબજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે તેમજ 226 કંપનીને શૉકોઝ નોટિસ ફટકારી છે. સેબીએ કૌભાંડીઓ પાસેથી રૂ.126 કરોડ જપ્ત પણ કર્યાં છે. આ સમગ્ર કૌભાંડ કેવી રીતે આચરવામાં આવતું તે એક રોકાણકારે સમજવું અત્યંત જરૂરી છે.
મોડસ ઓપરેન્ડી
આ કંપનીઓનું ગ્રૂપ નાના રોકાણકારોને બલ્કમાં SMS મોકલીને પાંચ સ્મૉલ કેપ કંપનીના શેર BUY કરવાની સલાહ આપતું હતું. આ પાંચ કંપનીના નામ છે – Mauria Udyog Ltd, 7NR Retail Ltd, Darjeeling Ropeway Company Ltd, GBL Industries Ltd અને Vishal Fabrics Ltd. રોકાણકારોને મેસેજ મોકલતાં પહેલાં આ ગ્રૂપના લોકો આ પાંચેય સ્મોલકેપના શેર્સ નીચા ભાવે ખરીદી લેતાં હતાં. પછી શેરના ભાવ વધી જાય એટલે, કૌભાંડિયો રોકાણકારોને જાણ કર્યાં વિના ચૂપચાપ શેર વેચીને તગડો નફો રળતાં હતાં. આ ગ્રૂપના લોકોએ ભોળા રોકાણકારોના કરોડો રૂપિયા બરબાદ કર્યાં છે. સેબીએ કૌભાંડિયોના રૂ.126 કરોડ જપ્ત કરી લીધા છે. સિક્યોરિટી એક્સચેન્જ ઑફ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી) એ 135 કંપનીને બજારોમાંથી પ્રતિબંધિત કરી છે તેમજ અસંખ્ય ખાતાઓ સહિત 226 એન્ટીટિઝને કારણદર્શક નોટિસ ફટકારી છે.
આ ગ્રૂપ કેવી મોડસ ઓપરેન્ડી અપનાવતું હતું તેનું ગ્રાફિકલ ચિત્રણ જોવા માટે સેબીએ આપેલી આ લિન્ક પર ક્લિક કરોઃ https://www.sebi.gov.in/sebi_data/videofiles/Video final.mp4
ત્રણ ગ્રૂપ કરતા હતા કામ
SEBIએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “એક પૂર્વ આયોજિત યોજના હેઠળ આ ગ્રૂપ દ્વારા મોડસ ઓપરેન્ડીનું પાલન કરવામાં આવતું હતું. તેમની મોડસ ઓપરેન્ડી મુખ્યત્વે પબ્લિક ઈન્વેસ્ટર્સને પાંચ સ્ક્રીપ્સમાં ખરીદીની ભલામણના જથ્થાબંધ SMS મોકલવાની આસપાસ કેન્દ્રિત હતી. આ યોજના પાર પાડવા માટે ત્રણ અલગ-અલગ ગ્રૂપ બનાવવામાં આવ્યા હતા, જેમાં PV influencers (પ્રાઈઝ વોલ્યુમ પર અસર પાડનારા), SMS મોકલનારા અને ઓફ લોડર્સ (શેર વેચનારા)નો સમાવેશ થાય છે.”
મુખ્ય સૂત્રધાર
SEBIના જણાવ્યા મુજબ, યોજના મુજબ, તેમના ગ્રૂપનો પ્રથમ સેટ, એટલે કે, PV influencers દ્વારા પાંચ સ્મોલકેપ શેર્સની કિંમત અને વોલ્યુમમાં વધારો કરવામાં આવ્યો હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે. આ કામ માટે શેર ખરીદવાની ભલામણ સાથેના SMSનો મારો ચલાવવામાં આવતો હતો અને ખોટા ટ્રેડ કરવામાં આવતા હતા. SMS મોકલવાનું કામ હનીફ શેખ નામની વ્યક્તિ કરતી હતી અને પ્રથમદર્શી રીતે તે જ આ સ્કીમનો માસ્ટરમાઈન્ડ છે.
મલ્ટિપલ લેયર્સ
મોડસ ઓપરેન્ડીના ત્રીજા સેટમાં, ઓફ લોડર્સ દ્વારા આ પાંચેય શેર્સ ઊંચા ભાવે (જે તેમણે અગાઉ સસ્તા ભાવે ખરીદ્યા હતા) વેચી દેવામાં આવતા હતા અને આવી રીતે, તગડો નફો રળવામાં આવતો હતો. નફાની રકમ સ્કીમના કૌભાંડિયોને મલ્ટિપલ લેયર્સમાં મોકલી દેવામાં આવતી હતી. આ લોકો કેટલીક કંપનીઓના પ્રમોટર્સ પણ હોવાનું માલૂમ પડ્યું છે. નફાની રકમ માસ્ટરમાઈન્ડ મિ. શેખને પણ મોકલવામાં આવતી હતી, એમ SEBIએ જણાવ્યું છે.
કૌભાંડ કેવી રીતે પકડાયું
SEBIએ આ કૌભાંડની તપાસ કરવા માટે અનેક પગલાં ભર્યાં હતા. SMS મોકલનારા અને આવી ગેરકાનૂની પ્રવૃત્તિમાં સામેલ અન્ય એન્ટીટિઝ સુધી પહોંચવા માટે ડિજિટલ ટ્રિકનો સહારો લેવામાં આવ્યો હતો, કોલ ડેટા રેકોર્ડ ચકાસવામાં આવ્યા હતા અને બેન્કોમાં થયેલા અઢળક ટ્રાન્ઝેક્શન્સની છણાવટ કરવામાં આવી હતી. સેબી દ્વારા આ કૌભાંડના મૂળિયા સુધી પહોંચવા માટે અને પુરાવા ભેગા કરવા માટે અત્યાર સુધીમાં કરવામાં આવતી તપાસ પ્રક્રિયાથી તદ્દન વિપરિત કાર્યવાહી કરવામાં આવી હતી.
રોકાણકારોને SEBIની સલાહ
સેબીએ સલાહ આપી છે કે, રોકાણકારોએ કૌભાંડીઓથી દૂર રહેવું જોઈએ. શેર ખરીદવાની સલાહ આપતા હોય તેવા SMSના આધારે રોકાણ ના કરવું જોઈએ. કૌભાંડીઓ દ્વારા વિવિધ વેબસાઈટ, ટેલિગ્રામ, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ જેવા સોશિયલ મીડિયા દ્વારા રોકાણકારોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવતો રહે છે. રોકાણકારોએ માત્ર SEBIમાં રજિસ્ટર્ડ હોય તેવા એડવાઈઝરની સલાહ માનીને રોકાણ કરવું જોઈએ અને સલાહ આપનાર વ્યક્તિ સેબીમાં રજિસ્ટર્ડ છે કે નહીં તે ચકાસવા માટે https://www.sebi.gov.in/ પર જવું જોઈએ, એમ સેબીએ જણાવ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો