Money9 Gujarati:
Polymatech Electronics IPO: ભારતની પ્રથમ ઓપ્ટો-સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવતી કંપની Polymatech Electronics શેરબજારમાં પ્રવેશવા માંગે છે અને તેના માટે કંપનીએ ડ્રાફ્ટ પેપર્સ જમા કરાવી દીધા છે. કંપનીએ મૂડીબજારના નિયમનકાર સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) જમા કરાવ્યું હોવાની જાહેરાત કરી છે. કંપની IPOમાં 750 કરોડ રૂપિયા સુધીના ફ્રેશ ઈક્વિટી શેર્સ (ફેસ વેલ્યૂ 10 રૂપિયા) વેચવા માંગે છે. આ ઓફરમાં કંપનીના વર્તમાન પ્રમોટર્સ કે શેરહૉલ્ડર્સ હિસ્સો વેચવાના નથી.
BSE અને NSE પર લિસ્ટિંગ
કંપનીએ ખંભાતા સિક્યુરિટીઝને બુક રનિંગ લીડ મેનેજરની જવાબદારી સોંપી છે તથા રજીસ્ટ્રારની જવાદારી લિંક ઇનટાઇમ ઇન્ડિયાને સોંપવામાં આવી છે. Polymatech Electronicsના શેરનું લિસ્ટિંગ BSE અને NSE પર થશે. કંપની IPO દ્વારા જે રકમ મળશે તેનો ઉપયોગ તમિળનાડુમાં કાંચીપુરમ્ ખાતે ઓરાગડમમાં વર્તમાન એકમમાં નવી મશીનરીની ખરીદી કરશે.
અત્યાધુનિક ટેકનોલોજી
ચેન્નાઈ સ્થિત Polymatech Electronicsએ 2019માં ઓપ્ટો-સેમીકંડક્ટર ચિપની ડિઝાઇન અને ઉત્પાદન સાથે તેની સફર શરૂ કરી હતી. કંપનીએ યુરોપીયન તથા જાપાનની નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદનની શરૂઆત કરી હતી. કંપની ઓપ્ટો-સેમીકંડક્ટર ચિપ્સ અને લ્યુમિનિયર્સનું ઉત્પાદન કરે છે, જે કમર્શિયલ સ્થળોએ વિશાળ-એરિયા લાઇટિંગમાં વિવિધ ઉદ્યોગો માટે ઉકેલો પ્રદાન કરે છે અને તબીબી એપ્લિકેશન્સ, ડેટા ટ્રાન્સમિશન, ફોટોસિન્થેસિસ માટે વિશિષ્ટ લાઇટિંગ, એક્વા લાઇટિંગ, સેનિટાઇઝેશન વગેરે માટે પ્રોડક્ટ્સના ટ્રાયલ વિકસાવ્યા અને પૂર્ણ કર્યા છે. કંપની ઓરાગડમ, કાંચીપુરમ, તમિલનાડુ ખાતે સ્થિત તેની અદ્યતન સુવિધામાં તેની ઓપ્ટો-સેમીકન્ડક્ટર ચિપ્સને ડિઝાઇન કરે છે, વિકસાવે છે, પરીક્ષણ કરે છે અને તેનું ઉત્પાદન કરે છે. કંપનીએ તેનો બીજો પ્લાન્ટ સ્થાપવા માટે તમિલનાડુના કૃષ્ણાગિરીમાં એક સુવિધા પણ ખરીદી છે.
વૃદ્ધિમય માર્કેટ
કેર એડવાઇઝરી રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (કેર એજ)ના રિપોર્ટ મુજબ વૈશ્વિક ઓપ્ટો-સેમીકંડક્ટર માર્કેટનું વર્ષ 2018માં અંદાજિક કદ 2.73 લાખ કરોડ રૂપિયા હતું, જે 4 ટકાના CAGR સાથે વર્ષ 2022માં 3.32 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. વૈશ્વિક ઓપ્ટો-સેમીકંડક્ટર ઇન્ડસ્ટ્રી વર્ષ 2028 સુધીમાં 4.87 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચવાનો અંદાજ છે, જે વર્ષ 2022થી 2028 સુધીમાં 5.4 ટકા CAGR સાથે વૃદ્ધિ કરશે. ઓટોમોટિવ સેક્ટર અને લાઇટિંગ તથા હાઉસહોલ્ડ જેવા ઉદ્યોગોને કારણે આ માર્કેટને વેગ મળે તેવી શક્યતા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો